Our Songs

Music is an integral part of our social lives and our family events & celebrations are incomplete without traditional songs. Such traditional songs at our various family occasions make the atmosphere very lively and add so much fun. Such songs also promote bonding and camaraderie between families & fellow community members. For your convenience and ready reference, we have put here few such songs covering various family events like Engagement, Wedding, Randal, Simant (Baby-shower) Janoi etc. If you’d like to add any song on this page, simply share your Suggestions using the “About Us” page. 

ગણેશ સ્થાપન ગીત

પરથમ ગણેશ બેસાડો રે … મારા ગણેશ દુંદાળા

ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા

ગણેશ જી વરદાન દેજો રે … મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડા ઘોડલા શણગારો

ઘોડલિયે પિત્તળીયા પલાણ રે … મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડા હાથીડા શણગારો

હાથીડે લાલ અંબાડી રે … મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડા જાનૈયા શણગારો

જાનૈયા કેસર ના ભીનાં રે … મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રુડી જાનડી શણગારો

જાનડીઓ લાલ ગુલાબી રે … મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રુડી વેલડી શણગારો

વેલડીયે જોડી બબ્બે રાશું રે … મારા ગણેશ દુંદાળા

વાયા વાહોલિયાં ને મેહુલા ધડૂકયાં,

રણ રે વગડા માં રથ થંભ્યા રે … મારા ગણેશ દુંદાળા

ભાંગ્યા તળાવ ને તૂટી પીંજણીયું

ધોરીડે તૂટી બેવડ રાશું રે … મારા ગણેશ દુંદાળા

ઊઠો ગણેશ ને ઊઠો પરમેશ્વર

તમ આવ્યે રંગ રે’શે રે … મારા ગણેશ દુંદાળા

અમે રે દુંદાળા, અમે રે ફાંદાળા

અમ આવ્યે તમે લાજો રે … મારા ગણેશ દુંદાળા

અમારે જોશે સવા મણ નો રે લાડુ

તમારો વેવાઈ ભડકે રે … મારા ગણેશ દુંદાળા

મણ નાં જોશે તો સવા બે મણ નાં દેશું

તમ આવ્યે રંગ રે’શે રે … મારા ગણેશ દુંદાળા

જગન જનોઈ ને વિવા અઘરણી

પરથમ ગણેશ બેસાડો રે … મારા ગણેશ દુંદાળા

[વેલડી = ગાડું કે રથ, વાયા વાહોલિયાં = પવન ફુંકાવો, તૂટી પીંજણીયું = સમસ્યા નો ઉકેલ આવ્યો]

કંકોત્રી નું લગ્ન ગીત-૧

કંકુ છાંટી કંકોતરી મોકલો

એમાં લખજો ______ભાઈ (______બેન) નાં નામ કંકોતરી મોકલો

પહેલી કંકોતરી શ્રી ગણેશજી ઘેર મોકલો

શ્રી ગણેશજી તેત્રીસ કરોડ દેવતા લઈ પધારો ….. માણેક સ્તંભ રોપીયો

બીજી કંકોતરી કાકા ઘેર મોકલો

કાકા હોંશે ભત્રીજો પરણાવવા આવો ….. માણેક સ્તંભ રોપીયો

ત્રીજી કંકોતરી મામા ઘેર મોકલો

મામા હોંશે મોસાળું લઈ આવો ….. માણેક સ્તંભ રોપીયો

ચોથી કંકોતરી ફૈબા ઘેર મોકલો

ફૈબા ફુલેકુ લઈ વ્હેલા પધારો….. માણેક સ્તંભ રોપીયો

પાંચમી કંકોતરી માસી ઘેર મોકલો

માસી હોંશે લગન મહાલવા આવો….. માણેક સ્તંભ રોપીયો

કોઈ જાણ કરો કોઈ પિછાણ કરો

મહી મહેકે છે ફૂલડાં ની વાડી

લગન આવ્યા ઢૂંકડા….. માણેક સ્તંભ રોપીયો

કંકુ છાંટી કંકોતરી મોકલો

કંકોત્રી નું લગ્ન ગીત- ૨ (રાગ: અમે તમારા દર્શન કરવા)

______ભાઈ (______બેન) નાં લગન ની કંકોત્રી છપાવો

હા રે કંકોતરી ચારે દેશ મોકલાવો રે…..

પહેલી કંકોતરી ______ગામ મોકલાવો રે…..

______ગામ થી ______જમાઈ ને મોકલાવો રે ….. ______ભાઈ (______બેન) નાં..

______જમાઈ તમે વેગે વહેલા આવો રે…..

સાથે અમારા ______બહેન ને લાવજો રે

______જમાઈ તમે એરો પ્લેન ની સગવડ રાખજો રે….. ______ભાઈ (______બેન) નાં..

ઘર માં નથી તાળું, કાઢ્યું દેવાળું

એરો પ્લેન ની સગવડ ક્યાં થી કરું રે ….. ______ભાઈ (______બેન) નાં..

બીજી કંકોતરી ______ગામ મોકલાવો રે…..

______જમાઈ તમે વેગે વહેલા આવો રે…..

સાથે અમારા ______બહેન ને લાવજો રે

______જમાઈ તમે બસ ની સગવડ રાખજો રે….. ______ભાઈ (______બેન) નાં..

ઘર માં નથી સૂપડું, રહેવા નથી ઝૂંપડું

બસ ની સગવડ ક્યાં થી કરું રે ….. ______ભાઈ (______બેન) નાં..

ત્રીજી કંકોતરી ______ગામ મોકલાવો રે…..

______જમાઈ તમે વેગે વહેલા આવો રે…..

વેગે વહેલા આવજો ને ______બહેન ને લાવજો રે

______જમાઈ તમે નાસ્તા ની સગવડ રાખજો રે….. ______ભાઈ (______બેન) નાં..

ઘર માં નથી ઘંટી ને ખાવા નથી બન્ટી

નાસ્તા ની સગવડ ક્યાં થી કરું રે ….. ______ભાઈ (______બેન) નાં..

ચોથી કંકોતરી ______ગામ મોકલાવો રે…..

______જમાઈ તમે વેગે વહેલા આવો રે…..

સાથે અમારા ______બહેન ને લાવજો રે

______જમાઈ તમે કેમેરા ની સગવડ રાખજો રે….. ______ભાઈ (______બેન) નાં..

પાણીયારા માં પાન નહિ, વહુ-દીકરી ના માન નહિ

કેમેરા ની સગવડ ક્યાં થી કરું રે ….. ______ભાઈ (______બેન) નાં..

કંકોત્રી નું લગ્ન ગીત- ૩ (રાગ: દાદા હો દિકરી)

ઢોલ ઢબૂકતાં શરણાઈઓ વાગતી,

સાજન-માજન આવે રે સહી

ગોરજી આવે ને લગન લખશું રે

______ગામ માં (૨) લગનીયા લખાયા રે સહી….

લગનીયા અમે લીધાં ______ભાઈ (______બેન) નાં રે … ઢોલ ઢબૂકતાં

ગામોગામ રુડી કંકોતરી મોકલો

મામા ને તેડાવો રે સહી

મોસાળા લઈને ______મામા આવશે રે … ઢોલ ઢબૂકતાં

______ભાભી આવે ને છાબે ભરાવે

______બહેની આવે ને છાબ વધાવે

______માસી મંગળ ગાયે રે સહી

આજે અવસર આવ્યો ______ભાઈ ને આંગણે રે … ઢોલ ઢબૂકતાં

હોંશીલા દાદા એ લગનીયા લીધા

સાજન-માજન આવે રે માંડવે રે … ઢોલ ઢબૂકતાં

માંડવો રોપવાનું / મંડપ મુહૂર્તનું ગીત-૧ (રાગ: ચપટી ભરી ચોખા ને)

થાળી ભરી ચોખા ને કંકુ ની વાટકી

પીઠી માળા લઈને હાલો હાલો સાંજી ગાવા જઈએ રે

પ્રથમ ગણેશજી નું પૂજન કરીએ, માણેક સ્થંભ રૂડા રોપાવીએ

______ભાઈને પીઠી ચોળીયે, માળા પહેરાવી લ્હાવા લઈએ રે .. હાલો હાલો

______ભાઈ તો છે ______કુળ નો દીવો, જુગલ જોડી ઘણું જીવો રે.. હાલો હાલો

અમર રહે ______વહુ ચૂડી ચાંદલો, આશિષ એવા દઈએ રે.. હાલો હાલો

થાળી ભરી ફૂલડાં ને ફૂલડાં ની માળા, ગણેશજી ની પૂજા કરીએ રે.. હાલો હાલો

______ભાઈના લગન લીધા, આનંદ મંગળ થાય રે.. હાલો હાલો

આવ્યા ગણેશજી ને આવ્યા પરમેશ્વર, અનેરા લ્હાવા લઈએ રે.. હાલો હાલો

માંડવો રોપવાનું / મંડપ મુહૂર્તનું ગીત-૨

માંડવડે રે કાંઈ ઢાળો ને બાજોઠી, કે ફરતી મેલો ને કંકાવટી ..

તેડાવો રે મારે જોશી પરા ના જોશી, કે આજ મારે લખવી છે કંકોતરી

બંધાવો રે મારે ______ભાઈ ને છેડે કે જાય બેન ______બા ઘેર નોતરે

બેની રે તમે સુતા છો કે જાગો, તમારે મૈયર પગરણ આદર્યા..

વીરા રે તમે કિયા શહેર થી આવ્યા, કે કિયે શહેર તમારા બેસણા

બેની રે હું તો ______શહેર થી આવ્યો, કે ______શહેર અમારા બેસણા…

વીરા રે તમે કિયા ભાઈ ના બેટા, કે કઈ બા માતા ને ઉદરે વસ્યા

બેની રે હું તો ______ભાઈ નો બેટો, કે ______માતા ને ઉદરે વસ્યો…

બેની રે મારી ગરથલીયા ની ઘેલી, કે આંગણે આવ્યો વીર ન ઓળખ્યો…

વીરા રે મને છોરુડે હર વાળી, કે વાછરું વાળતાં વીર ન ઓળખ્યો

વીરા રે મેં તો ઝભલે ને ટોપીએ દીઠ્યો, કે ખેસ પાઘડીયે વીર ન ઓળખ્યો

આગળ રે મારા ______ભાઈ ના ઘોડા, કે પડઘી વાગે ને ધરતી ધમધમે

વચ્ચે રે મારે ______બેની બા નાં માફા, કે ઈંડાં ઝળકે રે સોનાતણા

પાછળ રે મારે ______જમાઈ છે કામઠીયો, કે કામઠ તાણે ને કોહા ખડખડે…

માંડવડે રે કાંઈ ઢાળો ને બાજોઠી, કે ફરતી મેલો ને કંકાવટી ..

[ગરથલીયા = મોટો, બહોળો પરિવાર, માફા = ગાડું કે રથ, ઈંડાં = રથ ઉપરનાં નાના ઘુંમટ]

માંડવો રોપવાનું / મંડપ મુહૂર્તનું ગીત- ૩

સુખડ નો મંડપ, સુખડ નો મંડપ, કેવો સારો, મંડપ ને છેડે ચાર બાજોઠ ઢાળે

ભાઈ (______બેન) ના દાદા, ભાઈ ના દાદા, કેવા સારા, જોષ જોવડાવી ને લેશે લ્હાવા

ભાઈ (______બેન) ના માતા, ભાઈ ના માતા, કેવા સારા મોડ મલાવીને લેશે લ્હાવા

ભાઈ (______બેન) ના કાકા, ભાઈ ના કાકા, કેવા સારા કુટુંબ તેડાવીને લેશે લ્હાવા

ભાઈ (______બેન) ના મામા, ભાઈ ના મામા, કેવા સારા મામેરા લાવીને લેશે લ્હાવા

ભાઈ (______બેન) ના માસી, ભાઈ ના માસી, કેવા સારા છાબ ભરાવીને લેશે લ્હાવા

ભાઈ (______બેન) ના મામી, ભાઈ ના મામી, કેવા સારા છાબ ભરાવીને લેશે લ્હાવા

ભાઈ (______બેન) ના વીરા, ભાઈ ના વીરા, કેવા સારા જાન જોડાવીને લેશે લ્હાવા

ભાઈ (______બેન) ના ભાભી, ભાઈ ના ભાભી, કેવા સારા ગીતો ગવડાવીને લેશે લ્હાવા

ભાઈ (______બેન) ના બેની, ભાઈ ના બેની, કેવા સારા મંડપ રોપાવીને લેશે લ્હાવા

ભાઈ (______બેન) ના ફૈબા, ભાઈ ના ફૈબા, કેવા સારા ઝડ વસાવીને લેશે લ્હાવા

ભાઈ ના મિત્રો, ભાઈ ના મિત્રો, કેવા સારા પ્રેઝન્ટો લાવીને લેશે લ્હાવા …

પીઠી નું ગીત

પીઠી ચોળે પીઠી રે વર (______બેન) ની માડી

હાથ પગ ચોળે રે વર (______બેન) ની બેની

મુખડાં નિહાળે રે વર (______બેન) ની માડી

પીઠી ચોળે પીઠી રે વર (______બેન) ની ભાભી

હાથ પગ ચોળે રે વર (______બેન) ની ફઈબા

મુખડાં નિહાળે રે વર (______બેન) ની બેની

પીઠી ચોળે પીઠી રે વર (______બેન) ની મામી

હાથ પગ ચોળે રે વર (______બેન) ની માસી

મુખડાં નિહાળે રે વર (______બેન) ની કાકી

સગાઈ / જાન / વરઘોડા સમયનું ગીત-૧

તમે કે’દુ ના કાલાવાલા કરતા’તા, તમે નકામી ફિશિયારી મેલો રે મારા વેવાઈ

તમે ______ગામ ને ______ગામ ફરતા’તા, તમે ______ભાઈ ને ભોળવી ગયા.. તમે નકામી

તમે કાળા ને ધોળા કરતા’તા, તમે ______ભાઈ ને સલામ ભરતા’તા.. તમે નકામી

તમે ઊંચો ને નીચો કરતા’તા, તમે અમારી શેરીએ આંટા મારતા’તા.. તમે નકામી

તમે અમારા ______ભાઈ ને ભોળવી ગયા.. તમે નકામી ફિશિયારી મેલો રે મારા વેવાઈ

સગાઈ / જાન / વરઘોડા સમયનું ગીત-૨

મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ

વળતા જાજે રે વેવાઈ ને માંડવે હો રાજ

મોર તારી સોના ની ચાંચ, મોર તારી રૂપા ની ચાંચ

સોના ની ચાંચે મોરલો મોતી ચણવા જાય

મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ

વળતા જાજે રે વેવાઈ ને માંડવે હો રાજ

કિયા વેવાઈ સૂતો છો કે જાગ (2)

કિયા ભાઈ વરરાજે સીમડીયું ઘેરી માણારાજ … મોર જાજે

સીમડીયે કાંઈ ચમર ઢળાવ (2)

ચમર નો હોંશી વીરો મારો આવે માણારાજ … મોર જાજે

કિયા વેવાઈ સૂતો છો કે જાગ (2)

કિયા ભાઈ વરરાજે શેરી ઘેરી માણારાજ … મોર જાજે

શેરડીયે કાંઈ ફૂલડાં પથરાવ (2)

ફૂલડાં નો હોંશી વીરો મારો આવે માણારાજ … મોર જાજે

કિયા વેવાઈ સૂતો છો કે જાગ (2)

કિયા ભાઈ વરરાજે માંડવો ઘેર્યો માણારાજ … મોર જાજે

માંડવડે કાંઈ લાડકડી કન્યા પધરાવ (2)

લાડકડી ની હોંશે વીરો મારો આવ્યો માણારાજ … મોર જાજે

જાન સમય / મામેરા નું ગીત-૩

માંડવડા માં મારગ દેજો રાજ, માંડવડા માં મારગ દેજો રાજ

______વહુ ના વીરા આવ્યા રાજ, મોંઘુ રે મામેરું લાવ્યા રાજ

______વહુ ના ભાભી આવ્યા રાજ, ચીર ઉપર ચૂંદડી લાવ્યા રાજ

ચૂડો અને મંગળસૂત્ર લાવ્યા રાજ, હાર અને હાંસડી લાવ્યા રાજ

______વહુ ના મામા આવ્યા રાજ, મોંઘુ રે મામેરું લાવ્યા રાજ

______વહુ ના મામી આવ્યા રાજ, ઝાંઝર ની જોડ લાવ્યા રાજ

______વહુ ના માસા આવ્યા રાજ, મોંઘુ રે મામેરું લાવ્યા રાજ

______વહુ ના માસી આવ્યા રાજ, ચૂડો અને કંગન લાવ્યા રાજ

માંડવડા માં મારગ દેજો રાજ, માંડવડા માં મારગ દેજો રાજ

લગ્ન વિધી / જાન સમય નું ગીત-૧

નાણાવટી રે સાજન બેઠું માંડવે … લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા ભરી સભા ના રાજા, એવા ______ભાઈ (______બેન) ના દાદા … નાણાવટી રે

જેવા ચૂડી ના રંગ રાતા, એવા ______ભાઈ (______બેન) ના માતા… નાણાવટી રે

જેવા સિલ્કનાં છે તાકા, એવા ______ભાઈ (______બેન) ના કાકા… નાણાવટી રે

જેવા સરોવર પાળે આંબા, એવા ______ભાઈ(______બેન) ના મામા… નાણાવટી રે

જેવા હાર માંહ્યલા હીરા, એવા ______ભાઈ (______બેન) ના વીરા… નાણાવટી રે

જેવી દૂધમાં સાકાર ઝાઝી, એવી ______ભાઈ (______બેન) ની ભાભી… નાણાવટી રે

જેવી ફૂલ-ગુલાબ ની વેણી, એવી ______ભાઈ (______બેન) ની બેની… નાણાવટી રે

નાણાવટી રે સાજન બેઠું માંડવે … લાખોપતિ રે સાજન બેઠું માંડવે

લગ્ન વિધી / જાન સમય નું ગીત-૨

વીર નો સાફો તે સવા લાખ નો, પ્હેરજો પ્હેરજો સાસરિયાને ઘેર રે

હોંશીલા વીરા તમારે જાવું છે કન્યા પરણવા

વીર ની ઘડિયાળ તે સવા લાખની, પ્હેરજો પ્હેરજો સાસરિયાને ઘેર રે

હોંશીલા વીરા તમારે જાવું છે કન્યા પરણવા

વીર ની વીંટી તે સવા લાખની, પ્હેરજો પ્હેરજો સાસરિયાને ઘેર રે

હોંશીલા વીરા તમારે જાવું છે કન્યા પરણવા

વીર ની માળા તે સવા લાખની, પ્હેરજો પ્હેરજો સાસરિયાને ઘેર રે

હોંશીલા વીરા તમારે જાવું છે કન્યા પરણવા

લગ્ન વિધી સમય નું ગીત- ૩

છપ્પન ગજનું ઘર ચોળું ને ઝરી ભરવા જાય રે,

ભાઈ ને વહુ બે ફરવા ને જાય છે..

ભાઈ (વહુ) પૂછે છે આ શું કહેવાય રે,

તમારા કુળ માં કોઈ ના જાણે, આને ગાર્ડન કહેવાય રે..

છપ્પન ગજનું ઘર ચોળું ને ઝરી ભરવા જાય રે,

ભાઈ ને વહુ બે પિક્ચર જોવા ને જાય છે..

ભાઈ (વહુ) પૂછે છે આ શું કહેવાય રે,

તમારા કુળ માં કોઈ ના જાણે, આને લવ-સ્ટોરી કહેવાય રે..

છપ્પન ગજનું ઘર ચોળું ને ઝરી ભરવા જાય રે,

ભાઈ ને વહુ બે શોપિંગ કરવા ને જાય છે..

ભાઈ (વહુ) પૂછે છે આ શું કહેવાય રે,

તમારા કુળ માં કોઈ ના જાણે, આને શોપિંગ મૉલ કહેવાય રે..

છપ્પન ગજનું ઘર ચોળું ને ઝરી ભરવા જાય રે,

ભાઈ ને વહુ બે સ્વિટ્ઝરલેન્ડ ફરવા ને જાય છે..

ભાઈ (વહુ) પૂછે છે આ શું કહેવાય રે,

તમારા કુળ માં કોઈ ના જાણે, આને હની-મૂન કહેવાય રે..

છપ્પન ગજનું ઘર ચોળું ને ઝરી ભરવા જાય રે…

કન્યા વિદાય નું લગ્ન-ગીત- ૧

સમજુ બાળકી જાય સાસરે વચન માડી નું ધ્યાન માં ધરે

સ્વસુર પક્ષ માં લાજ માં રહી, અસુર કામ તો કીજીયે નહિ

સાસુ-સસરા ની ચાકરી કરી, વચન મીઠડાં બોલજે ખરી

વચન થી વધે હેત આપણા, વચન થી વેરીઓ ઘણા

વચન મીઠડાં મીઠડાં બોલજે સદા, પતિ તણી પ્રીત તો પામજે સદા

પર ઘરે બહુ બેસવું નહિ, ઘર તણી કથા કીજીયે નહિ,

વખત જો મળે વાંચજે કશું, નવ રહીશ તું બેન આળસુ

હઠ કરી કશું માંગવું નહિ, રૂસણું માંડી ને દૂભવું નહિ

દિયર-જેઠ શું ઓછું બોલવું, અદબમાં રહી રોજ ચાલવું

વડીલ-વૃધ્ધ ની સેવા જો કરી, પ્રભુ તણી પ્રીત પામજે ખરી

સમજુ બાળકી જાય સાસરે વચન માડી નું ધ્યાન માં ધરે

કન્યા વિદાય નું લગ્ન-ગીત-૨ (રાગ: કુંતા અભિમન્યુ ને બાંધે અમર રાખડી રે)

દીકરી સાસરિયામાં જઈને કુળ દીપાવજે રે ….

બેટા રહેજે રુડી રીત, છોડી મૈયરીયા ની પ્રીત

સૌને પોતાનાં જાણીને કુળ દીપાવજે રે …

સહેવા પડશે સુખ ને દુઃખ, મારી ઉજાળજે તું કૂખ

હિંમત હૈયા માં રાખી ને, કુળ દીપાવજે રે …

જેવી ગંગાજી ની ધાર, એવા વાણી ને વિચાર

વિવેક-મર્યાદા રાખીને, કુળ દીપાવજે રે …

સાસુ-સસરા છે માં ને બાપ, તેનું જાળવજે તું માન

સેવા તન-મન થી કરીને, કુળ દીપાવજે રે …

તારા સ્વામી ને તું માન, એ છે સાચા શ્રી ભગવાન

એમનું માન જાળવીને, કુળ દીપાવજે રે …

કન્યા વિદાય નું લગ્ન-ગીત-3 (રાગ: તને સાચવે સીતા સતિ)

એક પરદેશી પોપટ ની સાથ, બેની ચાલી સાસરે

મેલી પિયરીયા ની વાટ, બેની ચાલી સાસરે

એની સખી-સાહેલી સૂની પડી, માત પિતા ની મમતા ખુબ રડી

ભાઈ-ભાભી ની ભીંની આંખ, બેની ચાલી સાસરે

જેને પાળી પોષી ને મોટી કરી, તેને પારકા હાથોમાં સોંપી દીધી

કંકુ વર્ણા કરી ને હાથ, બેની ચાલી સાસરે

મોંઘી માળા નું મોતી વિખૂટું પડ્યું, એના ભાગ્ય લખ્યું’તુ એવું મળ્યું

લઈને ઘુંઘટ માં લાજ, બેની ચાલી સાસરે

કુળ દેવી માતા સદા તારી રક્ષા કરે, ચૂડી-ચાંદલો તારો અખંડ રહે

માત-પિતા તને આપે છે આશિષ, બેની ચાલી સાસરે

ભાઈ-બેન-ભાભી આપે વિદાય, બેની ચાલી સાસરે



રાંદલ માતા નો ગરબો-૧

મહિડા ની ગોળી ગોરસ ભરી, મહિડા નો માંગનાર દેજો રન્નાદે, વાંઝીયા મ્હેણાં માતા દોહયલા

લીપ્યું ને ગુંપ્યું મારું આંગણું, પગલી નો પાડનાર દેજો રન્નાદે, વાંઝીયા મ્હેણાં માતા દોહયલા

ધોયો ધફોયો મારો સાડલો, ખોળા નો ખૂંદનાર દેજો રન્નાદે, વાંઝીયા મ્હેણાં માતા દોહયલા

રોટલા ઘડીને ઉભા રહ્યા, ચાનકી નો માંગનાર દેજો રન્નાદે, વાંઝીયા મ્હેણાં માતા દોહયલા

પાણીડા ભરી ઉભા રહ્યા, છેડા નો ઝાલનાર દેજો રન્નાદે, વાંઝીયા મ્હેણાં માતા દોહયલા

ગાવલડી દોહી ઉભા રહ્યા, દૂધડાં નો માંગનાર દેજો રન્નાદે, વાંઝીયા મ્હેણાં માતા દોહયલા



મહિડા ની ગોળી ગોરસ ભરી, મહિડા નો માંગનાર દીધો રન્નાદે, અમી રસ કુંવર મારે લાડકો

લીપ્યું ને ગુંપ્યું મારું આંગણું, પગલી નો પાડનાર દીધો રન્નાદે, અમી રસ કુંવર મારે લાડકો

ધોયો ધફોયો મારો સાડલો, ખોળા નો ખૂંદનાર દીધો રન્નાદે, અમી રસ કુંવર મારે લાડકો

રોટલા ઘડીને ઉભા રહ્યા, ચાનકી નો માંગનાર દીધો રન્નાદે, અમી રસ કુંવર મારે લાડકો

પાણીડા ભરી ઉભા રહ્યા, છેડા નો ઝાલનાર દીધો રન્નાદે, અમી રસ કુંવર મારે લાડકો

ગાવલડી દોહી ઉભા રહ્યા, દૂધડાં નો માંગનાર દીધો રન્નાદે, અમી રસ કુંવર મારે લાડકો

[ચાનકી = નાની રોટલી]

રાંદલ માતા નો ગરબો-૨

દડવે થી રાણી રાંદલ દડવડીયા, ઉતરીયા વડ હેઠ રન્નાદે

ઉતર્યા કાંઈ આંબા આંબલી, છે દાડમ દ્રાક્ષ રન્નાદે

ઉતર્યા ______ભાઈ ને ઓરડે, ઘેર મીઠા બોલી નાર રન્નાદે

મીઠડાં બોલે ને મન હરે, લળી લળી લાગે છે પાય રન્નાદે

પાય લગામણ વહુ ને બેટડો, અખંડ હેવાતન હોય રન્નાદે

અખંડ હેવાતન વહુ નો ચૂડલો, અખંડ વીરાજી ની મોલ રન્નાદે

[હેવાતન = સૌભાગ્ય]

રાંદલ માતા નો ગરબો-૩

પાને ફૂલે ભરી છાબડી રે અગર ચંદન ની ડાબલી રે

મેં રે માનેલા જાગ હું થઈ ઉતાવળી રે

સાંકડી શેરી માં યે સૂરજદેવ સામા મળ્યા રે

સૂરજદેવ રન્નાદે ને મેલો મારે ઘેર ગોરણી રે

બેસારીશ પાટ ને ખાટ ઓઢાડીશ ઘાટડી રે

દુધે ખંખાળીશ પાય કંકુ નો કરીશ ચાંદલો રે

જમાડીશ ખીર ને ખાંડ વદાડીશ ગોરણી રે

આપીશ ફોફળ પાન વળાવીશ શેરડી રે

પાને ફૂલે ભરી છાબડી રે અગર ચંદન ની ડાબલી રે

મેં રે માનેલા જાગ હું થઈ ઉતાવળી રે

સાંકડી શેરી માં યે ______ભાઈ સામા મળ્યા રે

______ભાઈ ______વહુ ને ને મેલો મારે ઘેર ગોરણી રે

બેસારીશ પાટ ને ખાટ ઓઢાડીશ ઘાટડી રે

દુધે ખંખાળીશ પાય કંકુ નો કરીશ ચાંદલો રે

જમાડીશ ખીર ને ખાંડ વદાડીશ ગોરણી રે

આપીશ ફોફળ પાન ભારોભાર એલચી રે

સીમંત નું ગીત-૧

ઓરડે તે ઊભા ગોરી સાજી શણગાર, ત્યાં આવ્યા એના સ્વામી ભરથાર

કેમ નથી બોલતાં ઘરડાની નાર, આપણા તે ઘરમાં કોના કોના રાજ?

આપણા તે ઘર માં સસરાજી ના રાજ,

સસરાજી ને પેઢીએ વળાવો એના નાથ, તો તમ સાથે બોલું ભરથાર…

આપણા તે ઘર માં સાસુજી ના રાજ,

સાસુજી ને મંદિરે વળાવો એના નાથ, તો તમ સાથે બોલું ભરથાર…

આપણા તે ઘર માં જેઠજી ના રાજ,

જેઠજી ને ઓફિસે વળાવો એના નાથ, તો તમ સાથે બોલું ભરથાર…

આપણા તે ઘર માં દિયરજી ના રાજ,

દિયરજી ને કૉલેજ વળાવો એના નાથ, તો તમ સાથે બોલું ભરથાર…

આપણા તે ઘર માં નણંદી ના રાજ,

નણંદી ને સાસરિયે વળાવો એના નાથ, તો તમ સાથે બોલું ભરથાર…

સીમંત નું ગીત-૨

બેન નો હાર હીરે જડ્યો, બેન નો અંબોડો ફૂલે ભર્યો

બેન તમારા સાસરિયા દીસે સઘળા રૂડા રે બેન સાસરિયા

બેન શેરીએ સંચરીયા ને વચ માં મેળો ગોળી રે બેન સંચરીયા

બેન તમારી બેનડીયો દીસે સઘળી ભોળી રે બેન સંચરીયા

ધ્રણ શેરીએ સંચરીયા ને વચમાં મેલો સોપારી રે ધ્રણ સંચરીયા

ધ્રણ તમારા પિયરિયાં ને દીસે સઘળા વેપારી રે ધ્રણ સંચરીયા

ધ્રણ ને સાસુ-સસરા ગમે નહિ

ધ્રણ ને ચાલ્યા નો ચટકો ઘણો ધ્રણને બોલ્યા નો બરો ઘણો

[ધ્રણ = વહુ]

જનોઈ નું ગીત-૧

સાત સુંવાળી, બડવા પાંચ લાડુડી

એટલું તે લઈને બડવો ભણવાને ચાલ્યો

રહો રહો, બડવાજી તમારા દાદા મનાવે

દાદા મનાવી રુડી જનોઈ દેવડાવે… સાત સુંવાળી …

રહો રહો, બડવાજી તમારા કાકા મનાવે

કાકા મનાવી રૂડું કુટુંબ તેડાવે… સાત સુંવાળી …

રહો રહો, બડવાજી તમારા મામા મનાવે

મામા મનાવી રૂડા મોસાળા લઈ આવે… સાત સુંવાળી …

રહો રહો, બડવાજી તમારા માતા મનાવે

માતા મનાવી રુડી ભિક્ષા પીરસાવે… સાત સુંવાળી …

[સુંવાળી = પુરી]

જનોઈ નું ગીત-૨

એક લીલા તે વન ની વાંસલડી એ તો શેરીએ વાજંતી જાય

દાદા ને વ્હાલા ______ભાઈ એ તો કાશીએ ભણવાને જાય

એક ઘડી રહો મારા પુત્ર રે તમને કાલે આપીશ વિદાય

હું કેમ રહું મારા દાદા રે મારો સાથ ગુરુજી નો જાય

માતા ને વ્હાલા ______ભાઈ એ તો કાશીએ ભણવાને જાય

એક ઘડી રહો મારા જનમ્યા રે તમને કાલે આપીશ વિદાય

હું કેમ રહું મારા માતા રે મારો સાથ વિદ્યાર્થીઓ નો જાય

એક લીલા તે વન ની વાંસલડી એ તો શેરીએ વાજંતી જાય



You can also download these songs from here