શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ટાટા, રિલાયન્સ, આઈ સી આઈ સી આઈ બેંક, યુનિલિવર જેવી વિશાળ રાષ્ટ્રીય અથવા બહુરાષ્ટ્રીય કંપનીઓ કેવી રીતે તેમના ધંધા ને ચલાવે છે, એનું સંચાલન કરે છે? અને કેવી રીતે તેમના વિવિધ વિભાગો અથવા ગતિવિધિઓ જેમ કે ખરીદી, ઉત્પાદન, વેચાણ, માનવ સંસાધન (HR) અને છેલ્લે એકાઉન્ટિંગ તેમજ રિપોર્ટિંગ ને મેનેજ કરે છે? આવી કંપનીઓની કામગીરી વિવિધ રાજ્યોમાં અથવા તો દેશોમાં ફેલાયેલી હોય છે. તેમની પાસે આખાય વ્યાપાર ની પ્રવૃત્તિઓનો એક સંપૂર્ણ પ્રકિયા તરીકેનો રેકોર્ડ સિસ્ટમ માં હોવો જરૂરી છે.. આવી સિસ્ટમ્સને એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ERP) સિસ્ટમ પણ કહેવામાં આવે છે. આવી સિસ્ટમ કોઈ બીજી IT કન્સલ્ટિંગ કંપની અને ERP સૉફ્ટવેર બનાવનારની મદદથી લાગુ (implement) કરવામાં આવે છે જેમ કે SAP, Oracle અને અન્ય ઘણી જાણીતી અને અજાણી કંપનીઓ આ સર્વિસ આપે છે.
આજે, હું આ ક્ષેત્ર વિષે જ તમને થોડું જણાવવા માંગુ છું કે કેવી રીતે કોઈ વ્યક્તિ IT બિઝનેસ એનાલિસ્ટ (IT BA) નામના આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે, જે માહિતી તંત્રજ્ઞાન કે ઇન્ફોરમેશન ટેકનોલોજી ના ક્ષેત્ર ને સંબંધિત એક કારકિર્દી નો માર્ગ છે.
ઇન્ફોરમેશન ટેકનોલોજી (IT) ક્ષેત્ર એક મહાસાગર જેવું છે જેમાં તમે તમારી શૈક્ષણિક પાસાઓ (background), રસ (interest) અને આવડતો/કૌશલ્ય (Skills) ના આધારે તમે ટેક્નિકલ કે બીજા માર્ગ પસંદ કરી શકો છો. તકનીકી કુશળતામાં મુખ્યત્વે પ્રોગ્રામિંગ, સિસ્ટમ સુરક્ષા, સિસ્ટમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સિસ્ટમ નેટવર્કિંગ ને લગતી જવાબદારીઓ આવે છે અને આ જવાબદારી નિભાવનાર ટીમ ટેકનિકલ એનાલિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે.
જો કે, આવા ERP અથવા મોટા બિઝનેસ સિસ્ટમ્સના અલગ અલગ મોડ્યુલને (parts) કાર્યરત કરવાની, ઈમપ્લેમેન્ટ કરવાની જરૂર રહે છે જે બિઝનેસ એનાલિસ્ટ્સ દ્વારા કરવામાં આવે છે. આ ક્ષેત્રમાં મારો પોતાનો અનુભવ બહોળો છે, તો ચાલો આપણે બિઝનેસ એનાલિસ્ટ તરીકેની કારકિર્દી વિષે થોડી જાણકારી મેળવીએ.
અત્યાર સુધીમાં, તમને કદાચ ખ્યાલ આવી ગયો હશે કે બિઝનેસ એનાલિસ્ટ એ બિઝનેસ અને ટેકનોલોજી વચ્ચે સેતુની ભૂમિકા ભજવે છે. તે એક એવી વ્યક્તિ છે જે કંપની ના જુદા જુદા લોકોની સિસ્ટમ પાસે થી અપેક્ષાઓ અને જરૂરિયાતો સમજે છે અને કંપ્યૂટર સિસ્ટમ ને તે મુજબ તૈયાર કરવા રૂપરેખા બનાવે છે. તેની મુખ્ય જવાબદારી ક્લાયન્ટની વ્યવસાયિક જરૂરિયાતોને સારામાં સારા ટેક્નોલોજી સોલ્યુશન્સ સાથે અસરકારક રીતે મેળવવાની છે.
બિઝનેસ એનાલિસ્ટ શું કરે છે?
ચાલો હવે સમજીએ કે જ્યારે વ્યક્તિ બિઝનેસ એનાલિસ્ટ ની ફરજો અને જવાબદારીઓ શું હોય છે.
પ્રોજેક્ટ અથવા સપોર્ટ ટીમના સભ્ય: સામાન્ય રીતે વેપાર–ધંધા સંબંધિત IT સિસ્ટમની સ્થાપના એક પ્રોજેક્ટની જેમ સંચાલિત થાય છે જેમાં અલગ–અલગ ટીમો અને વિભાગોના સભ્યો એક પ્રોજેક્ટ ટીમની જેમ સાથે મળીને કામ કરે છે. એક વાર આવી કમ્પ્યુટર કે ઈ.આર.પી. સિસ્ટમ ચાલુ કરી દેવામાં આવી હોય તેની પછી પણ, વેપાર–ધંધા ની બદલાતી જરૂરિયાતોને પુરી કરવા કે (આપણા મોબાઇલ ફોનની એપ્લિકેશન અપગ્રેડ્સની જેમ) તેમાં નવી–નવી સુવિધાઓ ઉમેરવા માટે કે તેને સુધારવા માટે હજી પણ સપોર્ટ સમસ્યાઓ ઉકેલવા માટે સિસ્ટમમાં ફેરફાર/સુધારા–વધારા કરવા પડે છે, જ્યાં બિઝનેસ એનાલિસ્ટની જરૂર પડે છે.
વ્યાપાર જરૂરિયાત વિશ્લેષણ: એક બિઝનેસ એનાલિસ્ટ કંપની ના જુદા–જુદા વિભાગના લોકોને સિસ્ટમમાં વપરાશ માં ઉભી થતી કોઈ સમસ્યાઓ અથવા નવી કે બદલાતી જરૂરિયાતોને લગતા વિવિધ પ્રશ્નો પૂછે છે. કોઈ સમસ્યાના ઉકેલ માટે વિવિધ વિકલ્પો આપતા પહેલા તે જરૂરિયાતને પુરેપુરી સમજવાના પ્રયત્ન કરે છે.
ઉકેલ આપવા અને પ્રોજેક્ટ પુરા કરવા: પ્રોજેક્ટના કદ અને સ્કોપ કે કાર્યક્ષેત્રના આધારે, બિઝનેસ એનાલિસ્ટ કમ્પ્યુટર કે ઈ.આર.પી. સિસ્ટમ વિકસાવવાનું કામ કરે છે. વ્યાપાર દ્વારા દરરોજ ઉપયોગમાં લેવાતી સિસ્ટમનો અંતિમ અમલ કરતા પહેલા તેને ટેસ્ટ સિસ્ટમ તરીકે તેનું પરીક્ષણ કરવામાં આવે છે. આજકાલ આવા ટેસ્ટિંગ કરતા પરીક્ષકોની ભૂમિકા બિઝનેસ એનાલિસ્ટ કરતા હવે અલગ મહત્વ પામી રહી છે.
પ્રોજેક્ટ મેનેજમેન્ટ અથવા ટીમનું નેતૃત્વ કરવું: અમુક વર્ષોના અનુભવ પછી અને જુદા–જુદા પ્રકારના પ્રોજેક્ટમાં ભાગ લીધા પછી બિઝનેસ એનાલિસ્ટ પ્રોજેક્ટ ટીમના કે સપોર્ટ ટીમના સંયોજક (કોઓર્ડીનેટર) બની શકે છે અથવા પ્રોજેક્ટ કન્સલ્ટિંગ કે આઇ.ટી. કન્સલ્ટિંગ કંપનીઓમાં બિઝનેસ એનાલિસ્ટ ટીમના લીડ સંચાલક કે ટીમ લીડ બની શકે છે.
આમ, બિઝનેસ એનાલિસ્ટ તરીકે કામ કરવા માટે બે વિકલ્પો છે: મોટી કંપનીઓમાં ઇન–હાઉસ આઇટી ફંક્શનના ભાગ રૂપે કામ કરી શકાય અથવા જે આઇ.ટી.કન્સલ્ટિંગ કંપનીઓ બીજી કંપનીઓ માટે આવી બિઝનેસ સિસ્ટમ્સ પ્રોજેક્ટ ઉપર કામ કરતી હોય તેવી કંપનીઓ માટે કામ કરી શકાય.
બિઝનેસ એનાલિસ્ટ માટે શૈક્ષણિક લાયકાત:
બિઝનેસ એનાલિસ્ટ કે વ્યાપાર વિશ્લેષકો માટેની શૈક્ષણિક લાયકાત દરેક કંપનીમાં અલગ અલગ હોઈ શકે છે. બિઝનેસ એનાલિસ્ટ તરીકે કામ કરવા માટે આ બે આવડત જરૂરી છે: (1) બિઝનેસ/વ્યવસાય, એકાઉન્ટિંગ, ફાઇનાન્સ અથવા તેની જેવા ક્ષેત્રમાં બેચલર અથવા માસ્ટર ડિગ્રી અથવા (2) ઇન્ટર્નશીપ દ્વારા કામ કરવાનો અનુભવ અથવા બિઝનેસ, ફાઇનાન્સ અથવા આઇ.ટી. ક્ષેત્રમાં કામ કરતા વરિષ્ઠ લોકો સાથે કામ કરવાનો અનુભવ.
ભારતમાં MBA અભ્યાસ કર્યાં પછી બિઝનેસ એનાલિસ્ટ એક શ્રેષ્ઠ કારકિર્દી વિકલ્પ તરીકે વિકસ્યું છે અને મેનેજમેન્ટના ક્ષેત્રમાં સૌથી વધુ કમાણી કરતી એક કારકિર્દી પ્રોફાઇલ બની રહ્યું છે. હવે તો ઘણી બધી કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ આવા માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (PGDM) અભ્યાસક્રમો તરીકે ઓફર કરી રહી છે.
જો કે, ફાઇનાન્સ, એન્જિનિયરિંગ અથવા સાયન્સ ફિલ્ડમાંથી ગ્રેજ્યુએટ/ સ્નાતક પણ તેમની કૉલેજ કેમ્પસ ડ્રાઇવ અથવા જોબ પોર્ટલ દ્વારા કંપનીઓમાં એન્ટ્રી લેવલની નોકરી લઈને આ ક્ષેત્રમાં આઈ.ટી. બિઝનેસ એનાલિસ્ટ બની શકે છે અને તેના પછી કારકિર્દીના આ માર્ગમાં આગળ વધવા માટે નોકરીની સાથે તેમની બિઝનેસ પ્રક્રિયાની સમજ અથવા શૈક્ષણિક લાયકાતને વિકસાવી શકે છે.
કારકિર્દીના માર્ગમાં ભૂમિકાઓ અને જવાબદારીઓ
આઇ.ટી. બિઝનેસ એનાલિસ્ટ ઘણીવાર ઇન્ફર્મેશન ટેક્નોલોજી ટીમનો ભાગ હોય છે જ્યાં તેઓ ડેવલપર્સ અને મેનેજમેન્ટ વચ્ચે સેતુ બનીને ટેક્નોલોજીના વિકાસને ટેકો અને સહાય કરે છે. તેઓ આઇ.ટી. અને મેનેજમેન્ટ કન્સલ્ટિંગ કંપનીઓના ગ્રાહકો માટે અમલીકરણ પછીના ટેક–સપોર્ટમાં પણ મદદ કરે છે. તેઓ વેપાર–ધંધા, ઉદ્યોગ–ક્ષેત્ર અથવા કંપનીના સંચાલનની પ્રક્રિયાઓ, સિસ્ટમો, મોડલ્સનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે જેથી તેનું કામગીરી નક્કી નું ધોરણ નક્કી કરી શકાય અને તે મુજબ કંપ્યૂટર સિસ્ટમ ને વિકસાવવા, સુધારવા, બદલવા અથવા ફરી નવેસરથી ડિઝાઇન કરી શકાય.
કંપ્યૂટર માહિતી (ડેટા સાયન્સ)ના વિકાસ સાથે, આઇ.ટી. બિઝનેસ એનાલિસ્ટને પણ હવે ડેટા (નાણાકીય, માર્કેટિંગ, લોકો–સંબંધિત અને ઉપલબ્ધ અન્ય તેને લગતા બીજી માહિતી કે ડેટા) પર કામ કરવાની તક મળી શકે છે, તેનું વિશ્લેષણ કરીને અને તેનું મોડેલિંગ કરીને, બિઝનેસને વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરી શકાય.
ઉચ્ચ આવક અને વૃદ્ધિની તકો
શૈક્ષણિક લાયકાત કરતાં વધુ, બીજી કેટલીક ખાસ આવડતો જે આ કારકિર્દીના માર્ગમાં વધવા માટે જરૂરી છે.
બિઝનેસ એનાલિસ્ટ તરીકે કામ કરનાર વ્યક્તિએ ઝીણી ઝીણી વિગતો પાર પણ ધ્યાન આપવું જરૂરી છે અને તે સાથે જ મોટી સમસ્યા અથવા પ્રક્રિયાઓના વિવિધ ભાગોને જોડવામાં સક્ષમ બનવાની સાથે વિચારસરણી અને સમસ્યાનું નિરાકરણ કરવામાં વિશ્લેષણાત્મક હોવું જરૂરી છે.
વ્યવસાયિક ટીમો સાથે કામ કરીને, વ્યક્તિ વિવિધ પ્રક્રિયાઓ અને સિસ્ટમોની મજબૂત અને ઊંડી સમજણ વિકસાવે છે.
આ સાથે જે બીજી ખાસ આવડતોની આવશ્યકતા છે તે છે: અસરકારક સંચાર આવડતો (કમ્યુનિકેશન સ્કિલ) અને મજબૂત આંતરવ્યક્તિત્વ આવડતો કારણ કે બિઝનેસ એનાલિસ્ટ વિવિધ પૃષ્ઠભૂમિના લોકો સાથે અને કંપનીઓમાં વિવિધ સ્તરે ટીમમાં કામ કરે છે.
આજના સમયમાં, દબાણને હેન્ડલ કરવું, પડકારરૂપ વૈશ્વિક વ્યાપાર વાતાવરણમાં કામ કરવું અને નવી ટેક્નોલોજી અને કામ કરવાની રીતનું સતત શીખવું એ આ કારકિર્દીને યુવાનો માટે રોમાંચક અને ઉચ્ચ પગારવાળી બનાવે છે.
પે સ્કેલ
TCS, Amazon, Accenture, Deloitte વગેરે જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ ઉચ્ચ પગાર ચૂકવે છે. મોટી રાષ્ટ્રીય અથવા બહુરાષ્ટ્રીય કંપનીઓમાં પણ એવું જ છે. આ ઉપરાંત તમે કઈ કોલેજ માં થી અથવા બિઝનેસ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે અથવા માસ્ટર કર્યું છે તે પણ મહત્વનું છે. જો કે, વધુ કામના અનુભવ સાથે સ્વાભાવિક રીતે તમારું બજાર મૂલ્ય વધશે. તમારું રહેઠાણ (કયો દેશ કે શહેર) ક્યાં છે, તમે કઈ સિસ્ટમ અથવા ટેક્નોલોજી કામ કરો છો તેના આધારે પણ પગારના ધોરણ અલગ–અલગ હોય છે, તેથી વ્યક્તિએ આ ક્ષેત્રમાં બદલાતી જોબ માર્કેટની સ્થિતિ વિશે પોતાને અપડેટ રાખવાની જરૂર છે.
બિઝનેસ એનાલિસ્ટ ની ભૂમિકા સતત વિકસિત અને બદલાતી રહે છે – ખાસ કરીને કારણ કે આજ ના જમાના માં હવે કંપનીઓ વ્યવસાયિક કામગીરીને નવી દિશા આપવા માટે નવી દિશા ડેટા પર વધુ ને વધુ આધાર રાખે છે. દરેક કંપની પાસે અલગ અલગ સમસ્યાઓ હોય છે જેમ કે જૂની કમ્પ્યુટર લેગસી સિસ્ટમ્સ, ઝડપથી બદલાતી ટેક્નોલોજી, જૂનવાણી અને અસરકારકતા ગુમાવી ચુકેલી વેપાર ની રીતભાતો, ગ્રાહકોમાં અસંતોષ ની ભાવના અથવા જુદી–જુદી રીતે, છુટા–છવાઈ રીતે કામ કરતી મોટી મોટી કંપનીઓ વગેરે વગેરે – બિઝનેસ એનાલિસ્ટ આવી દરેક સમસ્યાઓ ના હલ શોધવામાં મદદ કરી શકે છે.
મારા વિશે
ચાલો અંતમાં હવે હું મારા અને મારા અનુભવ વિશે થોડી વધુ વિગતો આપી દઉં. હું મુલુંડ/મુંબઈમાં રહેતા વિજય વૈજનાથ ભટ્ટ અને ભાવના વિજય ભટ્ટનો પુત્ર ગૌરાંગ ભટ્ટ છું. મારી પાસે બહુરાષ્ટ્રીય ઉત્પાદન કંપનીમાં I.T. બિઝનેસ એનાલિસ્ટ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કામ કરવાનો 15+ વર્ષનો અનુભવ છે. મેં SAP સિસ્ટમ, જે સમગ્ર વિશ્વમાં અગ્રણી ERP છે તેમાં ફાઇનાન્સ અને ટેસ્ટ ઓટોમેશન એપ્લિકેશન સપોર્ટ અને અમલીકરણ / ઈમપ્લેમેન્ટ કરવાનું સંચાલન કર્યું છે. મારા પ્રોજેક્ટના ભાગ રૂપે મને જુદા જુદા દેશોની મુસાફરી કરવાનો મોકો મળ્યો હતો અને તેનાથી મને આંતરરાષ્ટ્રીય કંપનીઓની જુદી–જુદી પ્રક્રિયાઓ, ટેકનોલોજી અને કામ કરતા કર્મચારીઓ વિશે પણ જાણવા મળ્યું છે.
આ કારકિર્દીએ મારા દૃષ્ટિકોણને વિસ્તૃત કર્યા છે અને મને મારા કામમાં એક આગેવાન તરીકે વિકસવામાં પણ મદદ કરી છે. હું ટેક્નૉલૉજી, ડેટા અને નિરંતર સુધરવા વિશે બહુ ઉત્સાહી છું, માટે જો આ કારકિર્દી વિશેના કે કોઈપણ અન્ય પ્રશ્નોમાં હું તમને મદદ કરી શકું તો મને ખૂબ આનંદ થશે. gaurangvbhatt@gmail.com અથવા +91 9833825474 પર મારો સંપર્ક કરવામાં અચકાશો નહીં.
ગૌરાંગ વિજય ભટ્ટ, મુંબઈ