જાણવા જેવું

હિન્દુ સંસ્કૃતિમાં અને ખાસ કરીને બ્રાહ્મણો માં, ગોત્ર શબ્દ આપણા વંશ અથવા કુળ માટે વપરાય છે. તેનો અર્થ એવા લોકો જે એક જ પૂર્વજ (ઋષિ) અથવા પિતાના વંશજો છે. ગોત્ર અને અટકમાં ફરક છે જોકે કેટલાક લોકો ગોત્ર નો અટક તરીકે ઉપયોગ કરે છે.

દા.. જ્યારે કોઈ વ્યક્તિ એમ કહે કે "હું કૌશિક-ગોત્ર નો છું", તેનો અર્થ એ છે કે પ્રાચીન કૌશિક ઋષિ પાસેથી તેમના કુટુંબનો વંશ શરુ થયો છે.

બૃહદારણ્યક ઉપનિષદ 2.2.4 મુજબ 7 ઋષિ (અથવા સપ્તર્ષિ) છે, જેમાંથી મૂળ બ્રાહ્મણ ગોત્રો શરુ થયા છે, આ મહાન ઋષિઓના નામ છે: કશ્યપ ઋષિ, અત્રિ ઋષિ, વસિષ્ઠ ઋષિ, વિશ્વામિત્ર ઋષિ, ગૌતમ ઋષિ, જમદગ્નિ ઋષિ અને ભારદ્વાજ ઋષિ. પછી અગસ્ત્ય ઋષિ અને શાંડિલ્ય ઋષિ માટે બે અન્ય ગોત્ર ઉમેરવામાં આવ્યા હતા અને હવે એવું માનવામાં આવે છે કે આ મૂળ ગોત્રોમાંથી લગભગ 49 બ્રાહ્મણ ગોત્રો વિકસિત થયા છે. એક જ ગોત્રના લોકો વિવિધ બ્રાહ્મણ જ્ઞાતિઓમાં અને આપણા ભારત દેશના દરેક ખૂણામાં મળી શકે છે. દરેક ગોત્રમાં પ્રવરનો સમાવેશ થાય છે.

આપણી મોઢ ચાતુર્વેદિય ચુંથા સમવાય બ્રાહ્મણ જ્ઞાતિમાં નીચેના છ ગોત્રો છે: ભારદ્વાજ, શાંડિલ્ય, કૌશિક, કુત્સસ, વત્સસ અને માંડવ્ય. આપણી જ્ઞાતિના દરેક ગોત્ર અને દરેક ગોત્ર ની હેઠળના પ્રવર, અટક/પરિવારોની વધુ વિગતો તમે “જ્ઞાતિ ની વિગતો” વિભાગમાં જોઈ શકો છો.

દરેક બ્રાહ્મણ ગોત્રને પ્રવર (અર્થ 'સૌથી ઉત્તમ' ) નામના ભાગોમાં પેટા વિભાજિત કરવામાં આવે છે. પ્રવર ચોક્કસ ગોત્ર હેઠળના મહાન ઋષિઓના વંશનું પ્રતિનિધિત્વ કરે છે. આ મહાન સંતો અથવા ઋષિઓ મૂળ સપ્તર્ષિના સીધા વંશજ હતા. પ્રવરનો ઉપયોગ જે-તે ગોત્ર હેઠળ વ્યક્તિના વંશને ઓળખવા માટે થાય છે. આપણી વૈદિક વિધિઓમાં, પ્રવરનું મહત્વ એ છે કે આપણા વંશને ઓળખવા અને જાહેરાત કરવી કે "...મારા પૂર્વજોના વંશજ તરીકે, હું જે કાર્ય કે વિધી કરી રહ્યો છું તે કરવા માટે હું યોગ્ય વ્યક્તિ છું અને મને આ કાર્ય કે વિધી કરવાનો અધિકાર છે." સામાન્ય રીતે દરેક ગોત્રમાં બે, ત્રણ, પાંચ કે સાત પ્રવર હોય છે. દરેક પ્રવરમાં, વિવિધ 'શાખાઓ' નું પણ વર્ગીકરણ થઈ શકે છે, તેથી આપણી જ્ઞાતિના દરેક વ્યક્તિને 'આ ગોત્ર, આ પ્રવર અને આ શાખા ના' એમ ઓળખી શકાય છે.

ચોઘડિયા પંચાંગ એ એક વૈદિક હિન્દુ કેલેન્ડર છે. ચોઘડિયા બે પ્રકારના હોય છે, દિવસ ના ચોઘડિયા (સૂર્ય-ઉદયથી સૂર્યાસ્ત સુધી) અને રાત્રિ ના ચોઘડિયા (સૂર્યાસ્તથી સૂર્ય-ઉદય સુધી). પ્રાચીન હિન્દુ કેલેન્ડર મુજબ, એક ઘડી આશરે 24 મિનિટની હોય છે અને એક ચોઘડિયામાં આવી 4 ઘડીઓનો સમાવેશ થાય છે, એટલે કે દરેક ચોઘડિયુ લગભગ 96 મિનિટનું હોય છે. ચોઘડિયા કુલ સાત છે: અમૃત, શુભ અને લાભને શુભ ચોઘડિયા માનવામાં આવે છે, ચલને પણ સારુ ચોઘડિયુ માનવામાં આવે છે જ્યારે ઉદ્વેગ, કાળ અને રોગને અશુભ ચોઘડિયા માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય આ ચાર સારા ચોઘડિયામાં કરવું જોઈએ અને ત્રણ અશુભ ચોઘડિયાઓ બને ત્યાં સુધી ટાળવા જોઈએ. દિવસના ચોઘડિયા માટે, તે દિવસના સૂર્યોદયના સમયથી આશરે 90 મિનિટના સમયગાળાના અંતરે ચોઘડિયાની ગણતરી શરૂ કરવી જોઈએ. એ જ રીતે, રાત્રિના ચોઘડિયા માટે, તે દિવસના સૂર્યાસ્તના સમયથી આશરે 90 મિનિટના સમયગાળાના અંતરે ચોઘડિયા ની ગણતરી શરૂ કરવી જોઈએ. (તમે કોઈ પણ દિવસના સૂર્યોદય/સૂર્યાસ્ત નો સમય અને ચોઘડિયા ની વિગતો ‘પંચાંગ’ વિભાગમાં જોઈ શકો છો).

સૂતક એ એક અશુભ સમયગાળો છે, જે સૂર્ય કે ચંદ્ર ગ્રહણ, પરિવારમાં બાળકનો જન્મ અથવા પરિવારમાં મૃત્યુ જેવા પ્રસંગોને કારણે થાય છે. સૂતક નો સમયગાળો 1 દિવસ (24 કલાક) અથવા 14 દિવસ સુધીનો હોય છે, જે સૂતકનું કારણ શું છે તેના આધારે નક્કી થાય છે. સૂતકનો સિધ્ધાંત એવી માન્યતા પર આધારિત છે કે આવી ઘટનાઓ આપણા વાતાવરણને દૂષિત બનાવી શકે છે અને આપણા આરોગ્ય પર આવી કોઈ હાનિકારક આડઅસરો ટાળવા માટે વધારાની સાવચેતી રાખવાની જરૂર છે. એકવાર સૂતકનો સમય પૂરો થયા પછી સ્નાન કરી જનોઈ/યજ્ઞોપવિત બદલવી જોઈએ. કોઈપણ સારા કાર્યો જેમ કે દૈનિક પૂજા, ઉજવણી, કોઈ હોમ-હવન, સગાઈ, લગ્ન વિધી વગેરે કાર્યો સૂતક સમયગાળા દરમિયાન પ્રતિબંધિત છે. સૂર્ય અથવા ચંદ્ર ગ્રહણને કારણે થતા સૂતક માટે, ગ્રહણ દરમિયાન તમામ પ્રકારના ખોરાકને પ્રતિબંધિત કરવાની સલાહ આપવામાં આવે છે. આથી (જે-તે સ્થળે) જ્યારે ગ્રહણ ચાલુ હોય ત્યારે કાંઈ ખાવું-પીવું ન જોઈએ, બને ત્યાં સુધી કોઈ વાસી ખોરાક ન લેવો જોઈએ અને વાસી ખોરાક બને તો કાઢી નાખવો જોઈએ; ગ્રહણ સમાપ્ત થયા બાદ તાજો રાંધેલો ખોરાક જ ખાવો જોઈએ. જો પરિવારમાં જન્મ/મૃત્યુને કારણે સૂતક લાગે, તો પરિવારના સભ્યોએ સૂતકનો સમય પૂરો થાય નહીં ત્યાં સુધી મંદિર જવું જોઈએ નહીં.

બ્રાહ્મણો માટે શ્રાદ્ધ એક મહત્વપૂર્ણ સંસ્કાર છે. તે એક ધાર્મિક વિધિ છે જે વ્યક્તિ પોતાના પૂર્વજો (અથવા પિતૃઓ), ખાસ કરીને મૃત માતાપિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે કરાય છે. શ્રાદ્ધ વિધિના ભાગરૂપે, ત્રણ પેઢીઓ એટલે કે પિતા, દાદા/દાદી અને પર-દાદા/દાદી વગેરે માટે રાંધેલા ચોખા (ભાત) બનાવવામાં આવે છે, જેમાંથી પૂર્વજો (અથવા પિતૃઓ) ના આત્માઓના 'પિંડ' બનાવવામાં આવે છે. ઘણા લોકો શ્રાદ્ધ વિધી કરવા માટે ચાણોદ (ગુજરાત), હરિદ્વાર, નાસિક, ગયા વગેરે તીર્થસ્થળોએ જાય છે. ભાદ્રપદ/ભાદરવા મહિનામાં પિતૃ (વદ) પક્ષમાં ભાખરી, દૂધ અને ખાંડથી બનેલી 'વાસ' કાગડાઓને અર્પણ કરવામાં આવે છે, જે આપણા પૂર્વજોના આત્માને પહોંચે છે તેમ માનવામાં આવે છે. આ સમય મુહૂર્તશાસ્ત્ર (જ્યોતિષ) માં અશુભ માનવામાં આવે છે અને શ્રાદ્ધ ના દિવસોમાં કોઈપણ ઉજવણી, મોટી પૂજા અથવા હોમ-હવન, સગાઈ, લગ્ન વિધી વગેરે જેવા શુભ કે સારા કાર્યો ન કરવા જોઈએ.

એવું માનવામાં આવે છે કે ‘સુરધન’ શબ્દ શૂર (બહાદુર) અને ધરણી (જમીન અથવા સ્થાન) પરથી આવ્યો છે. આમ આવા સ્થળે ભૂતકાળની કોઈ બહાદુર ઘટના થઈ હોવાનું દર્શાવે છે. પશ્ચિમ ભારત, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વિવિધ પાળિયાઓ (પથ્થર માં કોતરેલા પૂર્વજોનાં ચિહ્નો) નો બહુ જ સમૃદ્ધ ઇતિહાસ છે. સુરધનને ચિહ્નિત કરતું નાનું મંદિર (દહેરી) એટલે એવી જગ્યા કે જ્યાં કોઈ પૂર્વજે આકસ્મિક રીતે અથવા નાની ઉંમરે પોતાનો જીવ આપ્યો હોય અને તેથી આવા પૂર્વજ ને ‘સુરધન દાદા’ તરીકે ઓળખવામાં આવે છે. સુરધન દાદા દહેરી માં એક અથવા વધુ પાળિયાઓ કે પત્થરો હોઈ શકે છે, જે આવા પૂર્વજોના ચહેરા/માથાનું પ્રતીક મનાય છે. ઘણા પરિવારોમાં વર્ષમાં એક વખત અથવા કુટુંબમાં લગ્ન કે બાળક ના જન્મ જેવા ખાસ પ્રસંગો પછી આવા સુરધન મંદિરે જઈ આશિર્વાદ લેવાની પ્રથા/રિવાજ હોય છે. એક જ ગોત્ર ના જુદા-જુદા પરિવારોના સુરધન દાદા/મંદિર એક જ હોઈ શકે છે, ભલે તેઓ કેટલીયે પેઢીઓ દૂરના પિતરાઈઓ થતા હોય. જો આવા કોઈ પૂર્વજે લડાઈ અથવા યુદ્ધમાં જીવ ખોયો હોય, તો તે સ્થળ 'સુરા-પુરા' દાદા તરીકે ઓળખાય છે.

દેવી સ્વાહા અગ્નિદેવની પત્ની નું નામ છે. ભગવાન શ્રી કૃષ્ણે દેવી સ્વાહાને આશિર્વાદ આપ્યા કે “તમે અગ્નિદેવની પત્ની બનીને અગ્નિશક્તિથી ભરપૂર થઈને દેવતાઓને તૃપ્ત કરો. મારા વરદાનથી તમે મંત્રોના અંશ બનીને પૂજા પામશો. જે લોકો મનુષ્ય મંત્રના અંતે તમારા નામનો જાપ કરીને દેવતાઓને ધૂપ અર્પિત કરે છે તે દેવતાઓને સરળતાથી પ્રાપ્ત થઈ જશે.” આ પછી અગ્નિ દેવ અને દેવી સ્વાહાના લગ્ન થયા અને દેવી સ્વાહા અગ્નિદેવની પત્ની બન્યા. આમ અગ્નિદેવમાં બળવાની શક્તિ એ દેવી સ્વાહાનું સૂક્ષ્મ સ્વરૂપ છે, જે ભક્તોએ અર્પણ કરેલા ભોગ સ્વીકારે છે અને તેનાથી દેવતાઓનું પોષણ કરે છે. ત્યારથી, ઋષિમુનિઓ અને બ્રાહ્મણોએ મંત્રો સાથે 'સ્વાહા' નો જાપ કરીને અગ્નિમાં આહુતિ આપવાનું શરૂ કર્યું અને દેવતાઓને તે બળી ગયેલું દ્રવ્ય અન્ન સ્વરૂપે મળવા લાગ્યું. આ કારણથી, કોઈ હોમ-હવન-યજ્ઞ કરતા, આહુતિ આપતી વખતે 'સ્વાહા' કહેવામાં આવે છે.

હિંદુ પંચાંગ પ્રમાણે આ બધા દિવસો એટલે કે વસંત-પંચમી, ગુડી પડવો, અક્ષય તૃતીયા (અથવા અખાત્રીજ) અને દશેરા (અથવા વિજયાદશમી) કોઈ પણ નવું કે સારું કાર્ય કરવા માટે ખાસ કરીને પવિત્ર કે શુભ માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યો જેમ કે ઉજવણી, કોઈ પૂજા અથવા હવન, સગાઈ, લગ્ન સમારોહ, વ્યવસાય ઉદ્દઘાટન વગેરે આ દિવસોમાં કરી શકાય છે અને તમારે તે દિવસ સારો છે કે કેમ તે તપાસવાની જરૂર નથી. આ દિવસોની દરેક ક્ષણને શુભ માનવામાં આવે છે.

વસંત-પંચમી દર વર્ષે માઘ/મહા મહિનાના શુક્લ/સુદ પક્ષની પાંચમ ના દિવસે ઉજવવામાં આવે છે. વસંત-પંચમી એ વસંતઋતુની તૈયારીની શરૂઆત કરવાનો તહેવાર છે, અને તે હોળીના 40 દિવસ પહેલા થાય છે, જ્યારે વસંત ઋતુ પૂર્ણપણે ખીલી જાય છે.

ગુડી પડવો એ પણ વસંત-સમયનો તહેવાર પણ છે જે મહારાષ્ટ્ર/ગોવા જેવા ભારતના કેટલાક ભાગોમાં પરંપરાગત નવા વર્ષ તરીકે ઉજવાય છે. ગુડી પડવો એ ચૈત્ર માસનો પ્રથમ દિવસ છે. પડવો શબ્દ સંસ્કૃત શબ્દ પ્રતિપદ પરથી આવ્યો છે જેનો અર્થ ‘પખવાડિયાનો પ્રથમ દિવસ’ થાય છે. આ દિવસ ઉત્તર ભારતના કેટલાક ભાગો જેમ કે યુ.પી./ હિમાલયમાં ચૈત્રી નવરાત્રી પૂજાની શરૂઆત પણ દર્શાવે છે.

અક્ષય તૃતીયા (અથવા અખાત્રીજ) વૈશાખ મહિનાના શુક્લ/સુદ પક્ષની ત્રીજી તિથિ પર આવે છે. દર વર્ષે, શિયાળા પછી, અક્ષય તૃતીયાના શુભ દિવસે ગંગોત્રી મંદિર અને યમુનોત્રી મંદિર યાત્રાળુઓ માટે ખોલવામાં આવે છે.

દશેરા (અથવા વિજયાદશમી) તહેવાર રાવણ (દુષ્ટ) પર રામ (સારા) ના વિજયને દર્શાવે છે. તે અશ્વિન/ આસો મહિનામાં દસમા દિવસે મનાવવામાં આવે છે.

તેથી ઉપરોક્ત ચાર દિવસનું મહત્વ એ છે કે આ બધા દિવસો કોઈ પણ નવી પ્રવૃત્તિ/પ્રસંગ કે ઉજવણી કરવા માટે બહુ જ સારા કે શુભ ગણી શકાય.

હિંદુ ધર્મ પ્રમાણે જીવનનું દરેક પાસું પવિત્ર છે અને તેથી જીવનનો દરેક તબક્કો, ગર્ભધાનથી લઈને અગ્નિસંસ્કાર સુધી, જીવન ભગવાનની ભેટ છે જેનો યોગ્ય રીતે આદર કરવો જોઈએ. વૈદિક દ્રષ્ટાઓએ ૧૬ પાલન (અથવા "ષોડષ સંસ્કાર") સૂચવ્યા છે જે આ પ્રમાણે છે: ૩ જન્મ-પૂર્વ સંસ્કાર જે છે: () ગર્ભધાન (વિભાવના), () પુંસવન (ગર્ભ વિકાસ ), () સિમંતોનયન (સેંથી પૂરવી), ત્યારબાદ ૬ જન્મ-પશ્ચાત/બાળપણ સંસ્કારો જે છે: () જાતકર્મ (જન્મ વિધિ), () નામકરણ (નામ આપવું), () નિષ્ક્રમણ (પ્રથમ વાર ઘર બહાર નિકળવું ), () અન્નપ્રાશન (પ્રથમ ધાન્ય ખોરાક), () ચૂડાકર્મ અથવા ચૌલકર્મ (માથું મુંડન), () ) કર્ણવેધ (કાન વીંધવા), ત્યારબાદ ૪ શૈક્ષણિક સંસ્કારો આવે છે જે છે: (૧૦) વિદ્યારંભ (મૂળાક્ષરો શીખવા), (૧૧) ઉપનયન (પવિત્ર જનોઈ/યજ્ઞોપવિત ની શરૂઆત), (૧૨) વેદારંભ (વૈદિક અભ્યાસની શરૂઆત), (૧૩) કેશાંત (મુંડન, દાઢી કપાવવી), (૧૪) સમવર્તન (વિદ્યાર્થીપદનો અંત), ત્યારબાદ લગ્ન સંસ્કાર (૧૫) વિવાહ (લગ્ન સમારોહ) અને અંતે મૃત્યુ સંસ્કાર (૧૬) અંત્યેષ્ટિ (મૃત્યુ સંસ્કાર).