ગુજરાતના મોઢ બ્રાહ્મણોનો ઇતિહાસ : (ભાગ-પહેલો)

મોઢ બ્રાહ્મણો અંગેના પરંપરાગત ઈતિહાસ સ્કંદ પુરાણ અંતર્ગત બ્રહ્મખંડના સ્વતંત્ર વિભાગ તરીકે લખાયેલાં ધર્મારણ્ય પુરાણમાંથી મળે છે, જ્યારે પદ્મપુરાણના પાતાલખંડના ભાગરૂપ ૬૯ અધ્યાયવાળા બીજો ગ્રંથ મળે છે. પ્રથમ ગ્રંથમાં ૪૦ અધ્યાયો છે. બ્રહ્મવૈવર્તપુરાણમાં પણ આ અંગેનો ઈતિહાસ છે. પદ્મપુરાણુ અંતર્ગત ધર્મારણ્ય પુરાણમાં સ્કંદપુરાણુવાળા ગ્રંથ કરતાં વિશેષ માહિતી છે. પદ્મપુરાણુવાળા ગ્રંથમાં ૪,૦૦૦ શ્લોકો છે, જ્યારે સ્કંદપુરાણુવાળા ગ્રંથમાં ૧,૭૦૮ શ્લોકો છે. પદ્મપુરાણ પ્રમાણે મોઢ શબ્દ મૂઢ ઉપરથી બન્યા છે અને તે અંગે શિવશર્મા અને સુસ્વરાનો મૂઢ પુત્ર ત્રણે દેવતાની વાત સાંભળીને કેવી રીતે બોલતો થયો અને વિદ્વાન થયો તેની કલ્પિત કથા આપી છે. સ્કંદ પુરાણ મા+ઉઢ એટલે લક્ષ્મીને વરેલા તેવો અર્થ ઘટાવે છે, પરંતુ ખરી રીતે મોઢેરાના રહેવાસી એ મોઢ કહેવાયા એ અર્થ વધારે સમુચિત છે. મોઢેરાને મુસલમાનોએ ઘેરો ઘાલ્યો હતો અને માધવ પ્રધાનના ઉલ્લેખને કારણે ધર્મારણ્ય પુરાણ ચોદમા સૈકાના અંતમાં કે પંદરમાં સૈકાની શરૂઆતમાં રચાયું હોય એમ માની શકાય.

આચાર્ય બાલચંદ્રસૂરિ ચૌદમા સૈકામાં થઈ ગયા. તેણે મોઢેરક અને મોઢ શબ્દનો ઉલ્લેખ કર્યો છે અને તે નગરના લોકો લક્ષ્મીવાન લક્ષ્મીને ખેંચી લાવનાર હોવાનું સૂચવ્યુ છે. મોઢેરક નામ મોઢેરાનું સંસ્કૃતીકરણ છે. સૂત્રકૃતાંગની સૃષ્ટિમાં જિનદાસગણિ મહત્તરે લગભગ સાતમા સૈકામાં અને શીલાંકદેવે વૃત્તિમાં આઠમા સૈકા દરમ્યાન મોઢેરાનો ઉલ્લેખ કર્યો છે. આ સ્થળમાં બ્રાહ્મણોની ઘણી વસ્તી હતી અને સૂત્રકૃતાંગમાં જણાવ્યા પ્રમાણે તે આહાર કે અગ્રહાર હતું. આમ રાજા અથવા કનાજના પ્રતીહારવશી નાગ ભટ્ટ બીજાએ અહીંના બ્રાહ્મણોનો ગરાસ ઝૂંટવી લીધો હતો. બપ્પભટ્ટ સુરી ના કહેવાથી આ રાજાએ મોઢેરામાં જૈનમદિર બધાવ્યું હતું. આ મૂલક તેણે તેની દીકરી રત્નગંગાને દાયજામાં આપ્યો હતો. વલભીના દાનશાસનોમાં ચાતુર્વિદ્ય સામાન્ય અને ત્રૈવિદ્ય સામાન્યનો ઉલ્લેખ છે. આ ઉલ્લેખ અટક તરીકેનો નથી પણ સ્વતંત્ર સમુદાયના સભ્ય તરીકે હોવાનો શ્રી કનૈયાલાલ દવેનો મત છે. શ્રી હરિપ્રસાદ શાસ્ત્રી યાજ્ઞવલ્કય સ્મૃતિના આધારે ચાર અને ત્રણ વેદ જાણકાર પંથ ના સભ્ય એવા અર્થ તારવે છે. શ્રી દવે સ્વતંત્ર સમુદાય તરીકે ત્રૈવિદ્ય અને ચાતુર્વિદ્ય નો ઉલ્લેખ માત્ર મોઢ જ્ઞાતિમાં જ છે, માટે આ ઉલ્લેખ મોઢ જ્ઞાતિના બે વિશાળ વિભાગો ત્રિવેદી અને ચાતુર્વેદી મોઢને લગતા છે એમ માને છે. આ ભેદો મોઢેરાના બ્રાહ્મણોમાં આઠમા નવમા સૈકા અગાઉથી પ્રચલિત હશે તેમ તેમનું મંતવ્ય છે. ધર્મારણ્યખંડ પ્રમાણે રાક્ષસોના ત્રાસને કારણે મોઢ બ્રાહ્મણોએ નજીકના ગામેામાં તથા ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ સ્થળોએ સ્થળાંતર કર્યુ હતું. આ ઉલ્લેખથી મોઢેરા ઉપર સ્થાનિક ભીલ, કોળી જેવી જંગલી જાતિઓએ શહેરની સમૃદ્ધિથી આકર્ષાઈને આક્રમણ કર્યું હશે તે સૂચિત થાય છે. ગુજરાતના વડનગર, અમદાવાદ, નડિયાદ, મોડાસા, કપડવંજ વગેરે શહેરોમાં મોઢ બ્રાહ્મણોના સ્વતંત્ર મોહલ્લાઓ છે. મોડાસાનું પ્રાચીન નામ મોહડવાસક નામ પણ મોઢ બ્રાહ્મણોનો વસવાટ સૂચવે છે. શ્રી દવે મોહડવાસક નામ મોઢવાસનુ સંસ્કૃતીકરણ છે એમ માને છે. શ્રી દવે મોડાસામાં મોઢ બ્રાહ્મણોનો વસવાટ આઠમા નવમા સૈકા જેટલો પ્રાચીન હશે એમ માને છે.

..૬૯૪ ના વલભીના તામ્રપત્રમાં આનંદપુર વિનિર્ગત શંકર નામના ભારદ્વાજ ગોત્રીય, ઋગ્વેદની બહવૃચ શાખાના ચાતુર્વિદ્ય સામાન્યને સુરાષ્ટ્રના કાલાપક પથકમાં ઇકોલ્લગામની જમીન આપ્યાનો ઉલ્લેખ છે. આ ઉલ્લેખ ચાતુર્વેદી મોઢનો છે એમ શ્રી દવે માને છે. હાલ પણ વડનગરમાં દાવોત્તર સમવાયના મોઢ બ્રાહ્મણેાના ઘરો છે તે આને સમર્થન આપે છે. વલભીદાન શાસનમાં ગાંગાનાયન ગોત્રનો ઉલ્લેખ છે. મોઢ બ્રાહ્મણોના ધર્મારણ્યમાં આવેલા ગોત્રોમાં ગાંગ્યાયન ગોત્ર સૌ પ્રથમ જણાવેલુ છે. કૃષ્ણ યજુર્વેદની મૈત્રાયણી શાખા મોઢ બ્રાહ્મણેામાં છે. વલભીના દાનપત્રોમાં આ જ વેદની આ જ શાખાના બ્રાહ્મણોને દાન અપાયુ છે. તેથી આ મોઢ બ્રાહ્મણો હશે એવો શ્રી દવેનો તર્ક છે. આ મૈત્રાયણીઓ માનવ ઉપશાખાના હતા અને ગુજરાત સૌરાષ્ટ્રના મોઢ બ્રાહ્મણો સંધ્યાદિ સંસ્કારવિધિ માનવ ગૃહસૂત્રના આધારે કરે છે. આથી મૈત્રાયણી શાખાવાળા અને માનવ ઉપશાખાવાળા કૃષ્ણ યજુર્વેદીય બ્રાહ્મણો મૂળ મોઢેરાના વતની હશે અને પાછળથી તેઓએ સ્થળાંતર કર્યું હશે. ..૧૦૩૪, ૧૦૫૩, ૧૦૫૮ ના શિલાલેખો પ્રમાણે શિલાહાર વંશીય કોંકણના રાજા છિતુરાજદેવના સમયમાં ઐજલદેવનો પુત્ર આહવનીય વિજ્જલદેવ મહામંડલેશ્વરનો હોદ્દો ધરાવતા હતા. આ વિજ્જલદેવ મોઢ હતા પણ બ્રાહ્મણ કે વૈશ્ય તે સ્પષ્ટ નથી. તેનો પુત્ર ચામુંડ હતો. તેનુ રાજ્ય હતું. આહવનીય તથા છિતુરાજના મહાઅમાત્ય અને મહાસંધિ વિગ્રાહક તરીકેના ઉલ્લેખ પરથી તે બાહ્મણ હશે તેમ માની શકાય. આહવનીય વિશેષણ અગ્નિહોત્રી ધરાવતાં શ્રોતાધાન ધારણ કરેલ બાહ્મણ માટે વપરાય છે. માટે પિતાપુત્રો મોઢ બ્રાહ્મણો હશે. આમ ધંધા રોજગાર માટે મોઢ બ્રાહ્મણો ગુજરાત બહાર વસ્યા હશે અને વિદ્યા અને પરાક્રમથી ઉચ્ચ સ્થાન તેમણે પ્રાપ્ત કર્યુ હશે. ..૧૦૩૦ ના ભીમદેવ પહેલાના દાન શાસનમાં બનાસકાંઠાના વરણાવાડાના મેાઢ બ્રાહ્મણ જનેવને દાન આપ્યાનો ઉલ્લેખ છે. ધર્મારણ્ય ગ્રંથમાં વનરાજની માતા મોઢ બ્રાહ્મણોના આશ્રયે રહી હતી એવા ઉલ્લેખ છે. મોઢ બ્રાહ્મણો ચાવડાવંશના રાજાના પુરોહિત હશે અને તેથી મૂળરાજે ઔદિચ્યોને બોલાવ્યા હશે.

ધર્મારણ્યમાં જણાવ્યા પ્રમાણે રામે અયોનિજ ૧૮,૦૦૦ ત્રૈવિદ્ય બ્રાહ્મણોને મોઢેરામાં વસાવ્યા હતા. તેમની સેવા માટે ૩૬,૦૦૦ મોઢ વાણીઆઓને ઉત્પન્ન કર્યા હતા. આ બ્રાહ્મણો ચોવીસ ગેાત્રના હતા. ત્રેતાયુગમાં રામે આ સ્થળના જિર્ણોદ્ધાર કર્યાં હતો ને ઉપરોક્ત બ્રાહ્મણોને વસાવ્યા હતા. આમ આ બ્રાહ્મણો મોઢેરા અને આજુબાજુના ગામોમાં નિવાસી અને માલિક હતા. આમ રાજાના વખતમાં મોઢેરા ત્રિવેદી બ્રાહ્મણો પાસેથી છીનવી લેવાયુ ત્યારે તે પૈકી કેટલાક તેમના રક્ષક હનુમાનજી પાસે મદદ લેવા રામેશ્વર ગયા. તેની સંખ્યા ૩૧ હતી. પંદર હજાર ચાતુર્વેદીઓ પૈકી ૨૦ અને ત્રણ હજાર ત્રિવેદી પૈકી ૧૧ માંથી ચાતુર્વેદીઓ પાછા ફર્યાં. રામેશ્વરમાં વૃદ્ધ અને અશક્ત બ્રાહ્મણવેશધારી હનુમાનજીએ તેમની બગલના વાળ સાક્ષી તરીકે આપ્યા. ડાબી બગલના વાળની રાજાનો વિનાશ કરવાની શક્તિ હતી. જમણી બાજુની બગલના વાળની ગોળી ઉપદ્રવનું શમન કરનારી હતી. ઉપરોક્ત બ્રાહ્મણો આમ રાજા પાસે ગયા અને રાજાને વિશ્વાસ ન પડતાં ડાબી બગલના વાળ રાજાને આપ્યા. રાજાએ તેને બકરાના વાળ માની ફેંકી દીધા અને તુરત આગ લાગી. ગભરાઈને રાજાએ બ્રાહ્મણોની શરણાગતિ સ્વીકારી અને જમણી બગલના વાળની ગોળીથી ઉપદ્રવનું શમન કર્યુ. આખી કથા જૈનધર્મી રાજા અને બ્રાહ્મણો વચ્ચેના કલહનું સૂચન કરે છે. હનુમાનના વાળની કથા ઉપજાવી કાઢેલી જણાય છે.

પંદર હજાર ત્રૈવિદ્ય બ્રાહ્મણો સમયને અનુકૂળ ચતુરાઈભરી વાતોને કારણે ચાતુર્વિદ્ય કહેવાયા. તેઓએ હનુમાનજીને રામેશ્વરમાં મળવા જવાની દરખાસ્ત સ્વીકારી ન હતી. તેથી તેઓએ યજમાનવૃત્તિ ગુમાવી હતી. તે સુખવાસપુર (સરખેજ) ગામમાં જઈને વસ્યા જ્યારે ૩,૦૦૦ ત્રૈવિદ્યો મોઢેરામાં વસ્યા. યજમાનવૃત્તિનો ઝઘડો આ ભેદ માટે કારણભૂત ખરેખર ન હતો, પણ ત્રણ કે ચાર વેદનું જ્ઞાન આ માટે કારણભુત હતું. એક વખત ખાઈને રહેનારા (એકાશન) અગ્યાસણા કહેવાયા. બીજા મત પ્રમાણે ત્રિવેદી મોઢના ૧૧ આગેવાનો સંસ્થાનું લેવડદેવડનું કામ સંભાળતા હતા. તેમની પાસેના સાર્વજનિક નાણામાંથી અર્ધા પૈસાનો તે અંગત કામ માટે ઉપયોગ કરતા હતા. આ પ્રપંચ ખુલ્લો પડી જતાં તેને બહિષ્કૃત કરવામાં આવ્યા. તેમના વંશને અગ્યાસણા કહેવાયા. ધેનુજા કે ઘીણોજી મોઢ બ્રાહ્મણવિભાગ ધર્મારણ્ય પ્રમાણે વિધવા કન્યાના મૂર્ખ અને રખડુ પુત્ર ગેાપાલન કરનાર બ્રાહ્મણોના સંબંધથી ઉદભવ્યો હતા. રામેશ્વર જવા નીકળેલા ૩૧ આગેવાનો પૈકી થાકને કારણે ચાતુર્વેદીના ૨૦ આગેવાનો અર્ધા રસ્તેથી પાછા ફર્યાં. તેઓ મલ્લ વિદ્યા શીખ્યા અને તે જેઠીમલ્લ તરીકે પ્રસિદ્ધ થયા. ત્રિવેદી મોઢના ખાડખાંપણવાળા છોકરા ચાતુર્વેદીની કન્યાઓને પરણ્યા અને તેમનું ત્રીજું દળ બંધાયુ. તે ત્રિદળજા કે તાંદલજા કહેવાયા. આ સિવાય જેઠલોજા વિભાગ છે, જે નામ વડોદરા નજીકના આ ગામના નામ ઉપરથી પડેલુ છે.

ઉપરોક્ત વિગત ધર્મારણ્ય પ્રમાણે છે. શ્રી કનૈયાલાલ દવે આ પેટા વિભાગો અંગે આમ જણાવે છે. “મોઢ લોકાના પેટાવિભાગેા સ્થળનામ સાથે સંબધ ધરાવતા નથી. આ ભેદો સંસ્કાર અને કાર્ય–પ્રણાલિના આધારે પડયા છે. જે લોક ત્રણ વેદો ભણ્યા તે અભ્યાસી વિદ્વાનો તરીકે ત્રિવેદી કે ત્રૈવિદ્ય કહેવાયા. ચાર વેદના જાણકાર અને અભ્યાસી ચાતુર્વિદ્ય સામાન્ય કે ચાતુર્વેદી તરીકે જાણીતા થયા. જે લોકો શહેરનું રક્ષણ કરતા હતા તે બ્રાહ્મણેા જ્યેષ્ઠ એટલે શહેરના રક્ષકો તરીકે મોટી લાયકાત ધરાવતાં તેમનું સ્થાન ત્યાંના નાગરિકોમાં મોટા રાજા જેવું ગણાતું હતું, કારણ કે તેમના બળ, પરાક્રમ ઉપર શહેરની સલામતીનો આધાર હતો. વ્રતો અને ઉત્સવના પ્રસંગોએ તે વ્યાયામ કૌશલ મલ્લ કુસ્તીના પ્રયોગો દ્વારા વ્યક્ત કરતા હતા. તેઓ જ્યેષ્ઠ કે જયેષ્ઠીમલ તરીકે ઓળખાય છે. જે બ્રાહ્મણો કૃષિ અને પશુપાલન દ્વારા તેમનો નિર્વાહ કરતા હતા તે ગોપાલકો ધેનુજા તરીકે જાણીતા થયા. મોઢેરાના જે બ્રાહ્મણો તાંદુલચોખાની ખેતી કરતા હતા તે કૃષિકારો તંદુલજા તરીકે જાણીતા થયા. છેલ્લો અગિયાસણાનો સમુદાય છે. તેમનો મૂળ ૧૧ નો સમુદાય હશે. કોઇ કારણસર મૂળ સમૂહથી તે જુદા પડયા હશે. તેથી તે અગિયાસણા કહેવાયા. આ ભેદો વિદ્યા, સંસ્કાર અને ધંધાને કારણે પડયા હતા. ધર્મારણ્યના લેખક ત્રૈવિદ્ય હોવાથી બીજાઓને તેમણે ઉતરતા બતાવ્યા છે. મોઢેરાના મૂળ વતનીઓ કુરુક્ષેત્ર વગેરે તીર્થ સ્થાનોમાંથી આવીને અહીં વસ્યા હતા. (સ્કંદપુરાણધર્મારણ્ય અધ્યાય ૯, શ્લોક ૨૧–૨૨). કોઈ રાજા કે સરદારે મૂળરાજે જેમ ઔદિચ્યોને બોલાવ્યા તેમ મોઢ બ્રાહ્મણોને ઉત્તર ભારતમાંથી બોલાવ્યા હશે. રુદ્રમહાલયની સ્થાપના વખતે મોઢ બ્રાહ્મણોએ પ્રતિગ્રહ ન કરતાં મૂળરાજે તેમને હાંકી કાઢ્યા હતા. તેઓ ‘મોઢાણા’ નગર વસાવીને રહ્યા. આ સ્થળ કચ્છમાં મુંઢાણા તરીકે જાણીતું છે.”

અલ્લાઉદ્દીન ખિલજીના સમયમાં મુસલમાનોએ મોઢેરા ઉપર આક્રમણ કર્યું હતું. મુસલમાનોને બોલાવનાર એક ધનિક પણ દુરાચરણી સોમૈયા નામના બ્રાહ્મણનો પુત્ર હતો જેના કુટુંબના મોઢ બ્રાહ્મણોએ બહિષ્કાર કર્યાં હતો. આ ઉપજાવી કાઢેલું છે. ખરી રીતે મોઢેરા સમૃદ્ધ નગર હોવાથી મુસલમાન ચડી આવ્યા હતા. દીવાળીથી હોળી સુધી તેમણે મુસ્લિમોનો સામનો કર્યા હતો. મુસલમાનોએ કંટાળીને પાંચ કરોડ સોનામહોરની માગણી કરી. ઉપરોક્ત બ્રાહ્મણ પુત્રની વિધવા માતાએ પુત્રના દોષ બદલ સાત કરોડ સોનામહોરો આપી. આથી આ નગર ખૂબ ધનાઢય છે એમ જાણી મુસલમાનોએ વચનભંગ કરી મોઢેરામાં દાખલ થયા અને મોઢેરાનું પતન થયું. બીજા વૃતાંત પ્રમાણે લોકોએ ૫,૦૦૦ તે બદલે ૭,૦૦૦ સોનામહોરો આપતાં મુસલમાનોએ દ્રવ્યલાભથી મોઢેરા લૂંટ્યું હતું. મોઢેરાના બચાવમાં વિઠલેશ્વર નામના આગેવાને મહત્ત્વનો ફાળો આપ્યો હતા. મોઢેરાના પતન બાદ બ્રાહ્મણો સાબરમતી નદીના કાંઠાના ગામોમાં વસ્યા હતા. આ બનાવ ઇ..૧૨૯૯ માં બન્યા હતો. વિઠલેશ્વરે મોઢેરાનો ફરી પુન વસવાટ કરવા માટે પ્રયત્ન કર્યાં હતો.

બ્રાહ્મણોની કઈ કઈ ન્યાતોમાં ક્ષીણુતા થવાની ધાસ્તી છે. એ પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે ચાતુર્વેદી મોઢ જ્ઞાતિનો મોટો જથ્થો કપડવંજ, વાડાસિનોર, અમદાવાદ, સરખેજ, નડિયાદ, પીજ, ધર્મજ, તેમજ સુરત આસપાસ નવસારી, ગણદેવી, ચીખલી, વલસાડ અને કાઠિયાવાડમાં તથા કચ્છમાં હતો. તેમનામાં એક ઉપર બીજી કરવાના ચાલને લીધે તથા કુલીનશાહી તથા શહેર અને ગામડા વચ્ચેના ભેદને કારણે વસ્તી ઘટતી જાય છે. આ કારણે કન્યાની અછત થવાથી કેટલાક કુંવારા રહી ગયા હતા. અને નજીકના સગામાં સામસામું આપવાનો ચાલ પણ અસ્તિત્વમાં આવ્યો હતો. મોટાં શહેરોમાં જ્યાં કુલીનશાહીનો રોગ લાગુ પડ્યો હતો. ત્યાં એક ઉપર બીજી કરવાની પ્રથા શરૂ થઈ હતી. સરખેજમાં ૫૦૦ ઘર હતાં તે ઇ..૧૮૮૦ આસપાસ ૩૦૦૩૫૦ રહ્યાં હતાં. ઘણાં લોકોએ અમદાવાદમાં વસવાટ કર્યો હતો. તેમ છતાં અમદાવાદમાં ૪૦૦ ઘરોમાંથી ઘટીને ૨૦૦ ઘર થઈ ગયાં હતાં.

ત્રિવેદી મોઢ બ્રાહ્મણોની વસ્તી કાઠિયાવાડ, પાટણવાડો, અને સુરત જિલ્લામાં છે. કાનમ તરીકે ભરૂચ જિલ્લામાં પણ તેમની વસ્તી છે પણ તે ચાતુર્વેદી કે ત્રિવેદી મોઢ છે કે કેમ તે સ્પષ્ટ નથી.

મૂળ ઉત્તર ગુજરાતના મોઢ બ્રાહ્મણો મુસ્લિમોના આક્રમણને કારણે ગુજરાતના તથા દૂર મધ્યપ્રદેશ તથા દક્ષિણમાં પણ સ્થળાંતર કરીને વસ્યા હોવાનું જણાય છે. સુરતના અઠ્ઠાવીસી તરીકે ઓળખાતા મોઢ બ્રાહ્મણોમાં વ્યાકરણ અને વિવિધ શાસ્ત્રોના અભ્યાસી બ્રાહ્મણો ઘણા થઈ ગયા. સરખેજ, ધમડાછા, ગણદેવી, જામનગર વગેરે પ્રાચીન વિદ્યાકેન્દ્રો હતાં. બાકીના મોટા ભાગના મોઢ બ્રાહ્મણેા ખેતી, ધીરધાર તથા યજમાનવૃત્તિ ઉપર આધાર રાખનારાં હતા. બહુ થોડા વેપારમાં પડયા હતા.

મોઢ બ્રાહ્મણોના છ પ્રકારોમાંથી અનેક વિભાગો થયા છે. સને ૧૮૯૧ નાં તેમની વસ્તી ૩૮,૮૯૨ હતી. તે પૈકી ૪,૦૬૭ અમદાવાદ જિલ્લામાં, ,૨૦૧ ખેડા જિલ્લામાં, ૫૩૧ પંચમહાલ જિલ્લામાં, પ૭૦ ભરૂચ જિલ્લામાં, ,૦૫૬ સુરત જિલ્લામાં, ૧૨,૧૨૯ વડોદરા રાજ્યમાં અને ૧૫,૩૩૮ અન્ય દેશી રાજ્યો જેવા કે ભાવનગર, પાલીતાણા, જામનગર, મોરબી, ધ્રોળ રાજકોટ, કચ્છ વગેરેમાં હતા. સને ૧૯૦૧ માં ૧૮૯૮ ના પ્લેગ તથા છપ્પનીઆ દુકાળને કારણે આ વસ્તી ઘટીને ૨૬,૨૮૧ રહી હતી. ૧૯૨૧ માં ઇન્ફ્લુએન્ઝા વગેરેને કારણે આ વસ્તી ઘટીને ૨૨,૫૫૮ થઈ હતી. ૧૯૪૭ માં પુરુષોત્તમ ત્રિવેદીએ ‘સંક્ષિપ્ત ધર્મારણ્ય’ પુસ્તકમાં આ સંખ્યા ૪૯,૬૫૦ એટલે ૫૦,૦૦૦ દર્શાવી છે. તેમણે જુદા જુદા તડવાર વિગતો નીચે મુજબ આપી છે.

 

વિભાગનું નામ

કુલ ગામોની સંખ્યા

ઘર સંખ્યા

કુલ વસ્તી

દશકોશી સરખેજ સહિત

૭૨

,૪૧૧

,૦૦૦

બારાબાવન

૪૨

૪૮૭

,૭૦૦

દશકોશી દાવોત્તર

૧૬

૨૪૫

,૦૦૦

નવાગામ ચાતુર્વેદી

૧૨

૩૦૦

,૦૦૦

તેરગામ

૨૦

૫૭૫

,૦૦૦

કપડવંજ વાડાસિનોર

૧૭

,૬૦૦

,૦૦૦

સુરત અઠ્ઠાવીસી

૧૨૧

,૧૦૦

,૦૦૦

અગિયાસણા (ગુજરાત)

૮૯

૩૪૬

જેઠીમલ્લ (રાજસ્થાન સાથે)

૨૫૦

,૨૦૦

૧૦

ધીણોજા

૩૦૦

,૨૦૦

૧૧

ચુંવાળ બાવીશી

૩૨

૧૯૮

૮૦૦

૧૨

વઢિયાર સમવાય

૧૪

૫૧

૧૫૬

૧૩

છેૉંતેર ચાતુર્વેદી

૧૨૦

૬૦૦

૧૪

ચુંથા સમવાય*

૯૩

૬૫૦

,૫૦૦

૧૫

રાજગોર સમવાય*

૯૬

૬૫૦

,૫૦૦

૧૬

હાલારી સમવાય*

૪૩

૨૫૦

,૨૦૦

૧૭

મચ્છુકાંઠિયા*

૧૩૫

,૨૦૦

,૦૦૦

૧૮

અગિયાસણા*

૧૭

૩૦૦

,૫૦૦

૧૯

ત્રિવેદી મોઢ ગુજરાત, કાશી*

૨૫

૨૮૩

,૫૦૦

૨૦

ખીજડીઆ મોઢ*

૫૨

૪૦૦

,૦૦૦

* : સૌરાષ્ટ્ર વિભાગ

આમ સમગ્ર ગુજરાતમાં મોઢ બ્રાહ્મણોની વસ્તી ૧૯૪૭ માં ૫,૦૦૦ હતી હાલ તે વધીને ૮૦,૦૦૦ થઇ હશે.

દશકોશી પેટાવિભાગ નીચે સરખેજ, અમદાવાદ, વસઈ, મીરાલી વગેરે નવ ગામ, ખાખરિયા ટપ્પાના કલોલ કડી વિભાગ, અને ગાંધીનગર જિલ્લાના મળીને તેર ગામ, ૧૭ ગામનો ચોખલા વિભાગ અને દશકોશી બાવીશી એવા વિભાગો છે. તેમના કુશિકસ, વત્સ (વચ્છસ), છાન્દાનસ, ભારદ્વાજ, કુત્સસ, કૌશિક, શાંડિલ્ય અને ધારણસ ગોત્રો છે. આ ગોત્રો પૈકી અમદાવાદ અને સરખેજના મોઢ બ્રાહ્મણો પોતાને ઊંચા ગણાવે છે. અગાઉ વરવિક્રયની પ્રથા હતી. બહુપત્ની પ્રથા પણ કયારેક જોવામાં આવતી હતી. અમદાવાદમાં સરખેજથી ઘણા લોકો આવીને વસ્યા છે. ત્રિપાઠી અટક સરખેજમાં વિશેષ જોવા મળે છે. પાઠક, જાની, જોશી, ત્રિવેદી, ભટ્ટ, ઉપાધ્યાય, દવે, દિક્ષિત, યાજ્ઞિક, વગેરે અટકો છે. અગાઉ ખેતી અને યજમાનવૃત્તિ મુખ્ય વ્યવસાયો હતા. હાલ આ ધંધા કરનારની સંખ્યા ઘટી ગઈ છે. સરકારી નોકરીમાં અને શિક્ષકો તરીકે કામ કરનાર ૭૦૮૦ ટકા હશે. વેપાર ઉદ્યોગમાં ભાગ્યે જ કોઇક જ હશે. શિક્ષણનુ પ્રમાણ અમદાવાદ નજીક હોઇને આ ગોળમાં સારૂં છે. અગાઉ સ્ત્રીઓમાં શિક્ષણ ઓછું હતું. અને હાલ ગામડાંઓમાં પ્રાથમિક શિક્ષણ લેનાર બહેનો ઘણી છે. માધ્યમિક શાળાઓ ૧૯૬૦ પછી ગ્રામવિસ્તારમાં વધતાં બહેનોમાં માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. પરદેશ કેટલાક લોકો આફ્રિકા, ઈગ્લેંડ વગેરેમાં વસે છે.

દાવોત્તર સંપ્રદાય મહેસાણા જિલ્લામાં આવેલો છે. પાટણ, અને વડનગર તેમનાં મોટા કેન્દ્રો છે. નવગામના ચાતુર્વેદીની વસ્તી ખેડા જિલ્લામાં છે. પેટલાદ, સોજીત્રા, નાર, તારાપુર, વડદલા વગેરેમાં તેમની ઘણી વસ્તી છે. તેર ગામનો ગોળ પણ ખેડા જિલ્લામાં આવેલો છે. સોજીત્રા, પીજ, વડોદરા, નડિયાદ, ખંભાત, ધર્મજ વગેરે મોઢ બ્રાહ્મણની વધારે વસ્તીવાળા ગામે છે.

કપડવંજ અને વાડાસિનોરનો ગોળ ખેડા અને પંચમહાલના ૧૭ ગામોનો બનેલો છે. ,૬૦૦ ઘરો પૈકી કપડવંજમાં ૬૦૦ અને વાડાસિનોરમાં ૫૫૦ ઘરો છે. પંચમહાલમાં ગોધરા, દાહોદ, કલોલ, હાલોલ, સાંઢાસાલ, ડેસર, લુણાવાડા વગેરેમાં ૧૨૦ ઘરો આવેલાં છે. ભારદ્વાજ, કુશકુશ, વત્સ, શાંડિલ્ય, કાશ્યપ અને કુત્સસ મુખ્ય ગોત્રો છે. વત્સ ગોત્રીઓ પંચપ્રવરી છે. આ વિભાગના બ્રાહ્મણો કેળવણીમાં ખૂબ આગળ વધેલા છે. કુલીન અને અકુલીનના ભેદ કપડવંજ અને વાડાસિનોરમાં વિશેષ જેવા મળતા હતા. હવે આ ભેદ ભૂંસવા લાગ્યા છે. સરકારી ખાતાઓમાં નોકર તરીકે, શિક્ષકો તરીકે, પુરુષ અને સ્ત્રીઓ ખૂબ સખ્યામાં છે. અગાઉ ખેતીવાડી અને ધીરધારમાં કેટલાક પડ્યા હતા. હાલ તેમનું પ્રમાણુ ગણોતધારા તથા ઋણ્ રાહતધારાને કારણે ઘટ્યું છે. ભટ્ટ અને ત્રિવેદી અટકવાળાની સંખ્યા ઘણી છે. પુરાણી, શુકલ વગેરેની સુરત અઠ્ઠાવીસી વિભાગમાં વલસાડ, ગણદેવી, પરસાડ, અબ્રામા, નવસારી, સુરત વગેરેમાં મોટી વસ્તી છે. ખેતી અને યજમાનવૃત્તિ અગાઉ તેમનો મુખ્ય વ્યવસાય હતો. હાલ પણ તેમનું પ્રમાણ સારુ છે. કર્મકાંડ તથા જ્યોતિષમાં પણ તેઓ પૈકી કેટલાક ખૂબ જાણીતા હતા. મોટાભાગના હાલ સરકારી નોકરી તથા શિક્ષક તરીકે તથા બેંક, વીમા કંપની વગેરેમાં તથા સ્વતંત્ર ધંધામાં કામ કરે છે. શિક્ષણનુ પ્રમાણુ સારું છે. સુરતથી વલસાડ સુધીના સુરત વિભાગમાં ૫૦ ગામો, ચોર્યાસી વિભાગના ૨૧ અને ગોદારા વિભાગના ૫૦ ગામો આવેલાં છે. તેમના કૌશિક, કુશિકુશ, કૃષ્ણાત્રેય, ભારદ્વાજ, વશિષ્ઠ અને કંઠાનસ ગોત્રો છે. ધીણોજા મોઢ બ્રાહ્મણો પૈકી મોટા ભાગના લોકો વડનગર (૨૦૦ ઘર) અને ધીણોજ (૯૦) માં વસે છે. તેમનો નાનો વિભાગ હોવાથી કન્યાવિક્રય, સાટુ વગેરે અનિષ્ટો પ્રચલિત હતાં. હાલ તે તેમની કન્યા બીજા બ્રાહ્મણોમાં પણ આપે છે. શુકલ (કાળટિયા) અને ગૃહસ્થ એવા બે વિભાગ છે. મોટા ભાગના લોકો ખેતીવાળા છે. કેટલાક નોકરી કરે છે જે પૈકી શિક્ષકોની સંખ્યા ઠીક છે. શિક્ષણનું પ્રમાણ અગાઉ ઘણું ઓછું હતું. હાલ ફરજીઆત શિક્ષણને કારણે તે વધ્યું છે. ભૂતકાળમાં ચોરી માટે તેઓ જાણીતા હતા. ચુવાળ બાવીસીના ગામો મહેસાણા, ચાણસ્મા, સમી, કડી વગેરે તાલુકાઓમાં આવ્યાં છે. બધો વિસ્તાર ગ્રામ વિસ્તાર છે. ખેતી તથા યજમાનવૃત્તિ મુખ્ય ધંધો હતો. હાલ શિક્ષકો, તલાટી તરીકે તેમની સંખ્યા ઠીક ઠીક છે. અગાઉ ખપ પૂરતુ પ્રાથમિક શિક્ષણ લેતા હતા, ૧૯૪૭ પછી શિક્ષણના ફેલાવાને કારણે માધ્યમિક શિક્ષણ વધ્યું છે. બહેનોમાં શિક્ષણનુ પ્રમાણ હજી ઓછું છે. ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ પણ ઓછું છે. વઢિયાર વિભાગ ધીણોજા તથા ચુંવાળ વિભાગ જેમ પછાત વિસ્તારમાં આવેલો છે. બનાસકાંઠાના અને સમી તાલુકો જિ.મહેસાણાના ગામોમાં આ ગોળના બ્રાહ્મણોની વસ્તી છે. શિક્ષણ તથા આર્થિક રીતે તેઓ પછાત છે. યજમાનવૃત્તિ અને ખેતી મુખ્ય વ્યવસાય છે.

(શ્રી.સુધીરભાઈ શાંતિલાલ રાવળઅમદાવાદ ના સૌજન્યથી,

લેખક: ડો.શિવપ્રસાદ રાજગોર, પ્રકાશક: બી.એસ.રાજગોર, ૨૦, જેશીંગભાઈ પાર્ક, ભૈરવનાથ રોડ, મણિનગર, અમદાવાદ૩૮૦૦૦૮ ના પુસ્તક ગુજરાતના બ્રાહ્મણોનો ઇતિહાસ, ૧૯૮૭ આવૃત્તિમાંથી સાભાર, ©લેખક: ડો.શિવપ્રસાદ રાજગોર, પ્રકાશક: બી.એસ.રાજગોર)