You are currently viewing એપ્લિકેશન મેનેજમેન્ટ અને એપ્લિકેશન સપોર્ટ

એપ્લિકેશન મેનેજમેન્ટ અને એપ્લિકેશન સપોર્ટ

પ્રણય દીક્ષિત

નમસ્કાર મિત્રો, ચાલો આજે એપ્લીકેશન વિશે વાત કરીએ. ના, નોકરી માટેની અરજી નહીં પરંતુ કોમ્પ્યુટર પ્રોગ્રામ્સ, જેને પણ એપ્લિકેશન કહેવાય છે!

જેમ આપણે જાણીએ છીએ કે હવે કોમ્પ્યુટરો આપણા જીવનનો એક મોટો ભાગ બની ગયા છે અને આજે લગભગ દરેક કામ કોમ્પ્યુટર પ્રોગ્રામ્સ (અથવા કોમ્પ્યુટર એપ્લીકેશન) પર નિર્ભર બની ગયા છે. જેમ જેમ કંપનીઓ વિકસતી જાય છે અને કોમ્પ્યુટર સિસ્ટમનો ઉપયોગ વધતો જાય છે તેમ તેમ કંપનીઓ નવીનવી એપ્લીકેશનોનો ઉપયોગ કરે છે અને આજે લગભગ તમામ કંપનીઓ જુદી જુદી એપ્લીકેશનો પર નિર્ભર બની ગઈ છે. એટલે સુધી કે હવે આવી ઘણી એપ્લિકેશનો મિશનક્રિટીકલછે, એટલે કે તે કામકાજ માટે એટલી જરૂરી થઈ ગઈ છે કે તેમને ચોવીસે કલાક, અઠવાડિયાના સાતે દિવસ, વર્ષના 365 દિવસ (24x7x365) જરાયે ખોટકાયા વગર ચલાવ્યા સિવાય છૂટકો નથી. અને અહીં એપ્લિકેશન મેનેજમેન્ટ અને એપ્લિકેશન સપોર્ટ ટીમો કામ આવે છે.

એપ્લિકેશન મેનેજમેન્ટ: એટલે () તમામ પગલાં કે જેનાથી આપેલ કમ્પ્યુટર પ્રોગ્રામ્સ/એપ્લિકેશન કોઈપણ સમસ્યા વિના ચાલે () તમામ નિવારક પગલાં જેનાથી આ એપ્લિકેશનો કોઈપણ વિરામ (ડાઉનટાઇમ) વિના સરળતાથી ચાલતી રહે અને () સમયાંતરે એપ્લિકેશનને અપડેટ કરતા રહેવી, જેથી વપરાશકર્તાઓ (એપ્લિકેશનની) નવી સુવિધાઓનો લાભ લઈ શકે અને બીજી કમ્પ્યુટર એપ્લિકેશનો જેમ કે ઓપરેટિંગ સિસ્ટમ, ડેટાબેઝ સિસ્ટમ, સુરક્ષા સોફ્ટવેર વગેરે સાથે સરળતાથી કામ કરવાનું ચાલુ રાખે. આમ એપ્લિકેશન મેનેજમેન્ટ, એપ્લિકેશન સાધનસરંજામ/ઇન્ફ્રાસ્ટ્રક્ચરને (જેમ કે હાર્ડવેર, નેટવર્ક કનેક્ટિવિટી, બેકઅપ પ્લાનિંગ વગેરે), એપ્લિકેશનની 24×7 ધોરણે સાચવણી અને એપ્લિકેશન સપોર્ટને પણ આવરી લે છે.

એપ્લિકેશનના મુખ્ય કર્તાધર્તા: (1) એપ્લિકેશન ના જવાબદારો, જેમ કે વરિષ્ઠ મેનેજમેન્ટ ટીમ છે અને જે એપ્લિકેશનના મૂડી રોકાણ/ખર્ચ, ઉત્પાદકતા, આવક અને નિયંત્રણના મુખ્ય જવાબદાર છે (2) એપ્લિકેશન ડેવલપર્સ/મેનેજર્સ, જે એપ્લિકેશન ડેવલપમેન્ટ, સ્થાપન અને જાળવણી માટે જવાબદાર તકનીકી ટીમ છે (3) એપ્લિકેશનના વાપરનારા, જેઓ તેમના કામ કરવા માટે એપ્લિકેશન પર આધાર રાખે છે અને અંતે (4) એપ્લિકેશન સપોર્ટ ટીમ, જે તકનીકી અથવા કાર્યકારી નિષ્ણાતોની ટીમ છે જે વપરાશકર્તાઓને એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં કોઈ સમસ્યાના સમાધાન માટે મદદ કરે છે.

એપ્લિકેશન સપોર્ટ: આપણે જેમ જોયું, એપ્લિકેશન હંમેશા વાપરનારાઓ માટે ઉપલબ્ધ રહે તેની ખાતરી કરવી એ એપ્લિકેશન સપોર્ટ ટીમનું કામ છે. એપ્લિકેશન સપોર્ટ બે પ્રકાર ના હોય છે: ટેકનિકલ સપોર્ટ અથવા હ્યુમન સપોર્ટ (જેને ફંક્શનલ સપોર્ટ પણ કહેવાય છે). ટેક્નિકલ સપોર્ટમાં એપ્લિકેશન, તેનાં સૉફ્ટવેર અને કંપનીની અન્ય તકનીકી સિસ્ટમોનું ધ્યાન રખાય છે. ફંક્શનલ સપોર્ટમાં વાપરનારાઓને એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજાવવું અને ઉપયોગની કોઈપણ સમસ્યાઓ હલ કરવાનું આવે છે. ટેક સપોર્ટ રોલ માટે, મોટાભાગે IT પ્રોફેશનલ વ્યક્તિ હોય છે અને ફંક્શનલ સપોર્ટ રોલ માટે, જેતે કામકાજનું મજબૂત જ્ઞાન ધરાવતો વ્યક્તિ હોય છે.

એપ્લિકેશન સપોર્ટ ટીમોને ઘણીવાર તેમની આવડત ના આધારે લેવલ1 થી લેવલ3 (જેને L1 થી L3 કહેવાય છે) તરીકે વહેંચવામાં આવે છે. L1 એ સૌથી સરળ સપોર્ટ લેવલ છે, જ્યારે L3 એ સૌથી જટિલ સપોર્ટ લેવલ છે અને તેને માટે ખૂબ જ ઉચ્ચ સ્તરના જ્ઞાન/અનુભવ ની જરૂર હોય છે. જ્યારે L1 સપોર્ટ ટીમ કોઈ સમસ્યાનો ઉકેલ ન લાવી શકે, ત્યારે તેઓ તે સમસ્યા L2 ટીમને ઉકેલવા માટે આપે છે અને જો L2 ટીમ પણ ઉકેલ ન લાવી શકે, તો તેઓ તે સમસ્યા L3 ટીમને ઉકેલવા માટે આપે છે.

એક મહત્વ મુદ્દો એ છે કે મોટાભાગે, આવી સપોર્ટ ટીમો દૂર રહી ને જ કામ કરે છે અને ઇમેઇલ, ફોન કૉલ, ચેટ અથવા તો વિડિયો કૉલ દ્વારા સપોર્ટ આપે છે, માત્ર ખૂબ જ જટિલ સમસ્યા માટે વ્યક્તિગત સપોર્ટની જરૂર હોય છે. આમ સપોર્ટ ટીમ માટે જરૂરી ટેકનિકલ અથવા વ્યવસાય આવડત ઉપરાંત, વ્યક્તિને ફોન કૉલ અથવા ચેટ દ્વારા વપરાશકર્તાઓને સમજવા અને સમજાવવાની આવડતની પણ જરૂર છે જેથી વ્યક્તિગત મીટિંગની જરૂર જ ન પડે. વાસ્તવમાં, આવી ઘણી ટીમો ઘણીવાર “ઘરે થી જ કામ” (વર્ક ફ્રોમ હોમ) કરે છે અને કામ કરવા માટે ઓફિસ જવાની યે જરૂર પડતી નથી! ક્યારેક મોટી કંપનીઓ અને સપોર્ટ ટીમોના કિસ્સામાં, તેઓ દૂરના વિદેશમાં પણ સ્થિત હોઈ શકે છે અને તેમ છતાં વપરાશકર્તાઓને, સુપરફાસ્ટ, ત્વરિત એપ્લિકેશન સપોર્ટ મળી શકે છે! જો ઉમેદવાર જર્મન, ફ્રેંચ, સ્પેનિશ વગેરે જેવી કોઈ વિદેશી ભાષા જાણતો હોય તો વધારે સારું હોઈ શકે છે, જેથી ગ્રાહકોન સાથે આ ભાષાઓમાં વાતચીત કરવાનું વધુ સરળ બને છે.

એવી કેટલીયે એપ્લીકેશનો છે કે જેને આવા એપ્લિકેશન મેનેજમેન્ટ અને સપોર્ટની જરૂર છે, ઉદાહરણ તરીકે: માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, MS-ઓફિસ, MS-Outlook જેવા ઈમેલ પ્રોગ્રામ; Adobe Acrobat અને સંબંધિત એપ્લિકેશનો, સેલ્સફોર્સ કે સર્વિસનાઉ જેવી વ્યવસાયિક એપ્લિકેશનો; એસ..પી., ઓરેકલ, પીપલસોફ્ટ, માઇક્રોસોફ્ટ ડાયનેમિક્સ વગેરે જેવી એન્ટરપ્રાઇઝવ્યાપી એપ્લિકેશનો; ઓરેકલ, માઇક્રોસોફ્ટ એસ.ક્યુ.એલ. સર્વર, માયએસ.ક્યુ.એલ. જેવી ડેટાબેઝ સિસ્ટમ્સ વગેરે.

આવી મોટા ભાગ ની એપ્લિકેશનો માટે ટેક સપોર્ટના સત્તાવાર તાલીમ અભ્યાસક્રમો કરી શકાય છે તેના સર્ટીફીકેટ મેળવી શકાય. આવા તાલીમ અભ્યાસક્રમો અમુક દિવસો, અઠવાડિયા કે મહિનાઓ સુધીના હોય છે અને તેમાં ઓનલાઈન પરીક્ષા હોય છે, જેના પછી સર્ટીફીકેટ મળે છે. આ ઉપરાંત Coursera.org, Simplilearn.com, Salesforce Trailhead જેવી વેબસાઇટો પણ છે જે વિવિધ ઓનલાઈન અભ્યાસક્રમો કરવામાં મદદ કરી શકે છે.

બીજું એ જાણવા જેવું કે હવે એપ્લિકેશનોને કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ફોન, આઈપેડ વગેરે જેવા કોઈપણ ઉપકરણનો ઉપયોગ કરીને, ગમે ત્યાંથી વાપરી શકાય છે. આજે ઘણી કંપનીઓ તેમની એપ્લિકેશન અથવા ડેટા હોસ્ટ કરવા માટે ક્લાઉડહોસ્ટિંગ કંપનીઓ જેવી કે એમેઝોન વેબ સર્વિસ (AWS), માઇક્રોસોફ્ટ અઝૂર કે ગુગલ ક્લાઉડ પસંદ કરે છે. તેવી જ રીતે, ઘણી એપ્લિકેશનો હવે સૉફ્ટવેરએઝસર્વિસ (SaaS) ધોરણે ઉપલબ્ધ છે, જેનો અર્થ છે કે તે સબ્સ્ક્રિપ્શન (લવાજમ) ની જેમ ઉપલબ્ધ છે અને તેને કોઈ ઇન્સ્ટોલેશન, હાર્ડવેર, સૉફ્ટવેર વગેરેની જરૂર નથી. આવી ક્લાઉડ અને SaaS-આધારિત તકનીકો ને કારણે એપ્લીકેશન ડેવલપમેન્ટ, હોસ્ટિંગ (સ્થાપન), જાળવણી અને સપોર્ટ તો વધુ સરળ અને ઝડપી બને જ છે, પણ તે ઉપરાંત એપ્લીકેશનને દુનિયામાં ગમે ત્યાંથી વાપરવી એકદમ સહેલી થઇ જાય છે.

દિવસેદિવસે નવી અને નવી એપ્લિકેશનો આવે છે, જેમને અલગ અલગ સાધનો દ્વારા વાપરી શકાય છે, વધુ અને વધુ વપરાશકર્તાઓ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે, 4G અને 5G જેવી નેટવર્ક તકનીકો સતત સુધરી રહી છે, મોબાઈલ અને બ્રોડબેન્ડ ફાઈબર કનેક્શન દ્વારા ડેટા વપરાશ ખર્ચ સસ્તો થઇ રહ્યો છે – આ બધું ધ્યાનમાં રાખી ને એમ કહી શકાય કે આવતા વર્ષોમાં એપ્લિકેશન મેનેજમેન્ટ અને એપ્લિકેશન સપોર્ટ નોકરીઓની હંમેશા માંગ રહેશે.

હું આશા રાખું છું કે આ માહિતી તમને કારકિર્દીના વિકલ્પ તરીકે એપ્લિકેશન મેનેજમેન્ટ અને સપોર્ટની સાદી સમજ આપવામાં મદદ કરશે. કોઈપણ એન્જિનિયર, B.Sc. (I.T.) ગ્રેજ્યુએટ અથવા તો ટેક્નોલોજી અને કોમ્પ્યુટર પ્રોગ્રામ્સમાં રસ ધરાવતા કોમર્સ ગ્રેજ્યુએટ ને ટેક સપોર્ટમાં કારકિર્દી બનાવવા વિશે વિચારી શકે છે. ફંક્શનલ સપોર્ટ માટે જેતે ક્ષેત્રની ખૂબ સારી બિઝનેસ સમજ, સારી કમ્પ્યુટર/આઈ.ટી. કુશળતા અને સારી મૌખિક અને લેખિત વાતચીત કુશળતા જરૂરી છે.

મારા પરિચય તરીકે, હું મુંબઈ/થાણેમાં રહેતા ચંદ્રકાંતભાઈ અને કુંદનબેન દીક્ષિતનો પુત્ર પ્રણય દીક્ષિત છું. હું 20+ વર્ષથી એપ્લિકેશન મેનેજમેન્ટના ક્ષેત્રમાં છું અને મેં ઉત્પાદન તથા બેંકિંગ ક્ષેત્રોમાં M3 (ERP), BaaN (ERP), રોબોટિક ઓટોમેશન, CRM, AEM જેવી વિવિધ એપ્લિકેશનોનું સંચાલન કર્યું છે. આ વિષય પર કોઈ પણ વધુ માર્ગદર્શન માટે આપ ઇમેઇલ (pranaydixit@gmail.com) અથવા ફોન (+91 97692 34085) પર મારો સંપર્ક કરી શકો છો, જો હું આપને કોઈ પણ પ્રકારે મદદ કરી શકું તો મને બહુ આનંદ થશે.