You are currently viewing સ્ટોક માર્કેટમાં કારકિર્દીના વિકલ્પો

સ્ટોક માર્કેટમાં કારકિર્દીના વિકલ્પો

ભાર્ગવ દવે

જ્યારે તમે બીમાર હો ત્યારે તમે ઓળખીતા ડૉક્ટર પાસે જાઓ છો અને જો તમે હમણાં જ કોઈક નવી જગ્યાએ શિફ્ટ થયા હો જ્યાં તમે કોઈ ડૉક્ટરને જાણતા ન હો, તો તમે તમારા સગાસંબંધી કે આડોશીપાડૉશીને તેમના ફેમિલી ડૉક્ટર વિશે પૂછો અને સારા સંદર્ભ લો. આપણે વકીલો સાથે પણ આવું જ કરીએ છીએ અને આપણે ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ અથવા પૈસા રોકવા માટે પણ આવું કરીએ છીએ. ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના વિકાસ પછી રોકાણ ઉદ્યોગની ભૂમિકા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. અગાઉ લોકો માટે રોકાણના બહુ ઓછા વિકલ્પો ઉપલબ્ધ હતા કારણ કે ત્યારે એવું કોઈ સાધન કે વ્યવસ્થા નહોતી જે રોકાણ ના દરેક વિકલ્પનું જોખમ સામે વળતરનું વિશ્લેષણ કરે. તેથી આપણે જે રોકાણ કરતા હતા તે ઘણી વાર છૂટુંછવાયું રહેતું હતું.

આપણે રોકાણ કરીએ છીએ તે સંપત્તિ ઉભી કરવા માટે અને જેનાથી આપણે આપણા જીવનમાં અમુક નિર્ધારિત લક્ષ્યો પ્રાપ્ત કરી શકીએ. રોકાણની સૌથી જૂની અને જાણીતી રીત હતી સોના અથવા જમીનમાં રોકાણ કરવું અને એલ.આઈ.સી. પોલિસી દ્વારા પણ ‘રોકાણ’ કરાતું હતું! પરંતુ કોઈ પણ રોકાણ માંથી રિટર્ન જનરેટ કરવા માટે એક મુખ્ય વસ્તુ સમજવી જરૂરી પડે છે અને તે છે જોખમ. એની ઊંડી સમાજ બધામાં હોય તે શક્ય નથી અથવા કહી શકાય કે દરેક વ્યક્તિ પોતે બજારના રોજેરોજ ના સંજોગો મુજબ રોકાણ ના દરેક વિકલ્પ કે જોખમનું મૂલ્યાંકન ન કરી શકે.

જો કે, હવે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના વિકાસ સાથે લોકો સમજવા લાગ્યા છે કે તેમના રોકાણનું વળતર કેવી રીતે મળે છે અને વિવિધ પ્રકારના જોખમ સામે રોકાણને કેવી રીતે સુરક્ષિત રાખવું. તેઓ આ બંને સાથે અલગઅલગ વ્યવહાર કરવાનું મહત્વ પણ સમજી ગયા છે. સાદા શબ્દોમાં: મ્યુચ્યુઅલ ફંડ એ એક પ્રોફેશનલ ફંડ મેનેજર અથવા પોર્ટફોલિયો મેનેજર દ્વારા સંચાલિત રોકાણ યોજના છે. કોઈ નાના માં નાનો રોકાણકાર પણ મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં એકમો ખરીદી શકે છે અને આવા ફંડનું રોકાણ જુદીજુદી જગ્યાએ જેમ કે શેર, બોન્ડ, ગોલ્ડ વગેરેમાં કરવામાં આવે છે જેથી તેમાંથી ઊંચું વળતર મળે અને અને રોકાણનું મૂલ્ય વધુ માં વધુ વધે.

છેલ્લા દસ વર્ષોમાં, ભારત માં જુદાજુદા મ્યુચ્યુઅલ ફંડો દ્વારા સંચાલિત કુલ ભંડોળ (જેને એસેટ અંડર મેનેજમેન્ટ અથવા એ.યુ.એમ./AUM કહેવાય છે) દર વર્ષે સરેરાશ 20% વધ્યું છે, વર્ષ 2012માં જે લગભગ રૂ.6 લાખ કરોડ હતું તે 2022માં રૂ.36 લાખ કરોડ થઈ ગયું છે. ધીમે ધીમે, આપણી બચતનો એક ભાગ બેંક ફિક્સ્ડ ડિપોઝિટમાંથી મ્યુચ્યુઅલ ફંડમાં તરફ જતો જાય છે. 2013 માં મ્યુચ્યુઅલ ફંડ AUM કુલ બેંક થાપણોના 10% જેટલા હતા, જે આજે હવે કુલ બેંક થાપણોના 23% સુધી પહોંચી ગયા છે. આજે આપણા દેશમાં લગભગ 50 મ્યુચ્યુઅલ ફંડ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (અથવા એ.એમ.સી.) છે, જે લગભગ 1,500 અલગઅલગ રોકાણ યોજનાઓ ચલાવે છે! અને તેમ છતાં, આ આંકડો હજુ વધશે એમ લાગે છે કારણ કે આપણા GDP ની સરખામણી માં AUM માત્ર 15% છે, જયારે બીજા ઘણા દેશોની સરેરાશ 60-70% છે. એ જ રીતે, ભારતમાં 50 કરોડથી વધુ PAN નંબર ધારકો છે, પરંતુ મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં માત્ર 3 કરોડ ફોલિયો છે.

આ જ વાત ને અલગ રીતે જોઈએ તો: 2010માં ભારતમાં તમામ લિસ્ટેડ કંપનીઓનું કુલ મૂલ્ય (જેને માર્કેટ કેપિટલાઇઝેશન કહેવાય છે) આશરે રૂ. 50 લાખ કરોડ હતું. છેલ્લા 12 વર્ષમાં તે 5 ગણું વધ્યું છે અને આજે તે લગભગ રૂ. 250 લાખ કરોડ પાર કરી ગયું છે!

કેપિટલ માર્કેટનું ભવિષ્ય ઉજ્જવળ છે. જેમ જેમ ભારતની માથાદીઠ આવકમાં વધારો થયો છે અને વ્યાજ દરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે આપણી પાસે આપણી સંપત્તિ વધારવાનો એક જ રસ્તો બચ્યો છે તે છે મૂડી બજાર કે કેપિટલ માર્કેટ. આપણે કેપિટલ માર્કેટમાં બે રીતે ભાગ લઈ શકીએ છીએ: ડાયરેક્ટ રૂટ (ઇક્વિટી શેર અને બોન્ડમાં ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ) અને ઇનડાયરેક્ટ રૂટ (મ્યુચ્યુઅલ ફંડ અને પ્રોવિડન્ટ ફંડ દ્વારા). છેલ્લા 7 વર્ષોમાં, સરકારે મૂડીબજારમાં રોકાણને સરળ બનાવવા માટે ઘણા પગલાં લીધા છે અને મૂડી બજાર વિશે જાગૃતિ લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. મૂડીબજારમાં ઘણી બધી એજન્સીઓ સંકળાયેલી છે જે અસંખ્ય નોકરીની તકો ઊભી કરે છે જેમ કે બેંકો, એસેટ મેનેજમેન્ટ કંપનીઓ, રોકાણ સલાહકાર, વિતરક, બ્રોકર્સ એટલે કે શેર દલાલો, પ્રોપ્રાઇટરી ટ્રેડર્સ, ડિપોઝિટરીઝ, રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ્સ અને શૈક્ષણિક સંસ્થાઓ વગેરે.

તો ચાલો આપણે કેપિટલ માર્કેટનો સંક્ષિપ્ત પરિચય લઈએ અને પછી મૂડીબજારમાં ઉપલબ્ધ જુદાજુદા કારકિર્દી વિકલ્પો વિષે જાણકારી મેળવીએ.

કેપિટલ માર્કેટ જુદી જુદી કંપનીઓ ને શેર, ડિબેન્ચર અને બોન્ડના રૂપમાં મૂડી ઉભી કરવામાં મદદ કરે છે. મૂડી બજારના બે પ્રકારના વિભાગો છે. એક પ્રાઈમરી માર્કેટ છે જેમાં શેર, ડિબેન્ચર અથવા બોન્ડની પ્રારંભિક જાહેર ઓફર (અથવા IPO કે પબ્લિક ઈશ્યુ) આવે છે. તેમના ઇશ્યુ પછી, આ નાણાકીય સાધનો સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થાય છે અને પછી સ્ટોક એક્સચેન્જમાં તેની લેવેંચ કરી શકાય છે, જેને સેકન્ડરી માર્કેટ કહેવામાં આવે છે.

શેરબજારની પ્રવૃત્તિઓમાં અલગઅલગ રીતે ઘણા લોકો સંકળાયેલા છે જેમ કે: ટ્રેડિંગ એટલે કે લેવેંચ, રોકાણનું સમયસર સંચાલન, રોકાણ અંગે સલાહ આપવી, રોકાણના જુદા જુદા સાધનોના વિતરક વગેરે.

સેબી (સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા મૂડી બજારની મુખ્ય નિયમનકારી સંસ્થા) એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિક્યોરિટીઝ માર્કેટ (NISM) નામની શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી છે. મૂડી બજાર સંબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તમામ લોકોએ પહેલા NISM પાસેથી પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે. એકવાર આ પ્રમાણપત્ર પ્રાપ્ત થઈ જાય પછી તેઓ કોઈપણ નોકરી માટે અરજી કરી શકે છે અથવા વ્યવસાય કરવાના લાયસન્સ માટે અરજી કરી શકે છે. આ માટે ની વેબ લિંક છે: https://www.nism.ac.in/

ચાલો હવે સ્ટોક માર્કેટના જુદાજુદા કારકિર્દી વિકલ્પો વિષે જાણકારી મેળવીએ.

  1. વિશ્લેષક (કે એનાલિસ્ટ):

  • તેમનું કામ બજારમાં ઉપલબ્ધ વિવિધ રોકાણ અને વેપારની તકોનું વિશ્લેષણ કરવાની છે.

  • રોજગારની તકો તેઓ મ્યુચ્યુઅલ ફંડ, બ્રોકિંગ હાઉસ અને રિસર્ચ હાઉસ જેવી કંપનીઓમાં નોકરી કરે છે જ્યાં તેઓ રોકાણ અને ટ્રેડિંગ એટલે કે લેવેંચ માટે આકર્ષક તકો શોધે છે અને તે મુજબ તેમના ગ્રાહકોને સલાહ આપે છે.

  • યોગ્ય શૈક્ષણિક લાયકાત ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ (CFA), ફાઇનાન્શિયલ રિસ્ક મેનેજમેન્ટ (FRM), ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA), MBA ફાયનાન્સ, MS ફાઇનાન્સ, સર્ટિફાઇડ માર્કેટ ટેકનિશિયન (CMT).

  • આ નોકરી માટે NISM રિસર્ચ એનાલિસ્ટ તરીકેનું સર્ટિફિકેટ ફરજિયાત છે.

  1. સ્ટોક બ્રોકર/શેર દલાલ અને ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટર:

  • ભૂમિકા તેમનું કામ શેર્સ, બોન્ડ્સ, ડિબેન્ચર્સ, વિદેશી મુદ્રા, મ્યુચ્યુઅલ ફંડ્સ અને ડિપોઝિટ જેવા નાણાકીય ઉત્પાદનોનું વેપાર અને વિતરણ કરવાની છે.

  • રોજગારની તકો એક બ્રોકર તેમના ગ્રાહકો વતી લેવેંચ કરે છે અને બ્રોકરેજ આવક મેળવે છે. એક ડિસ્ટ્રીબ્યુટર/વિતરક તેના ગ્રાહકોને તેમની જરૂરિયાતો અનુસાર રોકાણ ઉત્પાદનો વેચે છે. આ કામગીરી કરવા માટે તેને ડીલર્સ, ઓપરેશન મેનેજર અને સેલ્સ એક્ઝિક્યુટિવ્સની જરૂર પડે છે.

  • યોગ્ય શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ, MBA ફાયનાન્સ, સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર (CFP), સર્ટિફાઇડ વેલ્થ મેનેજર (CWM).

  • NISMના પ્રમાણપત્રો ઇક્વિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્સ, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન, સિક્યોરિટીઝ ઑપરેશન અને રિસ્ક મેનેજમેન્ટ માટે ફરજિયાત છે.

  1. રોકાણ સલાહકાર:

  • ભૂમિકા રોકાણ સલાહકાર માત્ર સલાહ આપે છે અને નાણાકીય ઉત્પાદનોનું વિતરણ કરતા નથી. તેઓ તેમના ગ્રાહકોએ કેટલું અને કેવું જોખમ લેવું જોઈએ તેનો અભ્યાસ કરે છે અને તે મુજબ યોગ્ય નાણાકીય ઉત્પાદનો સૂચવે છે. તેઓ તેમની સેવાઓ મુજબ કન્સલ્ટિંગ ફી લઈ શકે છે.

  • યોગ્ય શૈક્ષણિક લાયકાત CFA, CWM, CFP, MBA ફાયનાન્સ, MS ફાઇનાન્સ, ગ્રેજ્યુએટ.

  • રોકાણ સલાહકાર (સ્તર 1 અને સ્તર 2) NISM પ્રમાણપત્ર ફરજિયાત લેવા જરૂરી છે.

  1. પ્રોપ્રાયટરી ટ્રેડર:

  • ભૂમિકા તેમને બ્રોકરના ખાતામાં વેપાર કરવા માટે માર્જિન મર્યાદા આપવામાં આવે છે અને તેઓએ કંપની માટે નફો કમાવાનો હોય છે. આ પગારદાર વ્યક્તિઓ હોય છે અને જો તેઓ કંપની દ્વારા નક્કી કર્યા મુજબ નફો જનરેટ કરે તો તેમને વધારાના બોનસનો લાભ પણ મળે છે. તેઓ ઘણી વાર અલગઅલગ ફ્યુચર્સ અને ઓપ્શન્સની વ્યૂહરચના સાથે લેવેંચ કરે છે અને નફાજોખમને તપાસી ને મુજબ નફો જનરેટ કરવાનો પ્રયાસ કરે છે માટે તેઓ તે માટે ની જુદીજુદી વ્યૂહરચનાઓનું સંચાલન કરવામાં નિપુણ હોવા જોઈએ.

  • યોગ્ય શૈક્ષણિક લાયકાત CFA, CA, MBA ફાયનાન્સ, MS ફાઇનાન્સ, ગ્રેજ્યુએટ.

  • ઇક્વિટી ડેરિવેટિવ્સ, કરન્સી ડેરિવેટિવ્સ, રિસર્ચ એનાલિસ્ટ અને સર્ટિફાઇડ માર્કેટ ટેકનિશિયન માટે NISM પ્રમાણપત્રો ફરજિયાત છે.

  1. રિસ્ક ઓપરેશન મેનેજર:

  • ભૂમિકા તેમનું કામ બ્રોકરોના જોખમનું સંચાલન કરવાનું છે, જેઓ સામાન્ય રીતે તેમના દરેક અલગઅલગ ગ્રાહકોને તેમની ક્ષમતા ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ મર્યાદા આપે છે અને તે મુજબ મેનેજમેન્ટને સમયસર જાણ કરતા રહેવાનું છે.

  • યોગ્ય શૈક્ષણિક લાયકાત MBA ફાયનાન્સ, ગ્રેજ્યુએટ.

  • આ કામ માટે સુરક્ષા કામગીરી અને જોખમ વ્યવસ્થાપન (સિકયુરિટી ઓપરેશન અને રિસ્ક મેનેજમેન્ટ) NISM પ્રમાણપત્ર ફરજિયાત છે.

  1. અનુપાલન અધિકારી (કમ્પ્લાયન્સ ઓફિસર) :

  • ભૂમિકા તેમનું કામ સ્ટોક એક્સચેન્જો અને ડિપોઝિટરીઝ સાથે નિયમો, વિનિયમો અને સેબીના અન્ય નિર્દેશોનું પાલન કરવા માટે સમયસર સંકલન કરવાનું છે. તેમણે લિસ્ટેડ કંપનીઓના ફરિયાદ નિવારણ વિભાગ ને મળેલ પત્રો/ઈમેલનું સમયસર ધ્યાન રાખવાનું અને ઉચિત પગલાં લેવાનું છે.

  • યોગ્ય શૈક્ષણિક લાયકાત – LL.B. (એલ.એલ.બી./વકીલાત) અને કંપની સેક્રેટરી

  • આ કામ માટે સુરક્ષા કામગીરી અને જોખમ વ્યવસ્થાપન (સિકયુરિટી ઓપરેશન અને રિસ્ક મેનેજમેન્ટ) NISM પ્રમાણપત્ર ફરજિયાત છે.

વિવિધ તાલીમ અભ્યાસક્રમોની વિગતો માટે નીચે આપેલ વેબસાઇટ લિંક્સ જુઓ, જ્યાં વિવિધ અભ્યાસક્રમો, તેની અવધિ, પ્રવેશ પ્રક્રિયા, પાસ થવાની ટકાવારી અને ફી વગેરે વિશે વધુ માહિતી આપેલી છે:

  • કેપિટલ માર્કેટ તમામ સંબંધિત અભ્યાસક્રમો માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિક્યુરિટી માર્કેટ (NISM) – https://www.nism.ac.in

  • એમ.બી..-ફાયનાન્સ પ્રદાન કરતી કેટલીક પ્રતિષ્ઠિત કોલેજો આ મુજબ છે:

    • એસ.પી. જૈન ઇન્સ્ટિટ્યૂટ, મુંબઈ https://spjimr.org

    • નરસી મોનજી ઇન્સ્ટિટ્યૂટ, મુંબઈ https://www.nmims.edu/

    • તક્ષશિલા બિઝનેસ સ્કૂલ, જયપુર https://taxila.in/

    • લાલ બહાદુર શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, દિલ્હી https://www.lbsim.ac.in/

    • ઝેવિયર ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સર્વિસ https://www.xiss.ac.in/

    • કે જે સોમૈયા સંસ્થા, મુંબઈ https://simsr.somaiya.edu/en

    • ICFAI બિઝનેસ સ્કૂલ https://ibsindia.org/

કેટલીક વિદેશી સંસ્થાઓ પણ છે જે ખૂબ જ પ્રતિષ્ઠિત છે, જે નીચે મુજબ છે:

  • ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ (CFA) – https://www.cfainstitute.org/ વિદેશી સંસ્થા

  • ચાર્ટર્ડ માર્કેટ ટેકનિશિયન (CMT) – https://cmtassociation.org/વિદેશી સંસ્થા

  • ચાર્ટર્ડ વેલ્થ મેનેજર (CWM) – https://cwmindia.com/ભારતીય શાખા

અંત માં, મારો ટૂંકો પરિચય: હું ભાર્ગવ દવે, સુશીલભાઈ અને જ્યોતિબેન દવેનો પુત્ર છું અને હું અમદાવાદ ખાતે રહું છું. મને કેપિટલ માર્કેટમાં 15 વર્ષથી વધુનો અનુભવ છે અને હાલમાં હું જુનોમોનેટા ફિન્સોલ પ્રાઇવેટ લિમિટેડમાં ‘સિનિયર મેનેજર ટ્રેડિંગ ડેસ્કતરીકે કામ કરું છું., જે એક ટ્રેડિંગ ફર્મ છે અને પ્લુટસ વેલ્થ મેનેજમેન્ટનો એક ભાગ છે. અગાઉ મેં JM Financial Services Pvt. Ltd. સાથે 6 વર્ષ માટે કામ કર્યું હતું અને તે પછી મેં સ્વતંત્ર નાણાકીય સલાહકાર તરીકે કામ કર્યું. હું એન.આઈ.એસ.એમ. (NISM), નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE), બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને ભારતમાં અન્ય ઘણી તાલીમ સંસ્થાઓ સાથે એક એમ્પેનલ્ડ ટ્રેનર પણ છું. મારી શૈક્ષણિક લાયકાત વિશે: મેં ICFAI યુનિવર્સિટી, હૈદરાબાદમાંથી M.S.-ફાઇનાન્સ કર્યું છે. જો તમે મારો સંપર્ક કરવા માંગતા હો, તો મારી સંપર્ક વિગતો છે: મોબાઈલ નંબર: (+91-98982-51239), ઈમેલ આઈડી: bhargav7dave@gmail.com.