You are currently viewing ફ્રેન્ચ ભાષા: શીખવું અને કમાવું

ફ્રેન્ચ ભાષા: શીખવું અને કમાવું

મેધા રાવલ

આપણે બધા જાણીએ છીએ તેમ, છેલ્લા 20-25 વર્ષોમાં ભારત સેંકડો વિદેશી કંપનીઓ માટે ભારતમાં તેમની કામગીરી સીધી રીતે અથવા સ્થાનિક ભાગીદાર દ્વારા શરૂ કરવા માટેનું મોટું કેન્દ્ર બની ગયું છે. દુનિયાભર ની લગભગ તમામ બહુરાષ્ટ્રીય કંપનીઓ (Multi National Company–MNCs) ભારતીય કર્મચારીઓના કૌશલ્યોનો, આવડતોનો ઉપયોગ તેમની આંતરરાષ્ટ્રીય વ્યાપારી પ્રવૃત્તિઓ માટે કરી રહી છે અને આ કંપનીઓ ઘણીવાર અંગ્રેજી સિવાયની બીજી કોઈ વિદેશી ભાષામાં કુશળ લોકોની શોધમાં જ હોય છે. એ જ રીતે, ઘણા ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ તેમજ કામ કરવા માટે વિદેશ જવાનું પસંદ કરે છે. દુનિયામાં ઘણા એવા દેશો છે જે સ્થાનિક ભાષા તરીકે ફ્રેન્ચનો ઉપયોગ કરે છે અને માટે કારકિર્દીની તકો માટે ફ્રેન્ચ શીખવું એ એક વિકલ્પ તરીકે સામે આવે છે.

તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે દુનિયામાં 29 દેશોની સત્તાવાર ભાષા ફ્રેન્ચ છે! ફ્રાન્સ ઉપરાંત, યુરોપમાં બેલ્જિયમ, લક્ઝમબર્ગ, મોનાકો અને સ્વિટ્ઝર્લેન્ડની સત્તાવાર ભાષા ફ્રેન્ચ છે. જો કોઈ કેનેડામાં સ્થળાંતર કરવાનું વિચારી રહ્યું હોય તો તેમના માટે ફ્રેન્ચ શીખવું એ એક મોટો ફાયદો થઈ શકે છે કારણ કે કેનેડાના ઘણા ભાગો છે જ્યાં મુખ્ય ભાષા ફ્રેન્ચ છે. આ ઉપરાંત, કેમેરૂન, કોંગો, આઇવરી કોસ્ટ, મેડાગાસ્કર, સેનેગલ વગેરે જેવા 30 થી વધુ આફ્રિકન દેશોમાં પણ ફ્રેન્ચ ભાષા બોલાય છે. આમ, દુનિયામાં ઘણા દેશો સાથે વાતચીત કરવા અને સંપર્ક રાખવા માટે ફ્રેન્ચ ભાષા જાણવી આવશ્યક છે. આ બધાને ધ્યાનમાં રાખીને, ચાલો જોઈએ ફ્રેન્ચ ભાષા શીખવા અને કારકિર્દી માટે ની અમુક વાતો!

કોઈપણ ભાષાની સમજણ 4 પ્રકારના કૌશલ્યોમાંથી ચકાસી શકાય છે, જે છે: તે ભાષાનું સાંભળવું, વાંચવું, લખવું અને બોલવું. મોટાભાગના ભાષા તાલીમ કાર્યક્રમો આ 4 કૌશલ્યો શીખવા પર અને પરીક્ષા પાસ કરવા પર ધ્યાન આપે છે.

ફ્રેન્ચ ભાષા શીખવતી ઘણી ખાનગી અને સત્તાવાર સંસ્થાઓ છે, જો કે આ સંસ્થાઓમાં સૌથી વધુ જાણીતી “આલિયોન્સ ફ્રૉન્સેસ દ બોમ્બે” છે (વેબસાઇટ લિંક: https://bombay.afindia.org/). આમ તો 5 વર્ષથી નાની ઉંમરથી ફ્રેન્ચ ભાષા શીખવાનું શરૂ કરી શકાય છે પરંતુ તેની પરીક્ષા આપવા માટે 18 વર્ષથી વધુ ઉંમર હોવી જરૂરી છે. તમે તમારા ઘરની નજીકની સંસ્થાઓ/ ઇન્સ્ટિટ્યૂટો અને અન્ય વિગતો જેમ કે અભ્યાસક્રમ, સમય, ફી વગેરે શોધી શકો છો. સામાન્ય રીતે આવી ઇન્સ્ટિટ્યૂટોમાં પ્રવેશ લેવા માટે કોઈ બીજી પાત્રતા જરૂરી નથી હોતી, પરંતુ તમારું કોઈ પણ એક ભાષા જ્ઞાન સારું હોવું મહત્વપૂર્ણ છે.

ફ્રેન્ચ ભાષા માટે કારકિર્દી વિકલ્પો:

ફ્રેન્ચ ભાષામાં કારકિર્દી બનાવવાથી તમે આવા ક્ષેત્રમાં આવી શકો છો, જેમ કે:

  1. શિક્ષણ (આંતરરાષ્ટ્રીય શાળા/ખાનગી શિક્ષક/ફ્રીલાન્સર અથવા Ed.Tech પ્લેટફોર્મ પર). હવે ભારતીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ ફ્રેન્ચ કોર્પોરેટ ટ્રેનર્સની શોધમાં હોય છે, જે તેમના ઉમેદવારોને વિવિધ અભ્યાસક્રમો અથવા ઓનસાઇટ કામ કરવા જવા માટે ફ્રેન્ચની તાલીમ આપી શકે અથવા ફ્રેન્ચ ગ્રાહકો સાથે વાતચીત કરી શકે.

  2. બહુરાષ્ટ્રીય કંપનીઓ (MNC) માં અનુવાદક અથવા દુભાષિયા: તમે ભારતમાં સ્થપાયેલી ફ્રેન્ચ કંપનીઓને મદદ કરી શકો છો, અથવા ફ્રેંચ ક્લાયન્ટ ધરાવતી કોઈપણ કંપનીને પેપરવર્ક/ દસ્તાવેજી કામ, ડ્રાફ્ટિંગ, લેખિત અથવા મૌખિક સંદેશાવ્યવહાર વગેરેમાં મદદ કરી શકો છો. ભારતમાં આવી ઘણી ફ્રેન્ચ બહુરાષ્ટ્રીય કંપનીઓનો કારોબાર છે, ઉદાહરણ તરીકે: બી.એન.પી. પારિબા, લુઈ વીટન, લો’રિયલ, રેનો, અલ્કાટેલ, એક્સા, એરબસ, ક્રિશ્ચિયન ડાયો, અલ્સ્ટોમ, ચેનલ, કારફોર, પ્યુજો, મિશેલિન વગેરે અને આમાંની ઘણી કંપનીઓને નિયમિતપણે ફ્રેન્ચ ભાષા જાણતા કર્મચારીઓની જરૂર પડે છે. જે લોકો પોતાની બીજી ગ્રેજ્યુએટ ડિગ્રી (B.Com., B.A. વગેરે) માં સરળ રીતે કાંઈ ઉમેરો કરવા માંગતા હોય તેમને માટે આ આ વિકલ્પ શ્રેષ્ઠ છે.

  3. બી.પી.. (બિઝનેસ પ્રૉસેસ ઓઉટસોર્સિન્ગ): જેમને કોઈ નવા કામનો અનુભવ લઈ કારકિર્દી ની શરૂઆત કરવી હોય તેવા લોકો, આવી કોલ સેન્ટર પ્રકારની પ્રૉસેસ ઓઉટસોર્સિન્ગ ગ્રાહક સેવાઓ પસંદ કરી શકે છે જેના દ્વારા લેખિત કે મૌખિક અને વાતચીત કરવાનો સરસ મહાવરો પણ મળી શકે છે.

  4. હોસ્પિટાલિટી ઉદ્યોગ જેમ કે: હોટેલ, એરલાઈન કે વિમાની સેવા, ટ્રાવેલ એજેન્સી, ટ્રાવેલ ગાઈડ વગેરે માં ભાષા મહત્વની ભૂમિકા ભજવે છે. ફ્રેન્ચ ભાષામાં નિપુણતા આવા ક્ષેત્રોમાં કારકિર્દીની સરસ તકો ઊભી કરી શકે છે કારણ કે (કામકાજ માટે કે હરવાફરવા પ્રવાસ કરતા) ઘણા એવા વિદેશી પ્રવાસીઓ હોય છે જેમને ફ્રેન્ચ ભાષામાં વાતચીત વધુ સરળ પડતી હોય અને તેથી પ્રવાસ અને પ્રવાસન ક્ષેત્રમાં સફળ વ્યવહાર માટે, ફ્રેન્ચ ભાષા જાણતા હોય તેવા સ્ટાફનું સ્વાભાવિક વધારે મહત્વ હોય છે.

  5. જે કંપનીઓ આયાતનિકાસના વ્યવસાયમાં હોય અને ખાસ કરીને ફ્રાન્સ, કેનેડા અથવા અમુક આફ્રિકન દેશો સાથે વેપાર વ્યવહાર કરતી હોય તેવી કંપનીઓમાં ફ્રેન્ચ શીખ્યા પછી નોકરીની ઘણી ઉમદા તકો છે. બીઝ્નેસ મિટિંગો, દસ્તાવેજીકરણ, બીજા સ્ટાફ ની તાલીમ વગેરે માટે અનુવાદમાં કાયમી નોકરીમાં અથવા ફ્રીલાન્સર તરીકે પણ કામ કરી શકાય.

તો પ્રશ્ન થાય કે આવી કારકિર્દી કેવા લોકો માટે યોગ્ય છે? એવા લોકો માટે, જેઓ વાતચીતમાં સારા છે, જેમને વિદેશી ભાષા કે રીતભાત શીખવી ગમે છે, જેઓ બહુ બંધનકારક ન હોય તેવી કારકિર્દી (ખાસ કરીને સ્ત્રીઓ) મેળવવા ઈચ્છે છે.

ક્યાં શીખી શકાય? ઘણી ભાષા સંસ્થાઓ વિદેશી ભાષા શીખવે છે પરંતુ દેશવિદેશ સ્તરે પ્રમાણિત સંસ્થાઓ જેમ કે:

  • ફ્રેન્ચ ભાષા માટે “આલિયોન્સ ફ્રૉન્સેસ દ બોમ્બે”

  • જર્મન ભાષા માટે ગોએથે સંસ્થા

  • સ્પેનિશ ભાષા માટે હિસ્પેનિક હોરાઇઝન્સ વગેરે

આ સંસ્થાઓ અન્ય કરતાં પ્રમાણમાં વધુ મોંઘી હોઈ શકે છે કારણ કે તે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભાષા પ્રમાણપત્રો માટે અધિકૃત પરીક્ષા કેન્દ્રો છે; તેમના શિક્ષકો પણ વધુ લાયકાત ધરાવતા હોય છે. આવી સત્તાવાર સંસ્થાઓમાંથી શીખવાનો એક મોટો ફાયદો એ છે કે તેઓ તમામ 4 કુશળતા (વાંચન, સાંભળવું, લખવું અને ભાષા બોલવી) શીખવવા પર પૂરતું ધ્યાન આપે છે. ભારતમાં ફ્રેન્ચ શીખવા માટે કેટલીક અન્ય સંસ્થાઓ પણ છે: કેમ્બ્રિજ ઇન્સ્ટિટ્યૂટ, હેનરી હાર્વિન, સેકન્ડ ટંગ ઇન્સ્ટિટ્યૂટ ઑફ લેંગ્વેજ વગેરે. આ સંસ્થાઓ ફ્રેન્ચ શીખવે છે પરંતુ સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર પ્રદાન કરતી નથી. અલબત્ત, હવે તો ઘણી શાળાઓ અને કોલેજો પણ ફ્રેન્ચ ભાષાને વૈકલ્પિક ભાષા વિષય તરીકે લેવાની સગવડ આપે છે.

અભ્યાસક્રમ અને પરીક્ષા:

કોઈપણ યુરોપિયન ભાષાની જેમ, ફ્રેન્ચમાં 6 CEFR (કોમન યુરોપિયન ફ્રેમવર્ક રેફેરેંસ ફોર લૅન્ગ્વેજીસ, ભાષાઓ માટે યુરોપીયન સંદર્ભ – ભાષાઓ માટે એક પ્રમાણભૂત માપદંડ) ના સ્તર નીચે મુજબ છે:

સ્તર (લેવલ)

આવડત નું સ્તર

પરીક્ષા

અંદાજે સમય

અંદાજે ફી

1 અને એ2

પ્રારંભિક લેવલ

DELF A1, DELF A2

દરેક લેવલના 120 કલાકો

રૂ.25,000/-

બી1 અને બી2

મધ્યમ લેવલ

DELF B1, DELF B2

દરેક લેવલના 240 કલાકો

રૂ.30,000/-

સી1 અને સી2

એડવાન્સ લેવલ

DALF C1, DALF C2

દરેક લેવલના 240 કલાકો

રૂ.50,000/-

ધ્યાન માં રહે કે આ ફક્ત ટ્યુશન ફી છે. પરીક્ષા ફી અલગ અને 1 અને એ2 માટે પરીક્ષા દીઠ આશરે રૂ.10,000/- છે. પરીક્ષાઓ નિયમિત સમયાંતરે લેવામાં આવે છે અને તમે ઓનલાઈન https://bombay.afindia.org/delf-dalf/ અથવા સાંતાક્રુઝ, ચર્ચગેટ, કફ પરેડ, વાશી, અમદાવાદ, નાસિક વગેરે ખાતેના “આલિયોન્સ ફ્રૉન્સેસ દ બોમ્બે” ના કોઈપણ કેન્દ્રની મુલાકાત લઈને નોંધણી કરાવી શકો છો.

આ ઉપરાંત, આલિયોન્સ ફ્રૉન્સેસ દ બોમ્બે” DFP બી2 અને સી1 અભ્યાસક્રમો (પ્રોફેશનલ બિઝનેસ ફ્રેન્ચ) જેવા અન્ય અભ્યાસક્રમો પણ શીખવાડે છે અને તેના માટે પરીક્ષાઓ યોજે છે.

નોંધ: જેમણે TCF (Test d’évaluation de Français અથવા ફ્રેન્ચ ચકાસણી પરીક્ષા) અથવા TEF (Test de Connaissance du Français અથવા ફ્રેન્ચ જાણકારી પરીક્ષા) પાસ કરી હોય તેમને કેનેડામાં કાયમી ધોરણે રહેવા માટે વધારાના પોઈન્ટ મળે છે. TCF અથવા TEF પરીક્ષણો બી2 સ્તરની સમકક્ષ હોય છે અને તમામ 4 કૌશલ્યો (સાંભળવું, વાંચવું, લખવું અને બોલવું) માં નિપુણ હોવું જરૂરી છે.

આમાંથી કોઈ પણ કોર્સ વિશે વિગતવાર જાણવા માટે તમે https://bombay.afindia.org/ સાઇટ પર જઈ શકો છો અથવા બીજા કોઈ પ્રશ્નો હોય તો તમે મારો સંપર્ક પણ કરી શકો છો.

હું મેધા રાવલ, સમીર ચંદ્રકાંતભાઈ રાવળ અને ડિમ્પલ રાવળ ની દીકરી છું. હું મુંબઈમાં રહું છું. મેં ફ્રેન્ચ ભાષામાં DFP બી2 લેવલ પૂરું કર્યું છે અને હાલ હું “આલિયોન્સ ફ્રૉન્સેસ દ બોમ્બે” ખાતે સી1 સ્તર શીખી રહી છું. મારી પાસે ફ્રીલાન્સર, પ્રાઈવેટ ટ્યુટર અને IGCSE (આંતરરાષ્ટ્રીય જનરલ સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન) ફ્રેંચ લેંગ્વેજ ફેસિલિટેટર તરીકે 2.5 વર્ષનો અનુભવ છે. કોઈપણ પ્રશ્નો અથવા માહિતી માટે, તમે મને મોબાઈલ (+91 77389 77045) દ્વારા સંપર્ક કરી શકો છો અથવા મને ઈમેલ કરી શકો છો: medharaval @gmail.com.

This Post Has 12,388 Comments