મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ વિશે
જો તમે આપણા વિશે વધુ જાણવા માંગતા હો, તો તમે યોગ્ય સ્થાને જ આવ્યા છો. ચાલો, આપણી જ્ઞાતિ ના ઇતિહાસ, ભૂગોળ અને ઉત્પત્તિ વિશે જાણીએ.
મોઢેશ્વરી માતા અને મોઢેરા મંદિર ની માહિતી
મોઢેશ્વરી માતાજી ગુજરાતના તમામ મોઢ જ્ઞાતિ સમાજો ના મુખ્ય કુળ–દેવી છે.
એવું માનવામાં આવે છે કે કર્ણાટ નામનો રાક્ષસ (અસુર) મોઢેરા (કે જે તે સમયે ધર્મારણ્ય તરીકે ઓળખાતું હતું) ખાતે રહેતા બ્રાહ્મણોને હેરાન કરતો હતો, તેથી બ્રાહ્મણોએ કર્ણાટ રાક્ષસ થી બચાવવા માટે સ્થાનિક દેવી શ્રી માતા (ભગવાન બ્રહ્માની પુત્રી) ને પ્રાર્થના કરી. દેવી શ્રી માતા ખૂબ જ ક્રોધીત થયા અને તેમના મોઢા માં થી અગ્નિ ની જ્વાળાઓ નીકળી, જેમાંથી માતંગી માતાજી પ્રગટ થયા. માતંગી માતાજી અઢાર હાથ ધરાવતા દેવી હતા અને તેમના દરેક હાથમાં એક શસ્ત્ર હતું. એક ભયંકર યુદ્ધ થયું અને તેમાં દેવી શ્રી માતંગીએ કર્ણાટ રાક્ષસનો વિનાશ કર્યો. બ્રાહ્મણોએ આ વિજયની ઉજવણી કરી અને શ્રી માતંગી માતાજી ને તેમના કુળ–દેવી શ્રી મોઢેશ્વરી માતાજી તરીકે સ્વીકાર્યા. શ્રી માતંગી માતાજી ના વિજય અને પ્રાગટ્યના માનમાં, મોઢ જ્ઞાતિ સમાજો દર વર્ષે મહા સુદ તેરસનો દિવસ મોઢેરા અને તમામ મોઢેશ્વરી મંદિરોમાં ધામધૂમથી ઉજવે છે.
મોઢેશ્વરી માતાજીનું સૌથી પ્રખ્યાત મંદિર મોઢેરા ખાતે આવેલું છે, જે ભારતના ગુજરાતના મહેસાણા જિલ્લાનું એક નાનું નગર છે. અન્ય પ્રાચીન મોઢેશ્વરી માતાજી મંદિર ગુજરાતના પાટણ તાલુકાના ચાણસમા નજીકમાં આવેલું છે. ઉપરાંત, હવે અમદાવાદ, વડોદરા, ભાવનગર, સુરત, ભરૂચ, ભુજ, કપડવંજ, ખેડબ્રહ્મા, ઉજ્જૈન, સેંદરડા (જૂનાગઢ), તેરા (કચ્છ), ઝાબુઆ (એમ.પી.) વગેરે જેવા વિવિધ સ્થળોએ મોઢેશ્વરી માતાજીના ઘણા મંદિરો પણ છે. આમાંના મોટા ભાગના તાજેતરમાં બન્યા છે.
મોઢેરા નગર ચૌલુક્ય યુગના સૂર્ય મંદિર માટે જાણીતું છે. આ શહેર પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. પૌરાણિક યુગમાં આ નગર ધર્મારણ્ય તરીકે જાણીતું હતું. એવું માનવામાં આવે છે કે ભગવાન રામે બ્રાહ્મણ રાવણને મારવાના પાપને શુદ્ધ કરવા માટે અહીં યજ્ઞ કર્યો હતો. તેમણે મોઢેરક ગામ બનાવ્યું હતું જે પાછળથી મોઢેરા તરીકે જાણીતું થયું. હાલનું પ્રખ્યાત સૂર્ય મંદિર 1026-1027 (વિક્રમ સંવત 1083) માં ચૌલુક્ય વંશના ભીમ I ના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું. ગામમાં એક સુંદર વાવ જ્ઞાનેશ્વરી પણ છે જે 16-17 મી સદીની છે.
મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ વિશે
મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ સમુદાયો માં એવા લોકો છે જેઓ ગુજરાત, મોઢેરા થી ઉદભવ્યા છે. ગુજરાતમાં અને રાજસ્થાનમાં, હિન્દુ સમુદાયોના એવા ઘણા ઉદાહરણો છે જેઓ એક શહેરમાંથી તેમનું નામ લે છે. મોઢ ને મોટે ભાગે ચાર જાતિઓમાં વહેંચી શકાય છે (1) મોઢ બ્રાહ્મણ (2) મોઢ વણિક (3) મોઢ પટેલ (4) મોઢ મોદી. મોઢ બ્રાહ્મણો વધુ છ પેટા જાતિઓમાં વહેંચાયેલા છે:
મોઢ ચાતુર્વેદિય બ્રાહ્મણ
મોઢ ત્રિવિધ બ્રાહ્મણ
મોઢ ધનુજા બ્રાહ્મણ
મોઢ તાંદલજા બ્રાહ્મણ
મોઢ અગીયાસન બ્રાહ્મણ
મોઢ જ્યસ્તિમલ બ્રાહ્મણ
મોઢ ચાતુર્વેદિય બ્રાહ્મણોને હજુ વિવિધ સમવાય માં જૂથબદ્ધ કરી શકાય છે જેમ કે: ચુંથા સમવાય, રાજુગુરુ સમવાય, હાલારી સમવાય વગેરે. મોઢ ચાતુર્વેદિય રાજગુરુ સમવાય બ્રાહ્મણ ઐતિહાસિક રીતે આપણા મોઢ ચાતુર્વેદિય ચુંથા સમવાય જ્ઞાતિ સાથે સમાન મૂળ અને ધાર્મિક વિધિઓ સાથે જોડાયેલા લાગે છે.
મોઢ ચાતુર્વેદિય ચુંથા સમવાય બ્રાહ્મણ જ્ઞાતિ ની તાજેતરની ઉત્પત્તિ ભાવનગર વિસ્તારમાંથી હોવાનું માનવામાં આવે છે અને તે પહેલા આપણા વડવાઓ રાજસ્થાન બાજુથી ભાવનગર તરફ આવ્યા હોવાનું મનાય છે. એવું કહી શકાય કે મોઢ ચાતુર્વેદિય ચુંથા સમવાય બ્રાહ્મણ જ્ઞાતિ નો ઇતિહાસ ભાવનગરના રાજવી પરિવારના ઇતિહાસ સાથે ગાઢ રીતે જોડાયેલો હોઈ શકે છે, જે પણ આશરે 800 વર્ષ પહેલા રાજસ્થાનમાં ઉદ્ભવ્યો હોવાનું અને ત્યારબાદ વર્તમાન ભાવનગર તરફ આવ્યા હોવાનું માનવામાં આવે છે. આજે આપણી મોઢ ચાતુર્વેદિય ચુંથા સમવાય બ્રાહ્મણ જ્ઞાતિ આજે વિશ્વભરમાં ફેલાઈ છે અને અને તે દરેક નવી પેઢી સાથે સમગ્ર વિશ્વમાં વધુ ફેલાઈ રહી છે.
મોઢ બ્રાહ્મણો સિવાય, સૌરાષ્ટ્ર વિસ્તારના અન્ય બ્રાહ્મણ સમુદાયો છે: ઔદિચ્ય બ્રાહ્મણ, ગુગળી બ્રાહ્મણ, ઉનેવાળ બ્રાહ્મણ, ખિજડીયા બ્રાહ્મણ વગેરે. સૌરાષ્ટ્ર બહાર, અન્ય સમાન બ્રાહ્મણ સમુદાયો પણ છે: અનાવિલ બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ, મેવાડા બ્રાહ્મણ, મચ્છુ– કટિયા બ્રાહ્મણ, પ્રશનોરા બ્રાહ્મણ, ગિરનારા બ્રાહ્મણ વગેરે.