You are currently viewing વકીલ તરીકેની પ્રેક્ટિસ માટે કારકિર્દી માર્ગદર્શન

વકીલ તરીકેની પ્રેક્ટિસ માટે કારકિર્દી માર્ગદર્શન

જતીન દીક્ષિત

ભારત ના સવિસંધાન માં કાયદાનું ઘણું મહત્વ રહેલું છે. કાયદો એ એવી બાબત છે કે ખરેખર કાયદાના વિદ્યાર્થીએ જ નહિ પરંતુ ભારત ના સામાન્ય નાગરિકે પણ કાયદાનું પ્રાથમિક જ્ઞાન મેળવવું જરૂરી છે જેથી કરીને નાગરિકો ને પોતાના હક્ક અને ફરજો તરફે જાગૃતતા મેળવવામાં મદદરૂપ થાય છે. તેથી કહેવાયું છે કે કાયદો એ જાગૃત નાગરિક ને મદદ કરે છે. ભારતના ઈતિહાસમાં ભારતને આઝાદી આપવામાં મોટા ભાગના કાયદાના નિષ્ણાંત એટલે કે વકીલો નો ખુબ મોટો ફાળો છે જેમાં ભારતના રાષ્ટ્રપિતા મોહનચંદ કરમચંદ ગાંધી, ગાંધીજી એક મોટા વકીલ હતા તેમજ જવાહરલાલ નેહરુ, અને ભારત ના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર પણ વકીલ હતા તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન પુરુષો કાયદાનો અભ્યાસ કરીને દેશ તથા દુનિયામાં વકીલ નું ગૌરવ અપાવેલ છે જેથી વકીલાત નો વ્યવસાય એ ઉમદા વ્યવસાય તરીકે ઓળખાય છે તથા ભારતના બંધારણ દ્વારા લોકોના હિત માટે કાયદાની મદદથી ભારતને સ્વતંત્રતા અપાવી છે. આમ, ભારતના ઇતિહાસમાં કાયદાના નિષ્ણાંતો નું મહત્વપૂર્ણ યોગદાન છે તેવું કહેવું જરાપણ ઘટે નહિ .

કાયદો એ માત્ર વકીલો માટે નહિ પરંતુ સામાન્ય લોકોને પણ ન્યાય મેળવવાના હેતુ માટે ઘણોજ મદદરુપ થાય છે. આમ જોઈએ તો કાયદા ને બંધારણ ના અભ્યાસ સિવાય સમજવો અને ઉપયોગમાં લેવો ઘણું અઘરું છે તેવું કહી શકાય પરંતુ હાલના સમયમાં ટેકનોલોજી અને સોશિયલ મીડિયા પર વિવિધ કાયદાની બાબતોને સામાન્ય સમજણથી લોકો સુધી પહોંચાડવી સહેલી અને સરળ બની ગઈ છે જેથી સોશિયલ મીડિયા સામાન્ય નાગરિકોને પણ કાયદા સરળ ભાષામાં મળી રહે છે.

ભારતના મુખ્ય કાયદાઓ :-

() ક્રિમીનલ પ્રોસીઝર કોડ () સિવિલ પ્રોસીઝર કોડ () ઇન્ડિયન પીનલ કોડ (આઈ.પી.સી.) () લીમીટેશન એક્ટ () ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ () હ્યુમન રાઈટ્સ () નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ () જમીન મેહ્સુલના કાયદા () મોટર વ્હીકલ એક્ટ (૧૦) ગ્રાહક સુરક્ષાનો કાયદો (૧૧) એવીડન્સ એક્ટ (૧૨) સાઈબર ક્રાઈમ એક્ટ (૧૩) હિન્દુ સક્સેશન એક્ટ (૧૪) મુસ્લિમ એક્ટ (૧૫) ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ (૧૬) સ્ત્રી અને કાયદો (૧૭) રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ (૧૮) જ્યુરિસપૃડેન્સ (૧૯) સ્ત્રીઓ ના ભરણપોષણ માટે સી.આર.પી.સી.ની કલમ ૧૨૫ ની જોગવાઈઓ (૨૦) હિન્દુ મેરેજ એક્ટ (૨૧) ભારતના બંધારણ ની જોગવાઈઓ (૨૨) ગુજરાત કોર્ટ ફી એક્ટ (૨૩) એડવોકેટ એક્ટ (૨૪) ગુજરાત પોલીસ એક્ટ (૨૫) બોમ્બે પોલીસ એક્ટ (૨૬) પાવર ઓફ એટર્ની એક્ટ (૨૭) સ્ટેમ્પ ફી એક્ટ (૨૮) મેન્ટેન્સ એન્ડ વેલ્ફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સીનીયર સીટીઝન એક્ટ (૨૯) જનરલ ક્લોઝીસ એક્ટ (૩૦) કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ વિગેરે જેવા અનેક કાયદા નો અભ્યાસ કરવાનો હોય છે.

એડવોકેટ બનવા માટેની લાયકાત :-

જો કોઈ વિદ્યાર્થી કાયદાના અભ્યાસ માટે ધોરણ ૧૨ પાસ કરીને ગ્રેજ્યુએટ થઈને કાયદા ની કોલેજ માં એડમીશન લેવા માંગતા હોય તો તેણે ત્રણ વર્ષ લોકોલેજનો અભ્યાસ કરવાનો હોય છે અને જો કોઈ વિદ્યાર્થીને ધોરણ૧૨ પાસ કરીને સીધા લોકોલેજ માં એડમીશન લેવું હોય તો તેણે પાંચ વર્ષ લોકોલેજમાં અભ્યાસ કરવાનો હોય છે.

() એલ.એલ. બી. નો અભ્યાસક્રમ અને સનદ મેળવવા માટે હક્કદાર :-

કોઈપણ વિદ્યાર્થી દ્વારા જયારે એલ.એલ.બી. નો ત્રણ વર્ષનો અથવા પાંચ વર્ષનો અભ્યાસ પૂરો થઇ જાય અને તેમાં તે સફળ થયા પછી અને બારની સનદ એકઝામ પાસ કર્યા પછી, તેઓ સ્ટેટ બાર કાઉન્સિલ માંથી વકીલાતનો વ્યવસાય કરવા માટે એનરોલમેન્ટ સર્ટીફીકેટ (સનદ) મેળવવા માટે હક્કદાર બને છે. સનદ મેળવવા માટે એડવોકેટ એક્ટ હેઠળના નિયમો મુજબ નિયત કરેલ ફોર્મ જરૂરી પુરાવાઓ સહીત ભરવાનું હોય છે ત્યારબાદ સ્ટેટ બાર કાઉન્સિલ દ્વારા સનદ આપવામાં આવે છે.

() બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સર્ટીફીકેટ ઓફ પ્રેક્ટીસ માટે પરિક્ષા :-

પહેલા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સનદ માટે કોઈ પરિક્ષા લેવામાં આવતી ન હતી પરંતુ વર્ષ૨૦૦૯૨૦૧૦ થી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સર્ટીફીકેટ ઓફ પ્રેક્ટીસ આપતા પહેલા પરિક્ષા લેવામાં આવે છે. તે અંગે જરૂરી નિયમો “ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન રૂલ્સ૨૦૧૦” બહાર પાડવામાં આવેલા છે. તે પરિક્ષા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પુરા ભારતમાં લેવામાં આવે છે. તે પરિક્ષા આપવા માટે અલગથી ફોર્મ આવે છે તે ફોર્મ ભરવાનું હોય છે અને જરૂરી ડોક્યુમેન્ટસ ફોર્મની સાથે આપવાના હોય છે તેમજ સાથે જરૂરી ફી પણ ભરવાની હોય છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વેબસાઈટ (http://www.barcouncilofindia.org) પર જરૂરી વિગતો પણ મુકવામાં આવે છે.

() સનદ માટે પરિક્ષાના નિયમો :-

આ પરિક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવે છે. પરિક્ષા એડવોકેટના સબ્ટેન્ટીવ અને પ્રોસીજર કાયદા માટે લેવાતી હોય છે અને તેનો અલગ અભ્યાસક્રમ પણ આપવામાં આવે છે. તે પરિક્ષાના પાસીંગ માર્ક બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પરિક્ષાની અરજીનું ફોર્મ, સમય અને સ્થળ નક્કી કરવામાં આવે છે અને તેની જાણ પણ કરવામાં આવે છે.

() સનદની પરિક્ષાનું પ્રશ્નપત્ર :-

આ પરિક્ષાનું પ્રશ્નપત્ર ૧૦૦ માર્કસનું હોય છે અને તેમાં ૧૦૦ પ્રશ્નો આપવામાં આવેલા હોય છે અને દરેક પ્રશ્નનો એક માર્ક હોય છે. વધુમાં તે પ્રશ્ન ના એ,બી,સી,ડી ના સ્વરૂપમાં જવાબો આપવાના હોય છે અને આ પરિક્ષામાં નેગેટીવ માર્કિંગ સીસ્ટમ નથી. તે પરિક્ષા ઓપન બુક એકઝામિનેશન તરીકે લેવામાં આવે છે તેથી દરેક એડવોકેટ જે પુસ્તકો પરિક્ષા આપવા માટે પરિક્ષા હોલમાં લઇ જવા હોય તે લઇ જઈ શકે છે. પરિક્ષાની વિગતો તથા માહિતી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ત્રણ મહિના પહેલા પ્રસિદ્ધ કરવામાં આવે છે અને તેને ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વેબસાઈટ ઉપર મુકવામાં આવે છે. એડવોકેટે પરિક્ષા માટે પુરેપુરી તૈયારી કરવી જોઈએ અને પરિક્ષા આપવી જોઈએ ત્યારબાદ પરિક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે છે.

() બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સર્ટીફીકેટ ઓફ પ્રેક્ટીસ :-

આ પરિક્ષા પાસ કર્યા બાદ એડવોકેટ “સર્ટીફીકેટ ઓફ પ્રેક્ટીસ” મેળવવા હક્કદાર બનશે. સફળ થનાર એડવોકેટને ત્યારબાદ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા “સર્ટીફીકેટ ઓફ પ્રેક્ટીસ” પરિણામ આવેથી મોકલવામાં આવશે અને તે સર્ટીફીકેટ ઓફ પ્રેક્ટીસ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન તથા સ્ટેટ બાર કાઉન્સિલ ના ચેરમેનની સહીથી આપવામાં આવે છે.

() બારની પરિક્ષા પહેલા અપાતી કામચલાઉ સનદ અને સનદના ફોર્મમાં ભરવાની વિગતો:-

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પરિક્ષા ન લેવાય ત્યાં સુધી પ્રોવિઝનલ સનદ પણ સ્ટેટ બાર કાઉન્સિલ દ્વારા આપવામાં આવે છે અને તે માટે સનદનું ફોર્મ ભરવાનું હોય છે. એડવોકેટે ફોર્મ ભરતા પહેલા એડવોકેટ એક્ટ તેમજ તે હેઠળના નિયમોની જોગવાઈઓ ધ્યાને રાખીને સાચી હકીકત ફોર્મમાં દર્શાવવી જોઈએ. ફોર્મમાં જો ખોટી હકીકત જાણવામાં આવે તો તે એડવોકેટ ને સનદ આપવામાં આવેલી હશે તો તે રદ પણ કરવામાં આવશે તથા તેની સામે કાર્યવાહી પણ હાથ ધરી શકાય છે. એડવોકેટ દ્વારા જે સનદ માટે ફોર્મ ભરવામાં આવે તો તે ફોર્મ ભર્યા બાદ તેની ઝેરોક્ષ પણ પોતાને માટે રાખવી જોઈએ અને જે જે દસ્તાવેજો ફોર્મની સાથે રજુ કર્યા હોય તે દસ્તાવેજોની પણ એક ઝેરોક્ષ સેટ રાખવો જોઈએ અને તેને પણ સંભાળીને રાખવો જોઈએ. સ્ટેટ બાર કાઉન્સિલ દ્વારા આવી પ્રોવિઝનલ સનદ એડવોકેટની નોંધણી તારીખ થી બે વર્ષ માટે આપવામાં આવતી હોય છે તેથી કોઈપણ એડવોકેટ પોતાની પ્રેક્ટીસ શરુ કરી શકશે છે અને આ સમય દરમ્યાનમાં તેણે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પરિક્ષા પાસ કરવાની હોય છે. અગાઉ જણાવ્યા મુજબ પરિક્ષા પાસ કર્યાથી સર્ટીફીકેટ ઓફ પ્રેક્ટીસ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવે છે. એડવોકેટ દ્વારા એકવાર સનદ માટે ફોર્મ ભરવામાં આવેલું હોય ત્યારબાદ એનરોલમેન્ટ ફોર્મ બીજી વાર ભરવાનું રહેતું નથી.

() સ્ટેટ બાર કાઉન્સિલ દ્વારા એનરોલમેન્ટ સર્ટીફીકેટ (સનદ) :-

જયારે એડવોકેટ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વરા જે પરિક્ષા લેવામાં આવતી હોય તેમાં સફળ થાય ત્યારબાદ તેઓનું સર્ટીફીકેટ ઓફ પ્રેક્ટીસ આપવામાં આવે છે. સનદ મળ્યા પછી જો વકીલ પ્રેક્ટીસ કરવા માંગતા ના હોય તો તેઓએ સનદ જમા કરાવવી જોઈએ.

() સનદ નંબર અને સનદમાં એડવોકેટની વિગત :-

સ્ટેટ બાર કાઉન્સિલ દ્વારા જે સનદ આપવામાં આવે છે અને તેમાં સનદ નો નંબર પણ જણાવવામાં આવે છે અને તે સનદમાં તારીખ, મહિનો અને કયા વર્ષમાં આપવામાં આવી તે પણ જણાવવામાં આવે છે અને જે રાજ્યની હોય તે રાજ્યની ઓળખ માટે પણ અલગથી તે રાજ્યનો પેહલો મૂળાક્ષર પણ અલગથી ઓળખ આપવા માટે દર્શાવેલ હોય છે. અને સનદમાં એડવોકેટનું પૂરેપૂરું નામ પણ લખવામાં આવે છે.

તે સનદ સ્ટેટ બાર કાઉન્સિલ ના ચેરમેનની સહીથી અને સ્ટેટ બાર કાઉન્સીલના લોગો સાથે આપવામાં આવે છે. ગુજરાત બાર કાઉન્સિલ (https://www.barcouncilofgujarat.org/) દ્વારા જે સનદ આપવામાં આવે છે તેમાં તે એડવોકેટ નો ફોટો પણ લગાવેલો હોય છે. તે સનદમાં સૌથી ઉપર સનદ નંબર ત્યારબાદ બાર કાઉન્સીલનું નામ ત્યારબાદ એડવોકેટનો ફોટો, ત્યારબાદ સનદની તારીખ, ત્યારબાદ એડવોકેટનું નામ, ત્યારબાદ બાર કાઉન્સિલનો લોગો અને છેલ્લે બાર કાઉન્સીલના ચેરમેનની સહી હોય છે. વધુમાં તે સનદ એડવોકેટ એક્ટની કલમ૧૭ હેઠળ તે એડવોકેટનું સ્ટેટ રોલમાં નામ છે તેવું પણ જણાવવામાં આવતું હોય છે.

ઉદાહરણ તરીકે એડવોકેટનું નામ જતીનકુમાર ભવાનીશંકર દીક્ષિત સનદનો નંબર: Enrolment No.G/721 dated 8/05/2010. આમ, G એટલે ગુજરાત, 721 તે સનદ નંબર દર્શાવે છે અને 2010 તે વર્ષ દર્શાવે છે અને છેલ્લે સનદની તારીખ જણાવેલી હોય છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને ટૂંકમાં બી.સી.જી તરીકે પણ સંબોધવામાં આવે છે. એડવોકેટે પોતાના વકીલ પત્રમાં તેમજ લેટરપેડમાં અથવા અન્ય જરૂરી દસ્તાવેજમાં પોતાની સનદનો નંબર ફરજીયાત લખવાનો હોય છે સનદનો નંબર ઉપર ઉદાહરણ માં જણાવેલ છે તે પ્રમાણે લખવો જોઈએ. ગુજરાત સ્ટેટ બાર કાઉન્સિલ દ્વારા એવો હુકમ કરવામાં આવેલ છે કે જયારે પણ કોઈ એડવોકેટ દ્વારા કોઈ નોટીસ આપવામાં આવે ત્યારે સનદ નંબર લખવો ફરજીયાત છે તેમજ વકીલપત્રમાં પણ સનદ નંબર લખવો જરૂરી છે. દરેક એડવોકેટે પોતાના લેટરપેડ તેમજ વકીલપત્રમાં સનદ નો નંબર છપાવવો જોઈએ. જયારે કોઈની ઓળખ આપવાની હોય ત્યારે પણ પોતાની સહીની નીચે સનદ નંબર જણાવવો જોઈએ એડવોકેટે પોતાની સનદ સાચવીને પોતાની ઓફિસમાં દેખાય તે રીતે લગાવવી જોઈએ એડવોકેટે પોતાની અસલ સનદ સર્ટીફીકેટ તથા સર્ટીફીકેટ ઓફ પ્રેક્ટીસ સાચવીને રાખવા જોઈએ.

() સ્ટેટ બાર કાઉન્સિલ દ્વારા એડવોકેટ ને આપવામાં આવતું ઓળખપત્ર :-

સ્ટેટ બાર કાઉન્સિલ દ્વારા દરેક એડવોકેટને ઓળખપત્ર આપવામાં આવે છે આવા ઓળખપત્રમાં એડવોકેટનો ફોટોગ્રાફ, નામ, સરનામું, જન્મ તારીખ તેમજ સનદ નંબર લખવામાં આવે છે. તે ઓળખપત્રમાં વકીલની સહી પણ હોય છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો લોગો પણ હોય છે તે ઓળખપત્ર સેક્રેટરીની સહીથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નામથી આપવામાં આવે છે એડવોકેટ નું ઓળખપત્ર તે એક મહત્વનો દસ્તાવેજ હોઈ તેથી એડવોકેટે તેને પોતાની સાથે ઓળખ માટે રાખવું જોઈએ અને તેને સાચવીને રાખવું જોઈએ.

(૧૦) એડવોકેટના સનદ નું વેરીફીકેશન :-

હાલમાં “ધ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સર્ટીફીકેટ એન્ડ પ્લેસ ઓફ પ્રેક્ટીસ(વેરીફીકેશન) રૂલ્સ૨૦૧૫” અસ્તિવમાં આવેલા છે તે નિયમ મુજબ એડવોકેટે નિયત ફોર્મ ભરીને પોતાની સનદ નું વેરીફીકેશન કરાવવાનું હોય છે તેની સાથે માર્કશીટ તેમજ અન્ય દસ્તાવેજો જોડવાના હોય છે અને તે ફોર્મમાં વકીલ મંડળના સહી સિક્કા કરાવી નિયત ફી સાથે સ્ટેટ બાર કાઉન્સિલને મોકલવાનું હોય છે. સ્ટેટ બાર કાઉન્સિલ દ્વારા સદરહુ ફોર્મની ઉપરોક્ત વેરીફીકેશન રૂલ્સ હેઠળ ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ સ્ટેટ બાર કાઉન્સિલ દ્વારા પાંચ વર્ષ માટે સર્ટીફીકેટ ઓફ પ્રેક્ટીસ આપવામાં આવશે અને ત્યારબાદ તે સર્ટીફીકેટ ને રીન્યુ કરાવવાનું રહેશે. જો કોઈ એડવોકેટ દ્વારા ઉપરોક્ત વેરીફીકેશન રૂલ્સ મુજબ પોતાની સનદને વેરીફાઈ કરવા માટે ફોર્મ ભરવામાં નહિ આવે તો તેઓને નોન પ્રેક્ટીસિંગ એડવોકેટની યાદીમાં મુકવામાં આવશે અને તેઓ પ્રેક્ટીસ કરી શકશે નહિ. જેથી દરેક પ્રેક્ટીસિંગ એડવોકેટે ઉપરોક્ત વેરીફીકેશન રૂલ્સ મુજબ જો તેઓ પ્રેક્ટીસ કરવા માંગતા હોય તો જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરવું જોઈએ.

ગુજરાતમાં કાયદાનો અભ્યાસ કરવા માટેની કેટલીક નામાંકિત કોલેજો નીચે મુજબ છે:

  1. વી.ટી. ચોક્સી લો કોલેજ, સુરત

  2. કાયદા વિભાગ, વીર નર્મદ યુનિવર્સિટી, સુરત

  3. માણેકલાલ નાણાવટી લો કોલેજ, અમદાવાદ

  4. ગુજરાત લૉ સોસાયટી (GLS) L.A. શાહ લૉ કૉલેજ, અમદાવાદ

  5. ગુજરાત યુનિવર્સિટી સ્કૂલ ઓફ લો, અમદાવાદ

  6. દોલતભાઈ ત્રિવેદી લો કોલેજ, અમદાવાદ

  7. સરકારી લો કોલેજ, અમદાવાદ

  8. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, કોબા

  9. કાયદાની સંસ્થા, નિરમા યુનિવર્સિટી, અમદાવાદ

  10. I. M. નાણાવટી લો કોલેજ, અમદાવાદ

  11. A.M.P. સરકારી લો કોલેજ, રાજકોટ

  12. કે.. પાંધી લો કોલેજ, રાજકોટ

  13. શેઠ એચ.જે. લો કોલેજ, ભાવનગર

  14. કાયદાની ફેકલ્ટી, એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા

  15. સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ લો, નવરચના યુનિવર્સિટી, વડોદરા



ઓલ ઈન્ડિયા બાર પરીક્ષા માટે અંદાજિત અભ્યાસક્રમ

નંબર

વિષય

પ્રશ્નો

1

બંધારણીય કાયદો

10

2

ભારતીય દંડ સંહિતા

8

3

ક્રિમિનલ પ્રોસિજર કોડ

10

4

સિવિલ પ્રોસિજર કોડ

10

5

પુરાવા અધિનિયમ

8

6

આર્બિટ્રેશન એક્ટ, વૈકલ્પિક વિવાદ નિવારણ

4

7

કૌટુંબિક કાયદો

8

8

જાહેર હિતની અરજી

4

9

વહીવટી કાયદો

3

10

વ્યવસાયિક નીતિશાસ્ત્ર અને BCI નિયમો હેઠળ વ્યાવસાયિક ગેરવર્તણૂકના કિસ્સાઓ

4

11

કંપની કાયદો

2

12

પર્યાવરણીય કાયદો

2

13

સાયબર કાયદો

2

14

શ્રમ અને ઔદ્યોગિક કાયદા

4

15

ટોર્ટનો કાયદો, મોટર વાહન અધિનિયમ અને ગ્રાહક સુરક્ષા કાયદો

5

16

કરવેરા સંબંધિત કાયદો

4

17

કરારનો કાયદો, ચોક્કસ રાહત, મિલકતના કાયદા, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ

8

18

જમીન સંપાદન અધિનિયમ

2

19

બૌદ્ધિક સંપદા કાયદા

2

 

Total

100





આમ, લોકોલેજ ના વિધાર્થી તથા જુનિયર એડવોકેટ ને ખુબ ઉપયોગી થાય તેવી માહિતી આપવાનો પ્રયાસ કરેલ છે. આશા છે કે આ કારકિર્દી માર્ગદર્શન માટે મદદરૂપ હતું અને તમે નીચે આપેલ મારી સંપર્ક વિગતો પરના કોઈપણ પ્રશ્નો માટે મારો સંપર્ક કરી શકો છો.

મારો ટૂંકો પરિચય:-

મારું નામ જતીનકુમાર ભવાનીશંકર દીક્ષિત છે. મેં ધોરણ૧૨ પાસ કરીને શામળદાસ આર્ટસ કોલેજ ભાવનગર માં અભ્યાસ કરીને શેઠ એચ. જે. લો કોલેજ ભાવનગર માં ત્રણ વર્ષ અભ્યાસ કરીને લો પૂરું કર્યું. વર્ષ ૨૦૧૦ માં મેં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત માંથી સનદ પ્રાપ્ત કરેલ છે. વર્ષ ૨૦૧૦ 3 દરમિયાન, મેં ભાવનગરના વરિષ્ઠ વકીલ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ભૂતપૂર્વ વાઇસ ચેરમેન અને ભાવનગર ક્રિમિનલ બાર એસો. ના 9 ટર્મ માટે પ્રમુખ, એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલા સાથે કામ કર્યું. મેં સિવિલ અને ક્રિમિનલ પ્રેક્ટિસ તેમજ મહેસૂલ વિભાગ પ્રક્રિયાઓનો મૂલ્યવાન અનુભવ મેળવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. છેલ્લા બાર વર્ષથી, હું ભાવનગર જિલ્લા અને તાલુકા કોર્ટ, મહેસૂલ વિભાગની કલેક્ટર કચેરી અને અમદાવાદ મહેસૂલ સચિવ વિભાગમાં પ્રેક્ટિસ કરું છું. જે કોઈ વ્યક્તિને કાયદા વિશે કે કોર્ટ ને લગતી કે મિલકતને લગતા દસ્તાવેજ બાબતની માહિતી કે જાણકારી મેળવવી હોય તેને મારી ફોનમાં (૯૪૨૮૮૫૪૬૯૨, ૭૯૮૪૨૭૯૨૫૧) કે ઈમેલ એડ્રેસ (jatindixit1491@gmail.com) મા જાણ કરી શકો છો..