વિદ્યાર્થી ભવનની ઝાંખી

સ્વ. કાકુભાઈ ન . ત્રિવેદી, ૧૯૯૭

સુજ્ઞ જ્ઞાતિબંધુઓ, વિદ્યાર્થી ભવન પચાસ વર્ષ પૂરા કરે છે ત્યારે વિચાર આવે છે કે રોમન સામ્રાજય એક દહાડામાં વિકસ્યું નહોતું. આપણા દેશની ક્રાંતિના વર્ષોમાં જેમ દેશને આઝાદીની તમન્ના, એમ મુંબઈ અને ઉપનગરોમાં આપણા સુખી ગૃહસ્થોને ગ્રામ્ય પ્રદેશમાં વસતા આપણા સમાજને સ્વતંત્ર કરવા વિચાર આવ્યો કે ક્યાં સુધી આ મોઢ ભાઈઓ કર્મકાંડ, ભિક્ષાવૃત્તિ કરીને કૂપમંડૂકતા સેવશે? અલબત્ત, દેવતા પર રાખ વળી ગઈ હતી. એ રાખને ફૂંક મારી દૂર કરી પ્રજવલિત કરવાનું આ સોદાગર ભાઈઓએ વિચાર્યું. મુંબઈમાં મોઢ ચાતુર્વેદી મંડળ સ્થાપી કેળવણીની સુવિધા ગ્રામ્ય પ્રદેશમાં વસતા તેજસ્વી તારલાઓને આપી એને સ્વયં પ્રકાશિત કરવા માટે વિચાર વિનિમય થવા લાગ્યો. જેના પરિણામ સ્વરૂપે ત્રણ સુખી ગૃહસ્થોએ રૂા.૨૧,૦૦૦/- ની સગવડતા કરી આપવા વચન આપ્યું અને વિચાર વિનિમય કરી ૧૯૪૬ માં ભાવનગરમાં સનાતન હાઇસ્કૂલમાં ત્રણ દિવસ માટે સ્વ.પૂ. પ્રો. રતિલાલ જ. જાનીના પ્રમુખપદે શહેર અને ગામડામાં વસતા ભાઈઓને પ્રતિનિધિ તરીકે બોલાવી વિષયની વિચાર શ્રેણી રજૂ કરી જયારે જ્ઞાતિમાં ૩૫ ગ્રેજયુએટ ભાઈઓ હતા. અમદાવાદ, મુંબઈ, સુરત, ભાવનગર, પાલીતાણા, ગારીયાધાર, દામનગર, ગણેશગઢથી ગલઢેરાજી સ્વ. કેશવલાલ દાદાએ આવી જ્ઞાતિની કેળવણીની ભૂખમાં સૂર પુરાવ્યો. વિષય વિચારિણી સમિતિ થઈ પણ સારા કાર્યમાં સો વિઘ્નો આવે, વાત હતી દાતાઓની એક શરતની કે તેમના સ્વર્ગસ્થ ભાઈઓનું નામ આ સંસ્થા પર રાખવું. કમિટી નીમાયેલ પણ ઉદાર દિલનો અભાવ કે સંકુચિતતા કે ભાવિ પેઢીના નસીબનું વિધ્નરૂપી કેળવણીપર્ણ ઉખડ્યું નહિ અને આમ હઠાગ્રહ કે દુરાગ્રહથી એક શુભ કાર્યની પ્રગતિ રૂંધાઈ.

પણ ત્યારથી શહેર અને ગામડામાં આપણા સમાજની કેળવણીક્ષુધા અને તેની ઉપયોગિતાનો ખ્યાલ આવ્યો અને આપણા સમાજના હિતચિંતક, શિક્ષક, વકીલ, ડૉક્ટર, વેપારી આ બધા ‘નિરાશામાં કંઈ આશા છુપાઈ છે.’ એવા આશ્વાસન સાથે અત્ર તત્ર ને સર્વત્ર વિદ્યાર્થી ભવનની સુવિધા ગામડામાં વસતા તેજસ્વી બાળકોને આપવી જ જોઈએ એ સિધ્ધાંત મનમાં ગ્રહણ કર્યો.

એ દરમ્યાન પાલીતાણા હેરીસ હાઇસ્કૂલમાં સંસ્કૃત શિક્ષક તરીકે સેવા આપતા ઢાંગલાવાળા નર્મદાશંકર વ્રજલાલ ત્રિવેદી પરીક્ષાકાર્યમાં સુપરવીઝન કરતા હતા. એક વિદ્યાર્થી મોડો આવ્યો. વરસાદ હતો, ભીંજાયેલ હતો. પોતાની ફરજ પ્રમાણે શિક્ષકે તેની મોડા થવાની માહિતી માંગી અને તેને જ્યારે ખબર પડી કે તે સગાપરામાં સ્વજ્ઞાતિબાળ દામોદરભાઈ પ્રભાશંકર ત્રિવેદી છે એ અવાક્ બની ગયા. મારા જ્ઞાતિજનની વિદ્યા વ્યાસંગી થવા આ દશા? મનમાં એ વાતનો રંજ હંમેશા રહ્યા કરે ત્યારે હજુ આઝાદી આવી નહોતી. જ્ઞાતિના હિતચિંતક પાલીતાણા સ્ટેટમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા વૃજલાલભાઈ એ. દવે, મણીશંકર ભીમજીભાઈ, નાથાલાલ ટીમાણી, ત્રિભોવનભાઈ ત્રિવેદી, ડૉ. અનંતરાય વિગેરેને આ સમસ્યા વહેલી તકે દૂર કરવા આપ શું કરી શકો? કંઈક કરવું જોઈએ? મુંબઈના વેપારી ભાઈઓની રૂા.૨૧,000 ની શ્રી ભાનુભાઈ યુ. ત્રવાડી, શ્રી કાન્તિભાઈ, શ્રી ગૌરીશંકર પુરૂષોત્તમની દાતા તરીકે નામ શરત તરીકે માગણી ન સ્વીકારો તો વચલો માર્ગ કાઢો. એ માટે પાલીતાણામાં ભીડભંજન મહાદેવમાં સ્વ.શ્રી ગિરજાશંકર ગૌ. શાસ્ત્રી અને શ્રી હરગોવિંદભાઈના પ્રમુખસ્થાને વિચાર વિનિમય કરવા બેઠક બોલાવી જેમાં આસપાસના ગ્રામ્ય પ્રદેશમાં વસતા દરેક ગામના પ્રતિનિધિઓ હાજર રહ્યા. સંસ્થાનું બંધારણ ઘડાયું અને પાલીતાણા મધ્યે વિદ્યાર્થી ભવન શરૂ થયું. એ સમયે પાલીતાણા સ્ટેટ હતું. ભારતને હજુ આઝાદી મળવાની ઘડીઓ ગણાતી હતી. રાજયમાં બેંક મેનેજર, વહીવટદાર, ન્યાયખાતા, કેળવણી ખાતામાં આપણી જ્ઞાતિના વડીલો ઉચ્ચ હોદ્દેદાર હતા અને તે લોકોએ સારી સુવાસ જગાવેલ એટલે રાજયના દિવાન અને વહીવટકર્તાને આપણી જ્ઞાતિના વિદ્યાર્થીઓ પ્રત્યે હમદર્દી હતી. તેથી વડીલો વિદ્યાર્થીઓ આ સંસ્થા માટે નજરબાગ પાસે ત્રણસો ચોરસ ગજ જગ્યા ફક્ત રૂા.૨,૦૦૧ માં પ્રાપ્ત કરી શક્યા અને સુંદર ‘વિદ્યાર્થી ભવન’ કાર્યરત થયું. સ્વ. શ્રી વિદ્યારામ વસનજી દાદા આ અરસામાં નિવૃત્ત થઈ જ્ઞાતિસેવાનો ભેખ લઈ આ કાર્યમાં જોડાયા એટલે તો સોનામાં સુગંધ ભળી. ૧૯૪૭ પછી આઝાદી પ્રાપ્ત થતાં કેળવણીનો વ્યાપ વધ્યો. વિવિધલક્ષી શાળા, બુનિયાદી શાળા, ટેકનિકલ શિક્ષણ, કોમર્શિયલ શિક્ષણનો વ્યાપ વધ્યો અને આપણા કાર્યકર ભાઈઓ કેટલાક નિવૃત્ત થયા જે સ્વસ્થાને પુત્રો સાથે ગયા. બીજાઓ સરકારી નોકરી અંગે સ્થળ છોડી બહારગામ ગયા. એટલે વિદ્યા અને વિદ્યાર્થીથી ધમધમતા છાત્રાલયની પ્રવૃત્તિમાં ઝોક આવ્યો. અલબત્ત, સ્થાનિક કાર્યકરો સ્વ.બુલાખીદાસભાઈ, શ્રી ગુણવંતભાઈ (ભીખુભાઈ) ઘણા સક્રિય હતા. પણ જતે દહાડે આ પ્રવૃત્તિમાં ઝોક આવ્યો. આ થઈ પાલીતાણાની વાત.

આ દરમ્યાન ૧૯૪૭-૪૮ શૈક્ષણિક વર્ષમાં ભાવનગરના સ્થાનિક ભાઈઓએ મુંબઈના દાતાભાઈઓની વિનંતીને માન્ય રાખી. પ્રો. રતિલાલ જ. જાનીના પ્રમુખપણા નીચે ભીડભંજન પાસે ‘શ્રી હરિલાલ – પ્રતાપરાય વિદ્યાર્થી ભવન’ શરૂ થયું. જેમાં વીસેક છાત્રો માધ્યમિક શિક્ષણથી શરૂ કરી આયુર્વેદ, મહાશાળા, મોન્ટેસરી વિ. જુદી જુદી શાખામાં અભ્યાસ કરવા લાગ્યા. પ્રાણશંકર રે. ત્રિવેદી, અમૃતલાલ જે. ત્રિવેદી, લલ્લુભાઈ ભીમજીભાઈ જાની અને સદાશંકરભાઈ શુક્લના માર્ગદર્શન નીચે સંસ્થા ધમધમતી રહી. સ્વ. રતીલાલ (દાદા) એ કોઠારી તરીકે વર્ષો સુધી સેવા આપી. ત્યાર બાદ ભાવનગરમાં મુની ડેરી પાસે વહીવટકર્તાઓએ પ્લોટ ખરીદવાથી સંસ્થાનું સ્થળાંતર થયું. સંસ્થાને નિષ્ઠાવાન ગૃહપતિ તેમજ વિદ્યાર્થીઓ નહી મળતાં ૧૯૫૩ માં મકાન રહ્યું પણ પ્રવૃત્તિ અટકી પડી. જેથી વહીવટકર્તાઓએ લગભગ ૨,૫00 વારની જગ્યા ગોવિંદમુખીને વેચી મુંબઈ મંડળને રકમ જમા કરાવી. આમ બન્ને સંસ્થા નિષ્ઠાવાન વિદ્યાર્થી, કાર્યકર્તા અને ગૃહપતિના અભાવે સંસ્થાની પ્રવૃત્તિ લગભગ દોઢ બે દાયકા માટે બંધ રહી. પણ નિરાશામાં કોઈક અમર આશા છુપાયેલી એમ ભાવિના ગર્ભમાં કંઈ સારું સમાયેલું હશે. એટલે સ્વ. ડૉ. અનંતરાય વી. દવે ભાવનગર નગરપાલિકામાં સભ્ય તરીકે ચુંટાયા.

ત્યારથી જ તેમનામાં આવી વિદ્યાસંસ્થાની જે ઝંખના હતી તેણે પ્રેરણાના પિયુષ પાયા. નગરપાલિકાની સેવા કરતાં કરતાં, ભગિનીમંડળની પ્રગતિ કરતાં કરતાં મારી જ્ઞાતિની સંસ્થા ઊભી થાય એવી તમન્ના મનમાં રાખીને વિચાર્યા કરતા. ૧૯૬૦ પછીના દસકામાં (ભાવનગર) નગરપાલિકામાં ડૉ.દવે સ્ટેન્ડીંગ કમિટીમાં આવ્યા. એ દરમ્યાન બન્ને વિદ્યાર્થી ભવન સુષુપ્ત અવસ્થામાં હતા અને (ભાવનગર) નગરપાલિકા આવી જ્ઞાતિ સંસ્થાને કેળવણી વિષયક માટે જગ્યા ફાળવતી હતી. ૧૯૭૧ માં યુવક મંડળ ભાવનગરનું વાર્ષિક સંમેલન ભરાયું. ડૉ.સાહેબ હાજર હતા અને તેમણે વિચાર રજૂ કર્યો કે જો સંસ્થાના અમુક આજીવન સભ્યોની સંખ્યા હોય તો (ભાવનગર) નગરપાલિકા તરફથી વિનામૂલ્યે સરદાર નગરમાં વિદ્યાર્થી ભવન માટે જગ્યા મળે. પાલીતાણા વિદ્યાર્થી ભવનનું બંધારણ તેમજ સંસ્થાનું મકાન વ્યવસ્થિત હતા. તેમાં આજીવન સભ્યો એ સમારંભમાં નોંધાયા અને સોનામાં સુગંધ ભળી. આમ ડૉ.સાહેબ જ્ઞાતિ પ્રત્યેની શુભલાગણી અને પ્રયાસથી પ્લોટ નં.૨૦૮૫-એ (૧,૬૫૦ ચો.વાર) જગ્યા સંસ્થાને મળી.

આમ ૧૯૭૦ માં ભાવનગરમાં વિદ્યાર્થી ભવનને નગરપાલિકા તરફથી જમીન મળતાં જ્ઞાતિબંધુઓમાં વર્ગવિગ્રહ નહી પણ વર્ગમેળની વૃત્તિ જાગૃત થઈ. મુંબઈમાં વસતા આપણા જ્ઞાતિબંધુઓને અને મંડળને પરિસ્થિતિની જાણ કરી. સ્વ.પોપટદાદા શેરથીયાને ત્યાં જ્ઞાતિના કેળવણી અને સુધારામાં રસ લેતા ભાઈઓની એક બેઠક રાખી. જ્ઞાતિનો, જ્ઞાતિના બાળકોનો સાર્વત્રિક વિકાસ કરવા વિચાર વિનિમય કરવામાં આવ્યો અને સર્વાનુમતે ડૉ.ભાઈ, શ્રી ત્રિભોવનભાઈ, પ્રો.જાની સાહેબ, હિંમતભાઈ જાની, જસવંતરાય રાવળ વિગેરેને કાર્ય સોંપવામાં આવ્યું.

મુંબઈ વસતા જ્ઞાતિબંધુઓ તથા ભાવનગરના સ્થાનિક કાર્યકરોને આ વિચારે કાર્યમાં વેગ આપ્યો. અને ભાવનગરમાં ૧૯૮૫ માં વિદ્યાર્થી ભવનના મકાનનું શ્રી નંદલાલભાઈ દવેએ ભૂમિપૂજન કર્યું અને મકાનનું કામકાજ શરૂ થયું. ભાવનગરમાં વસતી અનેક જ્ઞાતિઓને વિદ્યાર્થી ભવન કરવા માટે જગ્યા મળી પણ મા મોઢેશ્વરીની કૃપાથી આપણું વિદ્યાર્થી ભવન શિરમોર (પ્રથમ) રહ્યું. શ્રી મોહનભાઈ રે. ત્રિવેદીએ વાસ્તુપૂજન કર્યું તે દહાડે ભાવનગર જ્ઞાતિએ યજમાન બની સમગ્ર જ્ઞાતિનું સમૂહ ભોજન યોજી વિદ્યાર્થી ભવનના પુનરૂત્થાનનો દિવસ યાદગાર બનાવ્યો.

૧૯૭૧ માં ૧૩ વિદ્યાર્થીઓથી શરૂ થયેલ. આજે લગભગ ૩૫ વિદ્યાર્થીઓ સંસ્થાનો લાભ લે છે. આમ ૧૯૮૦ આવતાં સંસ્થાએ દશ વર્ષ પૂરા કરતાં દશક મહોત્સવ ઉજવ્યો. જેનો ઉલ્લેખ અગાઉ વાર્ષિક રીપોર્ટમાં પ્રગટ થયો છે તેમાં છે. આ દરમ્યાન કન્યા કેળવણીનો વ્યાપ વધવા લાગ્યો. સંસ્થા અન્ય કન્યા છાત્રાલયોમાં અભ્યાસ કરતી બહેનોને ૨૦-૨૫ બહેનોને શિષ્યવૃત્તિ સંસ્થા તરફથી આપી સુવિધા કરવામાં આવતી. પણ કન્યા કેળવણીનો વ્યાપ વધતા આપણું પોતાનું કન્યા છાત્રાલય હોવું જોઈએ એ વિચાર વ્યાપક બન્યો. જેમાં સ્વ.પૂ.ગિરનારી બાપુ એ ૨૦-૪-૧૯૮૬ ના રોજ પૂ.મોરારી બાપુના નિમંત્રણથી તલગાજરડા જતાં વચમાં સંસ્થાની મુલાકાત લીધી ત્યારે ‘કન્યા છાત્રાલય’ ની અગત્ય સમજાવી. જ્ઞાતિના બહેનોનું વિદ્યાધ્યયન વધારવા બાપુના શુભાશીર્વાદ માગ્યા. પછી તો ‘સહુ ચલો જંગ જીતવા બ્યુગલો વાગે’ એમ સૌ કાર્યકર ભાઈઓ આ પ્રવૃત્તિમાં તન-મનથી સેવા આપવા લાગ્યા અને કૃષ્ણકુમારસિંહજી એવન્યુ પાસે સુવિધાવાળું પ્લોટ નં.૭૬૬-બી નું મકાન ખરીદી ડૉ.કનકબેનના હસ્તે ૧-૧૧-૧૯૮૭ થી કન્યા છાત્રાલય આપણું પોતાનું શરૂ કર્યું. આજે દસ વર્ષ થયા. કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરીને તૈયાર થયેલ બહેનો આજે ઉચ્ચ પદવીએ બિરાજમાન છે. જેનું સંસ્થા ગૌરવ અનુભવે છે. આજ સુધીમાં લગભગ ૩૦૦ (ત્રણસો) બહેનોએ કન્યા છાત્રાલયમાં શિક્ષણ લઈ ઉત્તમ ગૃહિણી બની ‘યત્ર નાર્યાસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા’ નું સૂત્ર સાર્થક કર્યું છે.

સમાજની રુચિ અને મૂલ્યાંકનો ફરે તેને અનુકૂળ રહેવું એ માનવ ધર્મ. આજકાલ શિક્ષણ ક્ષેત્રે ટેકનિકલ, એન્જિનિયરીંગ, કોમ્યુટર શિક્ષણની માંગ વધી છે. સંસ્થાએ આ બાબતની સગવડતા વિદ્યાર્થીઓને મળે એ માટે સામાન્ય સભાએ ‘સુવર્ણ જયંતિ મહોત્સવ’ ઉજવી અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, ગારીયાધાર, મહુવા, દામનગર, પાલીતાણા વિ. સ્થળે જઈ આ અભિગમ સમજાવવા કારોબારીના સભ્યોને આદેશ આપ્યો. કાર્યકર ભાઈઓ સ્વખર્ચે ઉપરના સ્થળોએ સુખી ગૃહસ્થો અને સુજ્ઞ જ્ઞાતિબંધુઓને મળ્યા છે અને ‘ધર્મસ્ય ત્વરિતા ગતિઃ’ કેટલાક કાર્યોમાં ઢીલ ન પાલવે એમ પ્રતિસાદ સર્વત્ર મળ્યો છે અને અમારું સુખદ સ્વપ્ન સાકાર કરવામાં આપ સૌ જે લાગણી બતાવો છો ને હસીને હોંકારો આપો છો એથી અનહદ આનંદ થાય છે.

આ સંસ્થા જેની નસનસમાં વહી રહી હતી તે સ્વ.ડૉ.અનંતરાય ભાઈના સ્ટેચ્યુની અનાવરણ વિધી વ.મુ. શ્રી ડૉ.ધીરજભાઈ યાજ્ઞિકને હસ્તે થઈ રહી છે તે સોનામાં સુગંધ ભળે તેવો પ્રસંગ સાથે છે તેથી વિશેષ આનંદ છે.

સંસ્થા વિકસતી જાય છે. કામ વધતું જાય છે. જ્ઞાતિમાં ઘણાખરા યુવાનોમાં કાર્યશક્તિ છે. તેઓ આવું સંસ્થાના સાચા દિલના સેવકો બની સંસ્થાનો કાર્યબોજ વહેંચી લે એ અપેક્ષા સહ … સંસ્થાનો પરિચય પૂરો કરું છું.

(૧૯૯૭ માં ભાવનગર વિદ્યાર્થી ભવન ના ‘સુવર્ણ જયંતિ મહોત્સવ’ નિમીત્તે પ્રકાશિત લેખ)