You are currently viewing કેનેડામાં વિદેશી અભ્યાસ માટે ટિપ્સ

કેનેડામાં વિદેશી અભ્યાસ માટે ટિપ્સ

મિહિર ત્રિવેદી

(બહાર) એક વિશાળ અને સુંદર વિશ્વ છે. આપણામાંના મોટાભાગના લોકો એ જ ખૂણામાં જીવે છે અને મૃત્યુ પામે છે જ્યાં આપણે જન્મ્યા હતા અને તેમાંથી કોઈને ક્યારેય (તે વિશ્વ) જોવા મળતું નથી. હું આપણામાંથી મોટાભાગના (જેવો) બનવા માંગતો નથી.” પ્રિન્સ ઓબેરીન માર્ટેલ, “ધ લોઝ ઓફ ગોડ્સ એન્ડ મેન, ગેમ ઓફ થ્રોન્સનું પ્રખ્યાત પાત્ર.

એક કહેવત છે, “તમે હંમેશા સાવ જ અલગ જીવનથી (ફક્ત) એક પગલું દૂર છો.” જો તમે વિદેશમાં અભ્યાસ કરવા જવાનું, ખાસ કરીને કેનેડા જવાનું વિચારતા હો તો તો આ ખૂબ જ સાચું છે. કયા દેશમાં જવું, કઈ યુનિવર્સિટીમાં જવું, કયો અભ્યાસક્રમ લેવો, ક્યાં (અને કેવા નમૂનાઓ સાથે!) રહેવું ..?? મારું નામ મિહિર ત્રિવેદી છે અને અહીં હું કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે મારો અનુભવ શેર કરી રહ્યો છું.

મારા મતે, જે કોઈ વ્યક્તિ અભ્યાસ માટે ભારતની બહાર બીજા દેશમાં જાય, તેને તે દેશ ગમી જ જશે અને પછી તે ત્યાં નાગરિકતા અને એક સારી નોકરી મેળવવા ઈચ્છશે. મિકેનિકલ ના ક્ષેત્ર માટે જર્મની અને બાકીના ક્ષેત્રો માટે અમેરિકા, આ બે શ્રેષ્ઠ વિકલ્પો છે. મેં કેનેડા પસંદ કર્યું કારણ કે અહીંની નાગરિકતા મેળવવાનું સરળ છે. અહીં હું વિદેશમાં અભ્યાસ માટે કેટલાક સૌથી લોકપ્રિય દેશો પર મારો અભિપ્રાય આપીશ.

  • અમેરિકા: શ્રેષ્ઠ શિક્ષણ, પણ ખૂબ મોંઘું. વિદ્યાર્થીઓને શરૂઆતમાં ઘણો આર્થિક સંઘર્ષ કરવો પડે છે. દુનિયાભરની સૌથી વધુ ટોચની નોકરીઓ અહીં છે, પણ ત્યાં કેટલા સમય સુધી કામ કરવા દેશે તેની લટકતી તલવાર જેવી હંમેશની અનિશ્ચિતતા.

  • જર્મની: શિક્ષણ મફત, મિકેનિકલ ના ક્ષેત્ર માટે સ્વર્ગ. પણ અમેરિકા જેટલું મૈત્રીપૂર્ણ નહિં.

  • ઓસ્ટ્રેલિયા: ઊંચી ફી સાથે ઉત્તમ શિક્ષણ, પણ નાગરિકતા મેળવવી મુશ્કેલ બની રહી છે.

  • કેનેડા: સારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ. કોલેજો સરળતાથી પ્રવેશ આપે છે. નાગરિકતા માટે આવકારદાયક અને સરળ.

હું 25 વર્ષની ઉંમરે કેનેડા આવ્યો હતો અને મારી પાસે પહેલેથી જ ખૂબ સારો કામનો અનુભવ છે, જે ઘણા લોકો જે ગ્રેજ્યુએટ પછી સીધા અહીં આવે છે તેમને નથી હોતો. કામના અનુભવથી મને એટલી મદદ મળી કે મને તરત જ મારી યુનિવર્સિટીમાં સહાયક પ્રોફેસર તરીકે કામ કરવાની તક મળી અને હવે હું અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને C++ અને ડેટા સ્ટ્રક્ચર શીખવું છું, જેનાથી મને આર્થિક સ્થિરતા અને આશાસ્પદ કારકિર્દી મળે છે.

કેવી રીતે અને ક્યારે શરૂ કરવું: જો તમારે માસ્ટર્સ કરવું હોય તો કયો દેશ, કઈ યુનિવર્સિટી તે હિસાબે તમારે GRE/IELTS પરીક્ષા પાસ કરવી પડી શકે, અને તે માટે ગ્રેજ્યુએશન પૂરું થાય તે પહેલાં આ પરીક્ષાઓ માટે તૈયાર રહેવું જોઈએ, નહીં તો નાહક તમારું ભારતમાં એક વર્ષ બગડશે. કાઉન્સેલિંગ માટે કન્સલ્ટન્સીનો સંપર્ક કરો અને એવા લોકો સાથે સંપર્ક કરો જે પહેલેથી જ વિદેશમાં છે અને સમય બગડે નહિ તેનું ધ્યાન રાખો.

ફી અને ખર્ચ: માસ્ટર્સ કોર્સની ફી આશરે કેનેડિયન ડૉલર CAD 50,000 (અંદાજે ભારતીય રૂપિયા 30.00 લાખ, 1 CAD અંદાજે @ Rs.60/-) હોઈ શકે છે. આ ઉપરાંત, હોસ્ટેલ કે રહેવાનો ખર્ચ અને ભોજન, સ્થાનિક બસટ્રેન મુસાફરી ખર્ચ વગેરે અલગ છે. જો કે, તમે આ માટે ભારતમાંથી બેંક લોન લઈ શકો છો.

કોલેજ એડમિશન પ્રક્રિયા: યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન પ્રોગ્રામ માટે એક સુપરવાઈઝરની જરૂર પડે છે અને વિદ્યાર્થીએ સુપરવાઈઝરને તેને સ્વીકારવા માટે મનાવવો પડે છે. આ નોકરી માટે અરજી કરવા જેવું જ છે. એકવાર જો આ પ્રોફેસર તમારો સુપરવાઈઝર બનવા માટે તૈયાર થઈ જાય, તો તમારો પ્રવેશ લગભગ થઈ ગયો છે એમ માની શકાય. મોટે ભાગે જો માપદંડ હિસાબે તમારો મેળ બેસતો હોય અને તેઓ પ્રવેશ આપવા માંગતા હોય તો જ યુનિવર્સિટી સુપરવાઈઝર ફાળવે છે.

અભ્યાસ પેટર્ન: કેનેડામાં માસ્ટર્સ એ એક કેલેન્ડર વર્ષમાં 3 સેમેસ્ટર સાથે, 2 વર્ષનો અભ્યાસક્રમ છે. તમારો પ્રોગ્રામ ક્રેડિટ પર આધારિત હોય છે, વર્ષ/સેમેસ્ટર પર નહીં. દાખલા તરીકે, મારા માસ્ટર્સ કોર્સમાં મારે 30 ક્રેડિટ મેળવવાની જરૂર છે (થીસીસ માટે 15 ક્રેડિટ અને વિષયો માટે 15 ક્રેડિટ 1 વિષયની 3 ક્રેડિટ હોય છે).

પોતાનો કોર્સ તે કેટલો લાંબો/ટૂંકો રાખવા માંગે છે તે દરેક વિદ્યાર્થી પર નિર્ભર કરે છે. દાખલા તરીકે, જો હું 1 સેમેસ્ટરમાં 5 વિષયો અને થીસીસ ક્લિયર કરું, તો તે રીતે હું એક સેમેસ્ટરમાં મારા માસ્ટર્સ પૂરા કરી શકું છું. જો કે, હકીકતે તે શક્ય નથી. છતાંયે, તમે જેટલું કરી શકો તેટલું લઈ શકવાની આ સગવડ ને કારણે, ઘણા લોકો આવો અઘરો માર્ગ લેવાનું પસંદ કરે છે અને તેમના વિષયો અને થીસીસ તેમના કોર્સ પહેલા પૂર્ણ કરે છે.

હું 5 સેમેસ્ટરમાં મારા માસ્ટર્સ પૂર્ણ કરવાનું આયોજન કરી રહ્યો છું. મેં અભ્યાસ માટે વિષય પસંદ કર્યો છે તે વિષય હું પૂરો કરીશ, દા.. પ્રથમ 2 સેમેસ્ટરમાં ડેટા માઇનિંગ, સંશોધન પદ્ધતિઓ, માનવ કમ્પ્યુટર ક્રિયાપ્રતિક્રિયા અને કોમ્પ્યુટેશનલ સાયન્સનો પરિચય અને આમ હું 3 સેમેસ્ટરમાં મારી થીસીસ પતાવીશ.

ખરાબ દાખલો: અમારા પ્રોગ્રામમાં એક છોકરી છે જેણે થીસીસ લીધી છે, તેને તે થીસીસ પૂરી કરવાનું બહુ અઘરું પડી રહ્યું છે અને યુનિવર્સિટીમાં આ તેનું ત્રીજું વર્ષ છે! જ્યારે તમે પાણી કેટલું ઊંડું છે તે જાણ્યા વિના જ પાણીમાં જંપલાવો છો, ત્યારે આવું જ થાય છે!

સારો દાખલો: મારા એક સિનિયરે 1.5 વર્ષમાં માસ્ટર્સ પૂરું કરી લીધું અને તેને 85,000 ડોલરના પગારે પાયથોન ડેવલપર તરીકે નોકરી મળી ગઈ. આસિસ્ટન્ટ પ્રોફેસર અને ઓનકેમ્પસ જોબ કરતાંકરતાં તેણે તેની ટ્યુશન ફી ચૂકવી દીધી!

આ તો ખાસ નહિ કરતાં!: અભ્યાસ દરમિયાન ચોરી ટાળો. જ્યાં હો ત્યાંના કાયદાકાનૂનનું પાલન કરો. વધુ પૈસા કમાવવા માટે ગેરકાયદેસર નોકરી ન કરો, ગેરકાયદેસર કામના વધારાના કલાકો ન કરો. તમારો મુખ્ય હેતુ શિક્ષણ પૂરું કરી, સારા પગારવાળી નોકરી લઈ અને કાયદેસર નાગરિકતા/વર્ક પરમિટ મેળવવાનો છે.

સૌથી મહત્વપૂર્ણ વાત: સાચી વૃત્તિ. પરદેશ ની દુનિયા ખૂબ જ અનિશ્ચિત દુનિયા છે. ક્યારેક એવું પણ બને કે એક ઓછી કુશળતા પણ યોગ્ય વલણ ધરાવતી વ્યક્તિ, તેના કરતાં વધુ કુશળ વ્યક્તિ કરતાં આગળ વધી જાય! સારું જ થશે તેવી આશા રાખો, કદાચ તેવું ના થાય તો તે માટે તૈયાર રહો અને જો તે બધા કરતા સાવ કાંઈ અલગ જ થાય તો કોઈપણ વસ્તુથી આશ્ચર્ય પામશો નહીં!

મારા વિશે: હું ભાવનગરના જીગ્નેશ બિપિનચંદ્ર ત્રિવેદી અને આનંદી ત્રિવેદીનો પુત્ર મિહિર ત્રિવેદી છું. મેં અમદાવાદની વિશ્વકર્મા કૉલેજમાંથી મારું કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું અને ત્યારબાદ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, મુંબઈમાં 4 વર્ષ કામ કર્યું. હાલમાં હું લોરેન્શિયન યુનિવર્સિટી (સડબરી, ઓન્ટારિયો, કેનેડા) માંથી કોમ્પ્યુટેશનલ સાયન્સમાં માસ્ટર્સ કરી રહ્યો છું. કોઈપણ વધુ વિગતો માટે, તમે મારો મોબાઈલ/WhatsApp (+1 249-360-5901) અથવા ઈમેલ દ્વારા સંપર્ક કરી શકો છો: mihirtrivedigm@yahoo.in.