You are currently viewing ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં કારકિર્દી વિકલ્પો

ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં કારકિર્દી વિકલ્પો

કલ્પેશ ત્રિવેદી

ચાલો આપણે ફાર્મા ઉદ્યોગમાં ફ્રેશર્સ માટે ટેકનિકલ નોકરીઓને લગતા કારકિર્દીના વિકલ્પો પર થોડી વાત કરીએ. આમ તો કોઈપણ વિજ્ઞાન સ્નાતક આ વિકલ્પો પર વિચારી શકે છે, પરંતુ ફાર્મસી, રસાયણશાસ્ત્ર અથવા જીવવિજ્ઞાનમાં સ્નાતકોને વધુ મહત્વ મળશે, દેખીતી રીતે આ વિષયોમાં માસ્ટર્સ અથવા પીએચ.ડી. ઉમેદવાર માટે તો વધારે સારી તકો રહેશે.

કારકિર્દી વિકલ્પોના દ્રષ્ટિકોણથી ફાર્માસ્યુટિકલ ઉદ્યોગનો ટૂંકમાં પરિચય આપવો હોય તો કહી શકાય કે તે નીચે મુજબ 4 પ્રકારના કાર્યક્ષેત્રોમાં વહેંચાયેલું છે:

  1. દવાનું ઉત્પાદન એટલે કે ફિનિશ્ડ ફોર્મ્યુલેશન મેન્યુફેક્ચરિંગ (ટેબ્લેટ, કેપ્સ્યુલ્સ, ઇન્જેક્શન, સીરપ વગેરે)

  2. દવાના મુખ્ય ઘટક એટલે કે એકટીવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડીએંટ (API) અથવા જથ્થાબંધ દવાઓનું ઉત્પાદન (પેરાસીટામોલ, સેટ્રીઝિન વગેરે)

  3. દવાના સહાયક ઘટક એટલે કે એક્સિપિયન્ટનું ઉત્પાદન (લેક્ટોઝ, ટેલ્કમ, સ્ટાર્ચ, ખાલી કેપ્સ્યુલ્સ વગેરે)

  4. પેકેજિંગ ઘટકોનું ઉત્પાદન (એલ્યુમિનિયમ ફોઇલ, પીવીસી ફોઇલ, કાચ કે પ્લાસ્ટિકની બોટલ, લેબલ, કાર્ટન વગેરે)

આ ઉપર જણાવેલ 4 કાર્યક્ષેત્રોમાં, આપણને નીચેના વિભાગોમાં નોકરીની તકો મળી શકે છે:

  1. સંશોધન અને વિકાસ (R&D)

    1. આ વિભાગ નવી દવાની શોધવિકાસ અને હાલ ઉપલબ્ધ દવાઓને સુધારવા પર કામ કરે છે.

      1. જો તમને સંશોધનમાં રસ હોય અને તમારો શૈક્ષણિક રેકોર્ડ બહુ તેજસ્વી હોય, તમે માસ્ટર્સ કે પી.એચ.ડી. કર્યું, તો આ ક્ષેત્ર તમારા માટે છે.

      2. તમારા કામની કંપનીના પરિણામો પર સીધી અસર પડે, ખૂબ જ પડકારજનક જવાબદારી, સરસ નામ અને દામ મેળવી શકાય.

      3. ભવિષ્યમાં તમે તમારી પસંદગીના કોઈપણ અન્ય વિભાગમાં જઈ શકો છો, સંશોધન (Research) ના વડા અથવા એક કે વધુ સાઇટના વડા પણ બની શકો.

      4. ફ્રેશર્સનો પગાર 30,000-50,000 થી શરૂ થઈ શકે છે.

      5. ઝડપથી આગળ વધવું હોય તો પીએચ.ડી. કરવું વધુ ઉચિત.

  2. ઉત્પાદન અને પેકિંગ

    1. આ વિભાગ દવાના ઉત્પાદન પર કામ કરે છે, મશીનોઉપકરણોના સંચાલનનું અને તકનીકી બાબતો ધ્યાન રાખે છે, કોઈ અડચણ ઉભી થાય તેનું નિરાકરણ કરે અને દવા બનાવતા લોકોનું સંચાલન કરે છે.

      1. જો તમે ટાર્ગેટ ઓરિએન્ટેડ હો, એક યોજના બનાવી અને તે અનુસાર લોકો પાસેથી કામ કરાવી લક્ષ્યો હાંસલ કરવાનું તમને ગમતું હોય, તો આ વિભાગ તમારા માટે છે.

      2. અલગ અલગ પ્રકાર ના લોકોનું સંચાલન કરવું અને હાંસલ કરવા એ આ નોકરી માટેની મુખ્ય આવશ્યકતા છે. આ નોકરી માટે શિફ્ટમાં કામ કરવું જરૂરી છે.

      3. આ જવાબદારી મુખ્ય રૂપે સમયસર દવાનું ઉત્પાદન કરવાની અને નિયત લક્ષ્ય હાંસલ કરવાની હોવાથી, આ નોકરીની કંપનીના પરિણામો પર સીધી અસર છે, તમારું પ્રદર્શન માપી શકાય તેવું હોય છે અને તમને કંપનીની આગલી હરોળમાં લાવી શકે છે.

      4. 15-20 વર્ષના અનુભવ પછી તમે તમારી કારકિર્દીની ટોચ પર પહોંચી શકો, એક કે વધુ મેન્યુફેક્ચરિંગ સાઇટના વડા બની શકો છો.

      5. ફ્રેશર્સનો પગાર 20,000-30,000 થી શરૂ થઈ શકે છે

      6. આ ઉપરાંત ઓપરેશન મેનેજમેન્ટમાં એમ.બી.., લીન અને સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ જેવી વધારાની તાલીમ લીધી હોય તો તેનો પણ ફાયદો મળી શકે.

  3. ગુણવત્તા નિયંત્રણ (પરીક્ષણ કેન્દ્રો, ટેસ્ટિંગ લેબોરેટરી)

    1. આ વિભાગ દવાના કાચા માલ, બની રહેલ અને તૈયાર થયેલી દવાઓના નમૂના લઈ તેનું પરીક્ષણ કરે છે. આ કામની મુખ્ય જવાબદારીઓ બનેલી દવાઓ હવે બજારમાં વેંચવા યોગ્ય છે તેમ પ્રમાણિત કરવું, અતિઆધુનિક એવા વૈજ્ઞાનિક સાધનોઉપકરણો વસાવવા અને વાપરવા, જટિલ તકનીકી બાબતો અને બીજા વરિષ્ઠ સ્તરના લોકોનું સંચાલન કરવું છે.

      1. જો તમે કોઈ પણ કાર્ય કે વસ્તુનું નિષ્પક્ષ રીતે વિશ્લેષણ કરી શકે તેવા વ્યક્તિ છો, તમે કામમાં ઉત્કૃષ્ટતાના આગ્રહી છો અને બીજા પાસે કામ કરાવવા કરતા ખુદ પોતે કરવાનું પસંદ કરો છો, તો આ વિભાગ તમારા માટે છે.

      2. સંશોધન અને વિકાસ (R&D) અને ઉત્પાદન વિભાગની સાથે સરખાવતાં, કંપનીના પરિણામો પર આ વિભાગના કામ સીધી અસર થોડી ઓછી ધરાવે છે; માટે થોડું ઓછું પ્રાધાન્ય મળી શકે.

      3. શરૂશરૂના વર્ષો માં શિફ્ટ (પાળી)માં કામ કરવું પડે.

      4. 15-20 વરસ ના ગાળામાં તમે લેબોરેટરી વિભાગના કે એક કે વધુ સાઇટના ગુણવત્તા વિભાગના વડા બની શકો છો.

      5. ફ્રેશર્સ માટે શરૂઆતનો પગાર દર મહિને 20,000-30,000 હોઈ શકે છે.

      6. માસ્ટર્સ ડિગ્રી અને તે ઉપરાંત કમ્પ્યુટર સાયન્સ/સૉફ્ટવેરની જરૂરી તાલીમ/જાણકારી, આંકડાકીય વિશ્લેષણ (statistical analysis) માં નિપુણતા હોય તો ઝડપી વિકાસ માટે તેનો પણ ફાયદો મળી શકે છે.

  4. ગુણવત્તા ખાતરી:

    1. આ વિભાગ દવાના ઉત્પાદનની ગુણવત્તા કેમ જાળવી રાખવી તેની પદ્ધતિઓ અને વિગતવાર લેખિત નોંધોનું ધ્યાન રાખે છે. આ કામ માટે દવાઓનું ઉત્પાદન કેમ થાય, તેની ગુણવત્તા નિયંત્રિત કેમ કરવી, દવાઓ ને લગતા આવશ્યક કાયદાકાનૂનનિયમો અને દસ્તાવેજ વ્યવસ્થાપનનું બહુ ગાઢ જ્ઞાન જરૂરી છે. તે ઉપરાંત આવા નિષ્ણાત લોકોનું સંચાલન કરી શકવાની આવડત પણ જરૂરી છે.

      1. જો તમે એવા વ્યક્તિ છો કે જે તર્કશક્તિ ખૂબ સચોટ છે, ઉચ્ચ સ્તરની સામાન્ય સમજ ધરાવતો હોય, જેને નવી રીતો, પ્રક્રિયા, સિસ્ટમ બનાવવી અને ગોઠવવી ગમે, વિગતવાર લેખિત નોંધો બનાવવામાં તમે ઉત્તમ હો, તો આ વિભાગ તમારા માટે બહુ અનુરૂપ છે.

      2. કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં શિફ્ટમાં કામ કરવું જરૂરી છે.

      3. કારકિર્દીની શરૂઆત આ વિભાગમાં કરવા કરતા, પહેલા દવાના ઉત્પાદન અને ગુણવત્તા નિયંત્રણ વિભાગમાં કામ કરી, જરૂરી તકનીકી કુશળતા મેળવવી વધુ સારું છે.

      4. આ કામ બિઝનેસ પર પરોક્ષ અસર ધરાવે છે અને તેથી ઉત્પાદન અને સંશોધનવિકાસ (R&D) વિભાગની તુલનામાં થોડું ઓછું ધ્યાનમાં આવે છે.

      5. 15-20 વર્ષના અનુભવ પછી તમે એક કે વધુ સાઇટના ગુણવત્તા વિભાગના વડા બની શકો છો.

      6. ફ્રેશરનો પ્રારંભિક પગાર દર મહિને 20,000-30,000 થી શરૂ થઈ શકે છે.

      7. માસ્ટર્સ ડિગ્રી અને તે ઉપરાંત, ગુણવત્તા ઓડિટર (ISO Quality), લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ જેવી વધારાની તાલીમ લીધી હોય અને દવાઓ ને લગતા આવશ્યક નિયમોમાં ડિપ્લોમા જેવી વધારાની તાલીમ લીધી હોય, તો ઝડપથી વિકાસ કરવામાં મદદ કરી શકે છે.

  5. નિયમનકારી બાબતો

    1. આ વિભાગ દવાના ઉત્પાદન અને વેચાણ માટે પરવાનગીઓ અને મંજૂરી મેળવવા માટે સરકારી નિયમનકારી એજન્સી સાથે કામ કરે છે.

      1. જો તમે દસ્તાવેજીકરણ, કાયદાનિયમો વાંચવામાં અને તેનું સચોટ અર્થઘટન કરવામાં પારંગત છો, તમે સરકાર/ નિયમનકારી અધિકારી અને આંતરિક વિભાગ સાથે કામ કરી શકો છો તો આ વિભાગ તમારી આવડત માટે બહુ યોગ્ય છે.

      2. આ પ્રકારનાં કામ માટે દવાઓ ને લગતા આવશ્યક કાયદાઓનિયમો, તેનાં અર્થઘટન ની ઊંડી સમજ અને તે મુજબ કંપની માટે જુદીજુદી પરવાનગીઓ મેળવવાની યોજના બનાવવાની કુશળતાની જરૂર છે.

      3. કંપનીના પરિણામો પર આ નોકરીની સીધી અસર પડે છે અને તેથી કંપનીમાં ખૂબ મહત્વની ગણાય છે.

      4. 15-20 વર્ષના અનુભવ સાથે તમે એક કે વધુ સાઇટના નિયમનકારી વડા, ગુણવત્તા અને કાયદાપાલન વિષે ના વડા બની શકો છો.

      5. ફ્રેશર્સનો પ્રારંભિક પગાર દર મહિને 25,000-50,000 થી શરૂ થઈ શકે છે.

      6. નિયમનકારી બાબતોમાં ડિપ્લોમા આ નોકરીમાં ઝડપથી વૃદ્ધિ કરવામાં મદદ કરી શકે છે.

નોંધ: મોટા ભાગની કંપનીઓ ચાર શિફ્ટમાં કામ કરે છે: જનરલ શિફ્ટ (સવારે 9 થી 5:30 વાગ્યા સુધી), પ્રથમ શિફ્ટ (સવારે 7 થી 3 વાગ્યા સુધી), બીજી શિફ્ટ (બપોરે 3 થી 11 વાગ્યા સુધી), ત્રીજી શિફ્ટ (સવારે 11 થી 7 વાગ્યા સુધી).

તમારી કારકિર્દીના શરૂના વર્ષોમાં ક્યારેક તમારે શિફ્ટના કલાકો કરતાં વધુ કામ કરવાની જરૂર પડી શકે છે, ક્યારેક સરેરાશ 12 કલાક તો ક્યારેક ડબલ શિફ્ટ! તમે જે કંપનીમાં જોડાઓ છો તેના વર્ક કલ્ચર પર પણ આધાર રાખે છે.

મારા અનુભવમાંથી થોડી વધુ વસ્તુઓ:

  1. દરેક કેટેગરી માટે દર્શાવેલ પગાર એ ફ્રેશર્સ માટે ફાર્મા ઉદ્યોગની સરેરાશ છે. કંપનીના નિયમો અને ઉમેદવારોની લાયકાત ને હિસાબે આ પગાર વધારે પણ હોઈ શકે છે કે ઓછો પણ હોઈ શકે છે. ધ્યાન રહે કે શરૂશરૂમાં પગાર કરતાં શીખવું વધુ મહત્વનું છે.

  2. ફાર્મા ક્ષેત્રમાં કમ્પ્યુટર કે તેલઅનેગેસ જેવા બીજા ઉદ્યોગોની જેમ પગાર ધોરણ બહુ ઊંચા નથી, પરંતુ તે વધુ સ્થિર છે. શરૂઆતમાં પગાર પ્રમાણમાં ઓછો હોય છે અને વૃદ્ધિ થોડી ધીમી હોય છે, પરંતુ લગભગ 15-20 વર્ષના કાર્યકાળ દ્વારા મેળવેલ અનુભવ અને કુશળતા સાથે વિકાસ કરવાની તક બહુ સારી છે.

  3. ફાર્મા ક્ષેત્રમાં, બે પ્રકારના બિઝનેસ મોડલ છે:

    1. માત્ર સ્થાનિક બજાર (ભારત) માટે ઉત્પાદન અથવા

    2. યુરોપ, અમેરિકા અને બીજા દેશોમાં નિકાસ માટે ઉત્પાદન.

મારા મતે, ફાર્મા સેક્ટરમાં વિકાસ માટે, નિકાસ કરવા માટે ઉત્પાદન અને વેચાણ કરતી કંપનીમાં અનુભવ મેળવવો આવશ્યક છે.

  1. અંગ્રેજી ભાષામાં નિપુણતા તો આવશ્યક જ છે અને સ્પેનિશ, ફ્રેન્ચ અથવા જર્મન જેવી વિદેશી ભાષાઓની જાણકારીથી ભવિષ્યમાં વધુ ફાયદો મળી શકે છે.

  2. એમ.બી.., લીન સિક્સ સિગ્મા, રેગ્યુલેટરી અફેર્સમાં ડિપ્લોમા જેવી વધારાની ડિગ્રી મેળવી લેશો તો તમને વધારે ફાયદો આપશે.

  3. કોઈપણ અન્ય ક્ષેત્ર અને કારકિર્દીની જેમ, સારી વાતચીત એ દરેક જગ્યાએ સફળતાની ચાવી છે. મારા મતે સારી વાતચીત કરવાની આવડત એટલે: શું બોલવું, ક્યારે બોલવું, ક્યારે ન બોલવું તે અંગેની જાણકારી હોવી. વધુ ધ્યાનથી સાંભળવાનું શીખો અને શું જરૂરી છે અને જે પૂછવામાં આવ્યું છે તે વિશે સાચી, ચોક્કસ, સ્પષ્ટ અને ગોળગોળ ન હોય તેવા જવાબ. જેટલું જ કહો: વધુ નહીં કે ઓછું નહીં.

  4. એક કંપનીમાં કેટલો સમય કામ કરવું એનો કોઈ લખેલો નિયમ નથી. એક કંપનીમાં અમુક વર્ષો કામ કાર્ય બાદ, જો તમને અનુભવ, પગાર અને પદમાં દ્રષ્ટિએ બીજી કંપનીમાં સારી વૃદ્ધિ મળી રહી હોય, તો નોકરી બદલવામાં કંઈ ખોટું નથી. ઓછામાં ઓછા એક ક્ષેત્રમાં નિષ્ણાત બનવાનું યાદ રાખજો જે તમને લાંબી, સફળ કારકિર્દી બનાવવામાં મદદ કરશે.

  5. તમે જેટલા વધુ અનુરૂપ થવા પ્રયત્ન કરશો, નવી તકો માટે ખુલ્લું મન રાખશો તેટલો ઝડપથી તમારો વિકાસ થશે. (જેમ કે: કેટલા કલાક કામ કરવું, કામનું સ્થાન – ઓફિસમાં કે ફેક્ટરીમાં કે કયા શહેરમાં, કયા વિભાગ કે ડિપાર્ટમેન્ટ માં કામ કરવું, વધારાની જવાબદારી લેવી, લોકો સાથે વ્યવહાર વગેરે).

  6. તમારો રેઝ્યૂમ કે બાયોડેટા ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, કારણ કે રિક્રુટર સાથે તમારી પ્રથમ મુલાકાત તમારા બાયોડેટા દ્વારા જ થાય છે અને તે નક્કી કરશે કે કંપની વાળા તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવશે કે નહીં.

મારા વિશે: મારું નામ કલ્પેશ ત્રિવેદી છે અને હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાંથી ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલો છું. છેલ્લા 23 વર્ષથી ફાર્મા સેક્ટરમાં કામ કરતા, મેં લાયકા, કેડિલા, યુ.સી.બી., બૅક્સટર, બોહરિંગર ઇંગેલહામ અને સનોફી જેવી ફાર્મા કંપનીઓમાં ગુણવત્તા નિયંત્રણ (ક્વોલિટી કંટ્રોલ) અને ગુણવત્તા ખાતરી (ક્વોલિટી એશ્યોરન્સ) વિભાગ/ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું છે. હાલમાં, હું સનોફી ઈન્ડિયા લિમિટેડ, મુંબઈ માં એક્સટર્નલ મેન્યુફેક્ચરિંગ (કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ)ના ક્વોલિટી ઓપરેશન વિભાગ ના વડા તરીકે કામ કરું છું.

આ વિષય સંબંધિત કોઈપણ પ્રશ્નો માટે તમે મારા ઈમેલ: Kalpesh.htrivedi@yahoo.com અથવા ફોન (+91 98333 74142) દ્વારા મારો સંપર્ક કરી શકો છો.