રાજગોર સમવાય
આ જ્ઞાતિના રાજગોર અટક ધરાવનારા બ્રાહ્મણો ગોહિલ ક્ષત્રિયોના પુરોહિત છે, તેના કારણે સમગ્ર જ્ઞાતિ રાજગોર જ્ઞાતિ તરીકે ઓળખાય છે. સમગ્ર જ્ઞાતિ પૈકી ૬૦ ટકા કુટુંબો કૌશિક ગોત્રી રાજગોર અટકના છે. તેઓ ગોહિલેા સાથે ખેરગઢથી સેજકજીના વખતમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોવાનુ કહેવાય છે. અગાઉ ગોહિલેાના કુળ પુરોહિત અન્ય હતા પણ સેજકજી વિજયપ્રસ્થાન કરવા જતા હતા ત્યારે એક હોલેા તેમના ભાલા ઉપર બેઠો. આ અપશુકનને કારણે તે પાછા વળ્યા અને દરબાર ભરીને આ અપશુકન દૂર કરવાની વિધિ તેના પુરોહિતને પૂછી પણ તે પુરોહિતને આ વિધિનું જ્ઞાન નહોતું. આથી સોમૈયા ત્રવાડી નામના વિદ્વાને હોલિકાવિધાન કરાવવાનું બીડું ઝડપ્યું અને હોલાને ઠેઠ મૈસુરમાંથી પકડીને તેને યજ્ઞમાં હોમી, જીવતો કરી પાછો ઉડાડી મૂકયો. આમ હોલિકાવિધાનની સફળતાથી આકર્ષાઈને રાજાએ તેમને પુરોહિત પદ આપ્યું. મૂળ રાજગોર બ્રાહ્મણો સામવેદી હતા પણ રાજાના કારણે તેમણે શુકલ યજુર્વેદ અપનાવ્યો. આ વિગત બારોટના ચોપડા ઉપરથી પ્રાપ્ત થઈ છે.
આ સમવાયના શિહેાર, દીહેાર, નાથાણી અને સાતભાયા એમ ચાર તડો છે. નાથાલાલના વંશજો ઉપરથી નાથાણી તડ થયું. સાતભાઈઓના વંશજો તે સાતભાયાના તડ તરીકે ઓળખાય છે. આ બે તડના મોટાભાગના લોકો પાલીતાણા અને આસપાસના ગામડાંમાં વસે છે. શિહેાર, ભાવનગર, વળા, લાઠી શહેરો અને આ તાલુકાના ગામડાઓમાં શિહેાર તડના બ્રાહ્મણો વસે છે. તળાજા નજીક દીહેાર અને તેના નજીકના ગામોમાં દીહેાર તડના લોકો વસે છે. કુલ ૧૦૫ ગામેા છે, જેમાં તેમની વસ્તી છે. લાઠી, પાલીતાણા, ભાવનગર અને વળા ગોહિલ ક્ષત્રિયોના રાજ્યો હોવાથી આ શહેરોમાં તેમની વસ્તી ઘણી છે. આ ઉપરાંત ગોહિલ ગરાશીઆઓના ગામેામાં પણ તેઓનો છૂટાછવાયો વસવાટ છે. મોટાભાગના રાજગોર અટકવાળા બ્રાહ્મણોને ગરાસમાં જમીન મળેલી હતી. ભાવનગર–તળાજા રેલવે લાઇન ઉપર આવેલ તણસા પાસેનું વાવડી આખું ગામ ભાવનગરના રાજગોરોનું હતું. તે ઉપરાંત શિહેારમાં પણ ઘણા રાજગોર કુટુંબોને વંશપરપરાથી મળેલ ગરાસ હતા. રાજગોર સિવાયના બીજા ઉપાધ્યાય, વગેરે કુટુંબો પાસે પણ સારા પ્રમાણમાં જમીન હતી. વિદ્યા કરતાં ક્ષાત્રવૃત્તિ માટે આ જ્ઞાતિ વધારે જાણીતી હતી. ચિતળની કાઠીઓ સામેની લડાઈમાં શિહેારના ગગલ રાજગોરે ભાગ લીધો હતો અને ડોસા દવે, એક નાગર ગૃહસ્થ અને ગગલ રાજગોરે તોપોમાં ખીલા ઠોકીને તોપો ચુપ કરી દઈને આતાભાઈ ઊર્ફે વખતસિંહજીને વિજય અપાવ્યેા હતો. શિહેારના જૂના રાજ મહેલમાં તે યુગનું ચિત્ર હાલ પણ છે. તેની પ્રતિકૃતિ ભાવસિંહજીએ ગંજીફાના પાના ઉપર ચિતરાવી હતી અને તે પાનાં સુરતના સંગ્રહસ્થાનમાં તથા ભાવનગરના ગાંધીસ્મૃતિ સંગ્રહસ્થાનમાં છે. આ જ્ઞાતિના ભાવનગરના ભટ કુટુંબની એક વ્યક્તિ સ્વામીનારાયણ સંપ્રદાયના સંસ્થાપકના નજીકના અંતેવાસી હતા. રતનજી રાજગોર પાલીતાણાના પ્રસિદ્ધ સેનાની હતા. દામાજી પહેલાના તે દામનગરના સુબા હતા.
આખા સમવાયમાં ૬૫૦ ઘરો ૧૯૪૭માં હતા. તેની વસ્તી આશરે ૩,૫૦૦ હતી. હાલ આ સંખ્યા વધીને ૮,૦૦૦ જેટલી છે. આ જ્ઞાતિની બોર્ડિંગ ૧૯૪૪માં અસ્તિત્વમાં આવી છે. ૬૫૦ ઘરો પૈકી શિહેારમાં ૫૦, ભાવનગરમાં ૧૦૦, ગારિયાધારમાં ૧૦, પાલીતાણામાં ૧૬૦, લાઠીમાં ૧૦, મહુવામાં ૮ અને વળામાં ૧૫ ઘરો આવેલાં છે. લગભગ ૪૨૫ ઘરો શહેરોમાં આવેલાં છે. બાકીની વસ્તી છૂટીછવાઇ છે. ૨૨૫ ઘરો ૯૮ ગામોમાં આવેલાં છે. હાલ શિહેારમાં મૂળ ૧૫૦ ઘરો હતા ત્યાં ૫૦ ઘરો છે. ભાવનગરમાં ૨૫૦–૩૦૦ ઘરો છે. તળાજામાં ૧૦ ઘરો છે. રાજકોટમાં ૨૫–૩૦ ઘરો છે. લાઠી અને વળામાં ઘરો ઓછા થયા છે. ત્યાં ૫–૧૦ ઘરો છે. અમદાવાદમાં ૭૦ કુટુંબો વસે છે. મુંબઈમાં ૫૦ કુટુંબો વસે છે. કપડવંજ, વડોદરા, સુરત, નડિયાદ, આણંદ, બાવળા, મોઢેરા, જૂનાગઢ, સુરેન્દ્રનગર, સાયલા, લીમડી, મુઝફ્ફરનગર (ઉત્તરપ્રદેશ), યેવતમલ, નાશિક વગેરે સ્થળોમાં છૂટાછવાયા ૧–૧૦ કુટુંબો વસે છે. વડોદરામાં પંદરેક કુટુંબો હાલ વસે છે. પૂર્વ આફ્રિકા અને અમેરિકામાં પણ બેએક કુટુંબો વસે છે. આઝાદી બાદ આ જ્ઞાતિમાં શિક્ષણનો ફેલાવો ખૂબ થયો છે.
છઠ્ઠી, અન્નપ્રાશન, નામકરણ અને ચૌલકાર્ય (બાબરી ઉતરાવવી) વગેરે ક્રિયાઓ અન્ય બ્રાહ્મણ જ્ઞાતિને મળતી છે. ૭–૧૧ વર્ષ દરમ્યાન મોટેભાગે જનોઈ અપાય છે. હાલ મોટી ઉંમરે કયારેક જનોઈ અપાય છે. જનોઈનો માંડવો ત્રણ દિવસ અગાઉ નખાતો હતો. પહેલે દિવસે મંડપ વિધિ તથા રાંદલ તેડવાની વિધિ થતી. બીજે દિવસે સંસ્કાર અને વૃદ્ધિશ્રાધ વગેરે વિધિ થતી. ત્રીજે દિવસે બડવો દોડાવતો અને આ વિધિ પૂર્ણ થતી. મોસાળપક્ષ બટુક માટેના કપડાં, કંદોરો, વીટી, કડુ, પહેાંચી વગેરે ઘરેણું યથાશક્તિ આપતો. બટુકના માતા પિતાને સાડી પોલકું અને પાઘડી, (રોકડા રૂ. ૫–૧૧/-) અપાતાં હતાં. ગોરને દક્ષિણાના રૂ.૭/- આપવાના નક્કી થયા હતા.
વેવિશાળ પ્રસંગે લખાણ થતું. તેમાં હાજર રહેલા વડીલો સાક્ષી તરીકે સહી કરતા ને કન્યાપક્ષ અને વરપક્ષ વેવિશાળની વિગતો લખતાં. અગાઉ જ્યારે કન્યાવિક્રયની પ્રથા થોડા અંશે હતી ત્યારે દેશની રકમ લખાતી. સાટાની પ્રથા હતી. હાલ આ બંને કુરુઢિઓ અસ્તિત્વમાં નથી. કન્યાપક્ષ રૂ.૨૦૧–૩૦૧/- સામાન્ય રીતે લેતો, જ્યારે બીજવર હોય તો વરપક્ષ રૂ. ૪૦૧–૫૦૧/- સુધી આપતો. હાલ ગરીબ માણસો પણ કંકુ અને કન્યા આપે છે. અગાઉ રૂ.૧૫૧/- નુ ઘરેણું તથા રૂ.૫૧/- નુ વરણું લેવાતું હતું. વરણામાં એક જોડી ભારે કપડાં અને બાકીની સાદી સાડીઓ લેવાતી હતી. કન્યાપક્ષ કન્યાદાનમાં ડોકિયું કે દોરો, ચુડી, કાનની બુટી, છડા ને ચુની આપતા. કન્યાનું સફેદ રેશમી પાનેતર લેવાતું હતું. જમણવાર ત્રણ ટંક પૂરતો મર્યાદિત હતો. વરપક્ષ પણ સધ્ધર હોય તો આ ઉપરાંત વરોંઠીનું જમણ થતું. કન્યાપક્ષ કયારેક હરખ જમણ પણ આપતો હતો. સામાન્ય રીતે સાંજે જાન આવે, સામૈયું થાય, ને રાત્રે હસ્તમેળાપ વગેરે લગ્ન વિધિ થાય છે. બીજે દિવસે ચોરી કંસાર ભક્ષણ વગેરે વિધિ થતી. બીજે દિવસે સવારના ગાંઠિયા, ગોળપાપડી, કળીના લાડુ વગેરેની કોરડ અપાતી. ક્યાંક દાળભાત કે ખીચડી શાક પણ આપતાં પણ તે જવલ્લેજ. સાંજે પહેરામણી બાદ ઉત્તર અપાતો અને સાંજના જમણુ બાદ વરપક્ષ વિદાય લેતો. ત્રણ ટંકને બદલે બે ટંક ને હાલ એક ટંક જાનને રાખવામાં આવે છે. અગાઉ ગાડાં જોડીને જાન જતી ત્યારે ૫૦ માણસો જાનમાં જતાં. સ્થાનિક લગ્ન હોય તો ૭૦–૧૦૦ સુધી સંખ્યા થતી. હાલ ૩૦–૫૦ માણસો જાનમાં આવે છે. વરપક્ષ કન્યાને ત્રણથી પાંચ તોલા સોનાનાં દાગીના, ઝાંઝર, છડાં વગેરે ઘરેણું આપતો હતો જ્યારે કન્યાપક્ષ એક તોલાથી બે–ત્રણ તોલા સુધી ઘરેણું આપતો હતો. અગાઉ નાની ઉંમરે લગ્ન થતાં ત્યારે દીવાળીએ આણું થતું ત્યારે ૧૧–૨૧ જોડી કપડાં આપતાં. આ પૈકી ૫–૧૦ સાડીઓ સારી અને બીજી મધ્યમ પ્રકારની અપાતી. પોલકાં ૨૫ ને ચણીયાં ૧૫ અપાતા હતાં. હાલ સંખ્યાનું પ્રમાણ કન્યાપક્ષની શકિત મુજબ રહે છે. વસ્ત્રો ઉપરાંત ઘર ઉપયોગી વાસણો, ગાદલું, ચાદર, ઓશીકું વગેરે આપે છે. સીમંત વિધિ હાલ સાદાઈથી થાય છે. અગાઉ ૧૦–૧૫ માણસો પિયરપક્ષના આવતાં. હાલ ચાર પાંચ માણસો આવે છે ને બેઠો ખોળો ભરાય છે. દશા ને અગ્યારમાના દિવસે ઘરના કુટુંબના માણસો સાથે જમે છે. બારમા અને તેરમાના દિવસે વ્યવહાર પૂરતો જમણવાર થાય છે. રોવા કકળવાનો રીવાજ લગભગ બંધ પડી ગયો છે. ગરૂડપુરાણ અને ગીતાજીનું વાંચન થાય છે.
આ જ્ઞાતિમાં ઘણા લોકોને યજમાનો તરફથી જમીન મળેલી હોય તે મોટે ભાગે ખેતી અને યજમાનવૃત્તિ કરતા હતા. તેમનું પ્રમાણ ૭૦–૮૦ ટકા જેટલું હતું. બાકીના રસોઈયા કે શિક્ષક કે તલાટી તથા સરકારી નોકરી કરતા હતા. વેપાર ઉદ્યોગમાં ભાગ્યે જ એકાદ બે કુટુંબો સ્થિર થયા હશે. ગોહિલ ગરાસિયાના રાજગોરો ગોર તરીકે કામ કરે છે. બીજી અટકના આ સમવાયના બ્રાહ્મણો, પટેલો, ભાટ, ચારણ વગેરેનું ગોરપદું કરે છે. ઋણ રાહત, ગણોતધારા વગેરેને કારણે ખેતી કરનારનું પ્રમાણુ હાલ પાંચ ટકા હશે. યજમાનવૃત્તિ કરનાર ૧૦ ટકા હશે. ૭૫–૮૦ ટકા લોકો રેલવે, બેંક, શિક્ષણખાતું, સરકારીખાતું, મહેસુલખાતું વગેરેમાં નોકરી કરે છે. ૧૯૪૪ પછી શિક્ષણનો ફેલાવો થતાં મોટા ભાગના શિક્ષિતો પાલીતાણા અને લાઠી જેવા નાના રાજ્યોમાં વિવિધ ખાતાઓમાં તથા શિક્ષક, તલાટી, પટાવાળા તરીકે નોકરી કરતા હતા. પાલીતાણા રાજ્યમાં ઘણા ઉચ્ચ હોદ્દા ઉપર હતા. હાલ વેપાર–ધંધામાં પણ છે. જ્ઞાતિના યુવાનો સાહસિક, ખડતલ ને સ્વમાની છે અને ભૂતકાળનો તેમનો ક્ષાત્રવૃત્તિનો વારસો સાવ ભુંસાઈ ગયો નથી. શિક્ષણનું પ્રમાણ અગાઉ ઓછું હતું. લખવા–વાંચવા પૂરતું ભણતા હતા. સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું હતું. ૧૯૪૪ પછી માધ્યમિક શાળાઓની સંખ્યા વધતા અને ગામડાઓમાં આર્થિક ભીંસ અનુભવતા હોવાથી શહેરો તરફ લોકોના પ્રવાહ વધ્યો છે અને શિક્ષણ બધી કક્ષાએ વધ્યું છે. જ્ઞાતિમાં શિક્ષકો ઉપરાંત ડોક્ટરો, ઈજનેરો, સરકારી અધિકારીઓની સંખ્યા વધતી જાય છે. જ્યોતિષ અને કર્મકાંડ તરફ બહુ જ થોડા લોકોએ પહેલેથી જ જમીન હોવાથી લક્ષ ઓછું આપ્યું છે. અત્યારે પણ વિદ્વાન કર્મકાંડી કે જ્યોતિષી આંગળીને વેઢે ગણી શકાય તેટલા પણ નથી. પતિ અને પત્ની બંને પ્રાથમિક શિક્ષકો તરીકે કામ કરનાર ઘણા હોવાથી બીજી પેઢી ઘણી સુશિક્ષિત અને આર્થિક રીતે સુખી છે.
આ જ્ઞાતિમાં કુશકુશ, (કુશિકસ), વશિષ્ઠ, પારાશર, ઔતિથ્ય, જાતુકર્ણ્ય, ભારદ્વાજ, વત્સ (વચ્છસ), કૌશિક, ધરણસ, છોંદલસ અને શાંડિલ્ય ગોત્રના મોઢ બ્રાહ્મણો છે. ત્રિવેદી સામવેદી છે બાકીના બધા શુકલ યજુર્વેદની માધ્યન્દિની શાખાના છે. સામવેદની કૌથમી શાખા છે. ગોત્રો પૈકી વત્સ ગોત્રના પંચપ્રવરી છે. બીજા બધા ત્રિપ્રવરી છે. આ સમવાયમાં રાજગોર, ત્રિવેદી, મહેતા, દવે, પંડયા, જાની, જોશી, ભટ્ટ, પુરોહિત, શુકલ, ઉપાધ્યાય વગેરે અટકો છે. ઉપાધ્યાય કપુરિયા અને આણંદિયા બે પ્રકારના છે. તે વસવાટનું મૂળ ગામ સૂચવે છે. ત્રવાડી પૈકી ચંદમાણીઆ, બડેલા અને રૂપેરા મહેસાણા જિલ્લાના ચંદ્રમાણા, બલોલ અને રૂપપુર ગામોના તેમના મૂળ વસવાટનો સૂચન કરે છે. ભટ્ટ ગોધરીઆ કહેવાય છે જે ગોધરાથી તે આવ્યા હોય તેમ સૂચવે છે. જાની તથા અગ્નિહોત્રી કુટુંબ અન્ય બ્રાહ્મણ જ્ઞાતિમાંથી આવ્યાં હોવાનું સૂચવે છે. દવે બગોદરીઆ અમદાવાદ જિલ્લાના બગોદર ગામનો તેમનો મૂળ વસવાટ સૂચવે છે. અગ્નિહેાત્રીનું એક કુટુંબ સુરતથી આવ્યું હોવાનુ કહેવાય છે. આ કુટુંબમાં હાલ કોઈ જીવંત નથી. રાજગોર અને પુરોહિત એક જ ગોત્રના છે. રાજગુરુ અટક હાલ ઘણા લખાવે છે.
જેઠીમલ
યુદ્ધવીર અને મલ્લ વિદ્યાને ધંધા તરીકે સ્વીકારનાર મોઢ બ્રાહ્મણો કચ્છ અને મહેસાણા જિલ્લાનાં દેનમાલ ગામમાં વસે છે. ગુજરાતમાંથી કેટલાકે કર્ણાટક, આંધ્રપ્રદેશ અને દ્રાવિડ દેશમાં જઈને મલ્લ વિદ્યામાં ગુજરાતનો ડંકો વગાડ્યો હતો. રાજસ્થાનમાં ઉદેપુર અને બુંદીકોટામાં તેમની વસ્તી છે. બ્રહ્માંડપુરાણમાં જણાવ્યા પ્રમાણે તેમનો મૂળ પુરૂષ દેવમલ્લ હતો અને તેણે (મહાદેવ પાસેથી કોઈ દેવ વડે કે શસ્ત્રથી તેનો પરાભવ ન થાય તેવું વરદાન મેળવનાર) વજ્રદંત અસુરનો નિબંજા માતાની કૃપાથી વધ કરીને દૈત્યોના ત્રાસનું નિવારણ કર્યું હતું. દેવમલ્લ ને મલ્લવિદ્યા, મુષ્ટિયુદ્ધ, ધનુર્વિદ્યા વગેરેના પ્રચારનું કામ સોંપ્યું હતું. દેવમલ્લે વજ્રમુષ્ટિ નામનું હથિયાર બનાવી દૈત્યનો નાશ કર્યો હતો એવી નોંધ મૈસુરના ‘ટ્રાઈબ્સ અને કાસ્ટસ/Tribes & Castes’ ભા.ક.માં છે. જેઠીમલોના પૂર્વજો અગ્નિહોત્રી હતા. મોઢેરા પાસે તળાવમાં સ્નાન કરનાર પાસેથી તે કર ઉઘરાવતા હતા. ત્રેતાયુગમાં રામ ધર્મારણ્યમાં આવ્યા ત્યારે તેમણે મોઢ બ્રાહ્મણોને એક મણિ આપ્યો હતો. તેમાંથી સવાવાલ સોનું મળતું હતું. દરેક ગોત્રમાં વારાફરતી મણિ રહેતો હતો. એક ગોત્રના બે ભાઈએ કલહ થતાં મણિના બે ટુકડા કર્યાં અને તેથી તેની સોનું આપવાની શક્તિ લુપ્ત થઈ. પરિણામે ગુરૂએ મલ્લકુસ્તી દ્વારા આજીવિકા મેળવશો એવા શ્રાપ આપ્યો. સોમેશ્વર નામના બ્રાહ્મણે બળદેવને દ્વારકા જતાં કૃષ્ણના ઉપદેશથી મલ્લવિદ્યા પ્રાપ્ત કરીને હાર આપી હતી. ત્યારથી તેઓ અગ્નિહોત્રી મટી ગયા હતા. મુસ્લિમ શાસનકાળ દરમ્યાન કચ્છ, સૌરાષ્ટ્ર, રાજસ્થાન અને દક્ષિણમાં વિદ્યા તથા કાસદનું કામ કરતા હતા. અકબરના વખતમાં દેનમાલના લાખાજીએ પ્રાણના ભોગે જબરજસ્ત લીમડાના ઝાડને બાહુબળથી ઉખાડી નાખ્યું હતુ અને તેના પહેલવાનોને હરાવ્યા હતા. સંવત ૧૪૧૭માં ‘હંસાઉલી’ માં અસાઈતે માલ મલ્લા અને જેઠી શબ્દનો પ્રયોગ કર્યો છે. કેશવદાસ કાયસ્થે સંવત ૧૫૨૯માં શ્રીકૃષ્ણલીલામાં જેઠીનો અનેકવાર ઉલ્લેખ કર્યાં છે. ભીમે ‘હરિલીલા ષોડશકલા’ માં મલ્લ અને જેઠીનો પ્રયોગ કર્યો છે. સોળમા સૈકામાં થયેલ નાકરે પણ તેમનો ઉલ્લેખ કર્યો છે. આમ ચૌદમી સદીથી તેઓ જાણીતા છે.
કુલ તેમની વસ્તી શ્રી સાંડેસરાએ ૧,૨૦૦ જણાવી છે. તેમનાં દેલમાલમાં ૬૦, વડોદરામાં ૧૦, જામનગરમાં ૧૦, ભૂજમાં ૬૦, ઉદેપુરમાં ૧૫, બુંદીકોટામાં ૫૦ અને બીજા ગામેામાં ૪૫ એમ આશરે ૨૫૦ ઘરો આવેલાં છે. અગાઉ જનોઈ અપાતી હતી. હાલ લગ્ન પ્રસંગે આ વિધિ સાથે થાય છે. વરઘોડો લીંબજા કે નિમ્બજાને પગે લાગીને નીકળે છે. સાથે ગદાનુ પ્રતીક રાખે છે. દશેરાના દિવસે વડોદરામાં જેઠીમલોની કુસ્તી થતી હતી. મહારાજા ખંડેરાવે તેમને દક્ષિણમાંથી લાવીને પ્રોત્સાહન આપ્યું હતું.
સમગ્ર રીતે જોતાં તળ ગુજરાતના અમદાવાદ, કપડવંજ, વાડાસિનોર, સુરત, નવસારી, વલસાડ, તથા ચરોતરના મોઢ બ્રાહ્મણો શિક્ષણમાં આગળ છે અને આર્થિક રીતે સુખી છે. ગ્રામ વિસ્તારોમાં આવેલા લોકો આર્થિક અને સામાજિક રીતે પછાત છે. વઢિયાર અને દાવોત્તર વિભાગનાં મોઢ બ્રાહ્મણો શિક્ષણમાં અને આર્થિક રીતે પછાત હતા. હવે તેમની સ્થિતિ સુધરી છે.
હાલારી મોઢ
આ મોઢ બ્રાહ્મણોની વસ્તી ૪૩ ગામોમાં વસે છે. તેમના છ તડ છે એવો પુરૂષોત્તમ ત્રિવેદીએ તેના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે. રાજકોટ અને જામનગર એ આ જ્ઞાતિના મુખ્ય મથકો છે. તેમનાં કુલ ૨૫૩ ઘરો ૧૯૪૭માં હતા અને તેની વસ્તી ૧,૨૦૦ માણસોની હતી. રાજકોટમાં તેમનાં ૪૦, પડઘરીમાં ૧૭, જામનગરમાં ૨૦, ધ્રોળમાં ૨૦, મોરબીમાં ૬, ભાયાવદરમાં ૧૨, સુપેડીમાં ૧૨, સાજીયાવદરમાં ૫, ખીજડિયા (ધ્રોળ) ૧૨ અને લાઠીમાં ૩ ઘરો હતાં. બીજા ગામોમાં ૧–૫ ઘરો આવેલાં છે. આ જ્ઞાતિના આફ્રિકા, ઇંગ્લેન્ડ તથા અમેરિકામાં ૨૦–૨૫ કુટુંબો છે. આ સમવાયને રાજગોર સમવાય સાથે મર્યાદિત પ્રમાણમાં બેટી વ્યવહાર ચાલુ છે. આ જ્ઞાતિમાં વજુભાઈ શુકલ જેવા ઉદ્દામવાદી કાર્યકર અને રેવાશંકર શાસ્ત્રી જેવા સામવેદના જ્ઞાતા થઇ ગયા. જામનગર અને રાજકોટ જિલ્લામાં આ જ્ઞાતિના ઘરો આવેલાં છે. કેટલાક અમદાવાદ, મુંબઈ, મહેસાણા, વડોદરા વગેરે સ્થળોએ વસેલા છે.
ભારદ્વાજ, વત્સ (વચ્છસ), કૌશિક અને કુશિકસ એમ તેમનાં ચાર ગોત્રો છે. વત્સગોત્રીઓ પંચપ્રવરી છે, જ્યારે બીજા ત્રિપ્રવરી છે. ત્રિવેદી સિવાય અન્ય અટકવાળા શુકલ યજુર્વેદની માધ્યન્દિની શાખાના છે. ત્રિવેદી (બટેલા) સામવેદની કૌથમી શાખાના છે. તેમનામાં ત્રિવેદી, જાની, શુકલ, ભટ, ઉપાધ્યાય, માવાણી અને શ્રીનાણી જેવી અટકો છે. માવજીના પુત્ર અને વંશજોની અટક માવાણી પડી હશે. શ્રીનાણી અટક વિષે કોઇ હકીકત મળતી નથી.
મોઢ અગિયાસણા
આ વિભાગનો ધર્મારણ્યખંડમાં છ પ્રકારના મોઢ બ્રાહ્મણો પૈકી સમાવેશ કરાયો છે. મોઢેરાના બ્રાહ્મણોમાંથી અગિયાર બ્રાહ્મણોની એક ટુકડી ગુજરાતના ચરોતર વિભાગમાં આવીને વસી તેથી તે મોઢ અગિયાસણા કહેવાયા. કેટલાક બ્રાહ્મણો સૌરાષ્ટ્રમાં અને દક્ષિણમાં સુરતમાં જઈને વસ્યા છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના અગિયાસણા મોઢ બ્રાહ્મણો વચ્ચે બેટી વ્યવહાર નથી. ‘ચરોતર સર્વસંગ્રહ’માં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં તેમની વસ્તી પાંચસો ઘરની છે. નડિયાદ, પીપળાવમાં તેમની ઘણી વસ્તી છે. આ ઉપરાંત ગોઠડા, સાવલી, ગૌરવા, સંજાયા વગેરેમાં પણ તેમની થોડી વસ્તી છે. તેમના વચ્છસ, જાતુકર્ણ્ય, કૌશિક, કશ્યપ વગેરે ગોત્રો છે. શૈવ, વૈષ્ણવ અને સ્વામીનારાયણ સંપ્રદાયના તેઓ અનુયાયી છે. તેમના ઈષ્ટદેવ ડાકોરના રણછોડરાય અને ચાણોદ કરનાળીમાં કુબેરભંડારી છે. મુખ્ય ધંધો યજમાનવૃત્તિનો છે. શિક્ષણખાતું, નોકરી, વેપાર–ધંધામાં કેટલાક લોકો છે. પુરૂષોત્તમ ત્રિવેદીના મતે તેમની સંખ્યા ફક્ત ૩૫૦ હતી.
સૌરાષ્ટ્રમાં અગિયાસણા મોઢના ૩૦૦ ઘરો ૧૯૪૭માં હતા અને તેની વસ્તી આશરે ૧,૫૦૦ માણસોની હતી. શિહેારમાં ૫૦, ભાવનગરમાં ૬૦, ધારૂકામાં ૨૦, બજુડમાં ૨૯, નારીમાં ૩૦, કરદેજમાં ૨ અને શિહેાર પાસેના પાલડીમાં તેમના ૧૫ ઘરો હતાં. ભાવનગરમાં સુખડિયા તરીકે જોશી કુટુંબ આગળ પડતું છે. ગામડાઓમાં તે યજમાનવૃત્તિ અને પરચુરણ વેપાર કરે છે. શિક્ષણનું પ્રમાણુ વધતાં કેટલાક શિક્ષકો અને પોલીસ તરીકે નોકરી કરે છે. આર્થિક સ્થિતિ સામાન્ય છે. મુખ્યત્વે ગામડાઓમાં વસવાટને કારણે શિક્ષણનું પ્રમાણ ઓછું હતું.
મચ્છુકાંઠિયા મોઢ
આ સમવાય સૌરાષ્ટ્રમાં સૌથી મોટો છે. તે જ્ઞાતિના ચાર તડો છે. ચારે વિભાગનું અલગ બંધારણ હતુ અને તેના તડવાર અલગ પટેલેા પણ હતા. ઝાલાવાડ, લીમડી, ધંધુકા, તગડી વગેરે ગામો સહિતનો એક વિભાગ છે. ગોહિલવાડનો (લાઠી, અકાળા વગેરે સહિત) બીજો વિભાગ છે. ત્રીજો વિભાગ હાલારનો છે જેમાં રાજકોટ, મોરબી વગેરેનો સમાવેશ થાય છે. ચોથો વિભાગ કચ્છનો છે. તેમાં ભુજ, માંડવી વગેરેનો સમાવેશ થાય છે. સમગ્ર જ્ઞાતિના ૧૯૪૭માં ૧,૨૦૦ ઘરો હતાં અને તેની વસ્તી ૬,૦૦૦ હતી. ગોહિલવાડ વિભાગના ૩૫ ગામોની ઘર સંખ્યા ૧૫૧ હતી અને તેની વસ્તી ૯૦૭ હતી. સૌથી વધારે ઘરો લાઠીમાં ૪૦ હતાં. મોટા શહેરો પૈકી લાઠી, જસદણુ અને ભાવનગરમાં તેમના બધાં મળીને ૪૭ ઘરો હતાં. તેની વસ્તી ૨૪૨ હતી. બાકીના ગામોમાં એકથી ૨૦ સુધી ઘરો આવ્યાં હતાં. તેમનાં નવ તડો હતા. હાલ બધા એકત્ર થઈ ગયા છે.
તેમના કુત્સસ, વત્સ, કૌશિક, ભારદ્વાજ, વિશ્વામિત્ર અને કુશિકસ ગોત્રો છે. હાલાર વિભાગમાં આશરે ૭૦૦ ઘરો ૧૯૪૭માં હતાં. તેમના ૧૯ તડો ને પટેલો હતાં. ત્યારબાદ નવી સમિતિના ૨૫ પટેલ ને ૨૬ સભ્યો મળીને જ્ઞાતિનો વહીવટ કરતા હતા. મચ્છુકાંઠાના ૧૮ ગામો છે તે પૈકી એકલા મોરબીમાં જ ૧૫૦ ઘરો હતાં. ટંકારામાં ૧૫ ઘરો હતાં. બાકીના નાના ગામોમાં ૧–૨૦ સુધી ઘરો આવ્યાં હતાં. હાલાર વિભાગના ૨૭ ગામો છે. તે પૈકી રાજકોટમાં ૧૫૦, જામનગરમાં ૩૦, પડધરીમાં ૧૫, અને કોરડામાં ૨૦ ઘરો આવેલાં છે. ગોંડલ, પોરબંદર, વંથળી, કાલાવડ જેવા શહેરો અને તાલુકાના સ્થળોમાં પણ થોડા ઘરો છે. કચ્છમાં ૩૫ ગામોમાં મળીને ૨૫૦ ઘરો આવેલાં હતાં તે પૈકી ભુજમાં ૧૩૦, માંડવીમાં ૧૪, અંજારમાં ૮, મુંદ્રામાં ૪, રાપરમાં ૨ અને ભચાઉમાં ૪ ઘરો આવેલાં હતાં. મોટા ભાગના વત્સ ગોત્રના દવે અને જાની, ભારદ્વાજ ગોત્રના ત્રવાડી અને ભટ્ટ, કૃત્સસ ગોત્રના જેઠલોજા જાની, કૌશિક ગોત્રના ત્રવાડી, ધારણસ, શાંડિલ્ય, વિશ્વામિત્ર અને કુશિકસ ગોત્રના ત્રવાડી છે,
ઝાલાવાડમાં લીમડી, અડવાલ, હડોદ, જસદા, જીતર, સૌઢી, કુંવરખાણ, બાવળા વગેરે ૧૮ ગામોમાં તેમની વસ્તી છે.
પુરૂષોત્તમ ત્રિવેદીએ ઝાલાવાડમાં મોઢના ૨૪ ગામો પરથી ચોવીસી છે એમ તેના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે. આ ગામો સાયલા, મૂળી, રાપરૂ, વઢવાણ, ધ્રાંગધ્રા, ભરાડા, સોલડી, કુંડા, અછીઆણા, ધનાલા, જેતપર, ચરાડવા, ખરેડા, ઘુંટું, તલસાણા, વણા, વાંસવા, રખોલ, અડવાણા, કોઠા, ખોરવા, જવારા, દપુકા, ઝીઝુવાડા વગેરે ૨૪ ગામોની કુલ વસ્તી ૩૫૦ ઘરોની છે. કચ્છ, અંજાર, મોટીવાવડી, ટંકારામાં થઇને ૫૦ અને જામનગર, હર્ષદપુર, સંકપાટ અને મોટા છાવરિયા વગેરેમાં ૪૦ ઘરો આવેલાં છે.
ખીજડીઆ મોઢ
આ સમવાયના ૪૦૦ ઘર અને ૨,૦૦૦ વસ્તી ૧૯૪૭માં હતી એમ શ્રી પુરુષોત્તમ ત્રિવેદી જણાવે છે. ભાવનગરમાં ૪૦, પાલીતાણામાં ૪૦, ખીજડીઆમાં ૩, અમરેલીમાં ૨૦, રાજકોટમાં ૨૫, કુંભાજીની દેરડીમાં ૧૦, બગસરામાં ૪, ઉજળામાં ૪, ક્રાંકચમાં ૨૦, શેરણામાં ૩૦ ઘરો છે. તેમના પર (બાવન) ગામો આવેલાં છે. તેમનામાં ત્રિવેદી, ભટ્ટ, દવે, જોશી, ઉપાધ્યાય, ગામોટી વગેરે અટકો છે. ગામનુ ગોમોટું કરે – લગ્ન વગેરે શુભ તથા અશુભ પ્રસંગે સદેશા લઈ જવાનું, કંકોત્રી લઈ જવા વગેરેનું કામ કરનાર ગામેાટી કહેવાય છે. તેઓ ખેતીવાડી તથા યજમાનવૃત્તિ અગાઉ મોટી સંખ્યામાં કરતા હતા. હાલ શિક્ષણ વધતાં તેઓ નોકરી કરે છે. કેટલાક વેપાર તથા કર્મકાંડમાં રોકાયેલા છે. સાવરકુંડલામાં તેમની બૉડિંગ છે. ગોહિલવાડ (ભાવનગર) જિલ્લા અને અમરેલી જિલ્લામાં તેમની વસ્તી મુખ્યત્વે આવેલી છે. જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ, શાહપુર વગેરેમાં તેમની થોડી વસ્તી છે. તેઓ શુકલ યજુર્વેદની માધ્યન્દિની શાખાના છે.
ત્રિવેદી મોઢ
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કાશી સહિત તેના મૂળ બાવન ગામો હતા. સૌરાષ્ટ્રમાં ૧૩ ગામનો એક વિભાગ છે. તેમાં માંડવી, વાંકાનેર, જામનગર, ધ્રાંગધ્રા, ભુજ, મોરબી, હળવદ, લીમડી, રાણપુર, શિહેાર, ભાવનગર, ધોલેરા, વીરમગામ, ધોળકા વગેરેનો સમાવેશ થાય છે. કુલ ૨૦૦ ઘરો છે.
છ ગામનો પોરબંદર, કુતિયાણા, જૂનાગઢ, કોડિનાર, ઊના અને દીવનો સોરઠનો ગોળ છે. તેમાં ૪૭ ઘરો ૧૯૪૭માં હતાં. તેમની ભટ, વ્યાસ, ત્રિવેદી, દવે અને પંડચા અટકો છે. ઉપમન્યુ અને કૌશિક તેમનાં ગોત્રો છે.
તળ ગુજરાતમાં સુરત, ભરૂચ, ખંભાત, અમદાવાદ, અંકલેશ્વર અને કાશી મળીને છ ગામના ૩૭ ઘરો ૧૯૪૭માં હતાં, કુલ તેમની વસ્તી ૧,૫૦૦ હતી.
મોઢ બ્રાહ્મણોના વિવિધ વિભાગો વચ્ચે બેટી વ્યવહાર નથી. સૌરાષ્ટ્રના મોઢ બ્રાહ્મણો ગુજરાતમાં કન્યા આપતા નહોતા. વાહનવ્યવહારની સુવિધા વધતાં અને શિક્ષણના ફેલાવા સાથે મોઢ બ્રાહ્મણો હવે પોતાના સિવાય બીજા ગોળમાં અને અન્ય બ્રાહ્મણ જ્ઞાતિમાં કન્યાની આપલે કરતા થયા છે. કેટલાક કિસ્સાઓમાં અનાવિલ, નાગર, પટેલ અને વણિકોની કન્યાઓ પણ લાવતા થયા છે. ખેડા અને હાલારના મોઢ બ્રાહ્મણોમાં પરદેશગમન ઘણા વખતથી શરૂ થયેલ છે. આફ્રિકા, ઈંગ્લેન્ડ, અને અમેરિકામાં અભ્યાસ અને કાયમી વસવાટ માટે તેઓએ સ્થળાંતર કરેલ છે. એડનમાં પણ કેટલાક ગયા હતા. બીજા બ્રાહ્મણો પૈકી ઈજનેરો, શિક્ષકો અને ડોકટરો આજીવિકા અને અભ્યાસ અર્થે હાલ જવા લાગ્યા છે. પાટણવાડો, ચુંવાળ, વઢિયાર, કચ્છ વગેરેના બ્રાહ્મણો હજી પછાત છે.
રાજસ્થાનમાં અને માળવામાં રતલામ વગેરે સ્થળોએ અને દક્ષિણમાં પણ મોઢ બ્રાહ્મણોની વસ્તી છે પણ તેમની વિગત મળતી નથી.
(શ્રી.સુધીરભાઈ શાંતિલાલ રાવળ–અમદાવાદ ના સૌજન્યથી,
લેખક: ડો.શિવપ્રસાદ રાજગોર, પ્રકાશક: બી.એસ.રાજગોર, ૨૦, જેશીંગભાઈ પાર્ક, ભૈરવનાથ રોડ, મણિનગર, અમદાવાદ–૩૮૦૦૦૮ ના પુસ્તક ‘ગુજરાતના બ્રાહ્મણોનો ઇતિહાસ, ૧૯૮૭ આવૃત્તિ‘માંથી સાભાર, ©લેખક: ડો.શિવપ્રસાદ રાજગોર, પ્રકાશક: બી.એસ.રાજગોર)