You are currently viewing ફિનટેક ક્ષેત્ર માં રિસ્ક મેનેજમેન્ટ: કારકિર્દી વિકલ્પ
Indian new 2000 and 500 Rs Currency Note in isolated white background

ફિનટેક ક્ષેત્ર માં રિસ્ક મેનેજમેન્ટ: કારકિર્દી વિકલ્પ

હાર્દિક અનિલ દીક્ષિત

રિસ્ક મેનેજમેન્ટ (જોખમ વ્યવસ્થાપન) એટલે રિસ્ક (જોખમો)ને ઓળખવા, તપાસવા અને પછી તેને નિયંત્રિત કરવા. ફાઇનાન્શિયલ ટેક્નોલોજી (અથવા ફિનટેક) કંપનીઓ એ નવા પ્રકારની કંપનીઓ છે જે લોકોને નાણાકીય સેવાઓ પૂરી પાડવા માટે કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. છેલ્લાં 3-5 વર્ષોમાં, ‘ફિનટેક’ એ ભારતમાં વધી રહેલા સ્ટાર્ટ-અપ્સ માટે એક નવું નક્કોર સૂત્ર બની ગયું છે અને આમાંથી PayTM, PhonePe, GPay (Google Pay) જેવી કેટલીક ફિનટેક કંપનીઓ તો ઘરે ઘરે જાણીતી થઈ ગઈ છે. આપણે સૌ આ કંપનીઓને તેમની શ્રેષ્ઠ ટેક્નોલોજી, તીવ્ર ઝડપ અને ખાસ તો, તે જે જેટલી લેવડ-દેવડ કરે છે અને જે કલ્પના બહારના મૂલ્યાંકન આ કંપનીઓ મેળવે છે તે જોઈને આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. રિસ્ક મેનેજમેન્ટ (જોખમ વ્યવસ્થાપન) એ કોઈપણ ક્ષેત્રમાં એક બહુ વિશાળ અને મહત્વનો વિષય છે, પરંતુ તે ફિનટેક ક્ષેત્ર માટે તો વધુ મહત્વનો છે. તો ચાલો, આ ક્ષેત્રમાં કારકિર્દીની તકો સમજવાનો પ્રયાસ કરીએ.

આજે આપણે જોઈએ છીએ કે ઘણી મોટી ફિનટેક કંપનીઓ ફક્ત પેમેન્ટ (ચુકવણી) ક્ષેત્રમાં છે અને તેઓ બેન્કો ની જેમ ગ્રાહકના ખાતામાં અથવા ફિક્સ્ડ ડિપોઝિટ વગેરેમાં પૈસા લેતા નથી. ફક્ત ચુકવણી પર ધ્યાન કેન્દ્રિત કરવું આપણા અર્થતંત્ર માટે સારું છે કારણ કે તે આપણા દેશના રોકડ નાણું ઓછું વાપરવાનાં હેતુને તો મદદ કરે જ છે, પરંતુ તેમનાં ગ્રાહકોને મ્યુચ્યુઅલ ફંડ, વીમો, બિલ ચૂકવણી સ્વીકારવા જેવી સેવાઓનો વિસ્તાર કરી અને એકત્રીકરણની તક પૂરી પાડે છે.

દાખલા તરીકે, ભારત સરકારે 11-4-2016ના રોજ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુ-પી-આઈ/UPI) શરુ કરી. ભારતીય રિઝર્વ બેંક (RBI) ની ડિજિટલ પેમેન્ટ્સ માટેની ખાસ એક સંસ્થા, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા આને લોન્ચ કરવામાં આવી. યુ-પી-આઈ મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને બે બેંક ખાતાઓ વચ્ચે પૈસાની તરત જ લેવડ-દેવડ કરીને ઝડપી, કેશ-લેસ ચૂકવણી કરવામાં મદદ કરે છે. સાદા શબ્દોમાં કહીએ તો, યુ-પી-આઈ એ ફિનટેક ક્રાંતિનું અત્યંત સફળ, શ્રેષ્ઠ ઉદાહરણ છે જેનાથી કોઈપણ સામાન્ય ભારતીય, સાથે કોઈપણ રોકડ રાખ્યા વગર, માત્ર પોતાનો મોબાઈલ ફોન સાથે રાખીને, ઘરની બહાર નિશ્ચિન્ત મને એક આખો દિવસ કાઢી શકે છે. આ ટૂંકા ગાળામાં, યુ-પી-આઈ દ્વારા લેવડ-દેવડ નું પ્રમાણ અસાધારણ ગતિએ વધ્યું છે – ડિસેમ્બર 2021 સુધીમાં, યુ-પી-આઈ પર 274 ભારતીય બેંકો જોડાયેલી છે જેણે કુલ ₹8.26 લાખ કરોડ (₹8,26,848 કરોડ)ના, 456 કરોડ વ્યવહારો કર્યા છે – જે એક વર્લ્ડ રેકોર્ડ જેવું જ છે! મે-2021 સુધીમાં, લગભગ 15 કરોડ ભારતીયોએ પૈસા ચૂકવવા નિયમિતપણે યુ-પી-આઈનો ઉપયોગ કર્યો અને એવું લાગે છે કે 2025 સુધીમાં આ સંખ્યા કદાચ 50 કરોડ સુધી પહોંચી જશે. આ ઉપરાંત આઈ.આઈ.ટી.-મદ્રાસ અંગ્રેજી સાથે જુદી-જુદી ભારતીય ભાષાઓમાં વૉઇસ કમાન્ડ (અવાજ ના આદેશ) ઉપર પણ કામ કરી શકે તેવા સુવિધા માટે શોધ કરી રહ્યું છે – જેનો અર્થ છે કે તમે તમારા મોબાઇલ પર ગુજરાતીમાં વાત કરી શકો છો અને તેના થી તમે કોઈને પણ, કોઈ રોકડ વિના પૈસા ચૂકવવામાં મદદ કરશે!

બીજી બાજુ જેમ જેમ આ પ્રકારની ડિજિટલ ચૂકવણીઓ વધે છે તો સ્વાભાવિક છે કે વિવિધ પ્રકારની છેતરપિંડીઓમાં પણ વધારો થાય છે, દા.ત. વ્યક્તિઓ સાથે કરવામાં આવતી છેતરપિંડી, ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે ફિનટેક કંપનીઓના ડેટા ભંગ અને પ્લેટફોર્મ પર લક્ષ્યાંકિત હુમલાઓ. આવી છેતરપિંડીઓનો સામનો કરવા અને અટકાવવા માટે સાયબર રિસ્ક પ્રોફેશનલ્સની જરૂર ઊભી થાય છે.

(ફિનટેક્સ – પેમેન્ટ્સ) ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટ માં સફળ કારકિર્દી માટે માહિતી: પહેલા તો એ સમજવું અગત્યનું છે કે ફાઇનાન્શિયલ ટેક્નોલોજી (અથવા ફિનટેક) કંપનીઓ આવી બધી સફળતાની કરોડરજ્જુ એટલે એક મજબૂત રિસ્ક મેનેજમેન્ટ (જોખમ સંચાલન) માળખું છે. આમ તો એન્ટરપ્રાઇઝ રિસ્ક મેનેજમેન્ટ (જે એક કંપનીના બધા જોખમો ને આવરી લે છે) એ પોતે એક મોટો વિષય છે, પરંતુ તેમાં પણ સૌથી અગત્યનું ઓપરેશનલ રિસ્ક મેનેજમેન્ટ અને તેની અંદર છેતરપિંડીનું રિસ્ક મેનેજમેન્ટ છે. ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટને સમજવા અને તેનું સંચાલન કરવા માટે વિદેશી કંપનીઓ અને ખાનગી ભારતીય કન્સલ્ટિંગ કંપનીઓ નિષ્ણાત તાલીમ અભ્યાસક્રમો ચલાવે છે, જેમાંથી કેટલાક નીચે મુજબ છે:

તાલીમ અભ્યાસક્રમો:

  • CFE (સર્ટિફાઈડ ફ્રોડ એક્ષામીનેર, પ્રમાણિત છેતરપિંડી પરીક્ષક) એ કોઈપણ છેતરપિંડી જોખમ વ્યાવસાયિક માટે શરૂ કરવા માટેનો સૌથી પ્રખ્યાત અભ્યાસક્રમ છે જે, ઓળખવા, નિવારણ અને તપાસના 3 પ્રાથમિક પાસાઓ પર વિગતવાર સમજ આપે છે. આ અભ્યાસક્રમ ચલાવનાર સંસ્થાનું નામ એસોસિએશન ઓફ સર્ટિફાઇડ ફ્રોડ એક્ઝામિનર્સ (ACFE) છે, જેનું મુખ્ય મથક ટેક્સાસ, અમેરિકામાં છે અને ભારતમાં તેની ઓફિસો દિલ્હી, મુંબઈ, જયપુર, બેંગલુરુ, ચેન્નાઈ અને હૈદરાબાદમાં છે. વધુ માહિતી માટે તમે (https://www.acfe.com/) પર તેમની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
  • CIPSP (સર્ટિફાઇડ ઇન્ટરનેશનલ પેમેન્ટ સિસ્ટમ્સ પ્રોફેશનલ) સમગ્ર વિશ્વમાં પેમેન્ટ સિસ્ટમ્સ કેવી રીતે કાર્ય કરે છે તેના ટેકનિકલ પાસાઓ પર ઊંડાણપૂર્વકની સમજણ આપે છે. આની ઊંડાણપૂર્વકની સમજ લોકોને સંભવિત છેતરપિંડીઓને ઓળખવા અને તપાસ કરવા માટે સજ્જ કરશે. આની તાલીમ એમ.વી.એલ. કન્સલ્ટિંગ પ્રા.લિ., પુણે આપે છે. ઉપરોક્ત અને અન્ય તાલીમ અભ્યાસક્રમો વિશે વધુ માહિતી તેમની વેબસાઇટ (https://www.mvlco.com/index.php) પર ઉપલબ્ધ છે.
  • IFS (ઇન્ટરનેશનલ ફોરેન્સિક સાયન્સ) એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સાયબર છેતરપિંડી સંબંધિત 2-12 મહિનાના કોર્સ સાથે બહુવિધ અભ્યાસક્રમો ચલાવે છે અને કોઈ પણ વ્યક્તિ તેના રસના ક્ષેત્ર મુજબ તેમાં જોડાઈ શકે છે. ઉપરોક્ત અને અન્ય તાલીમ અભ્યાસક્રમો વિશે વધુ માહિતી તેમની વેબસાઇટ (https://www.ifsedu.in/) પર ઉપલબ્ધ છે.
  • નેટવર્ક ઇન્ટેલિજન્સ પ્રા. લિ. (NII કન્સલ્ટિંગ) સાયબર-સિક્યોરિટીના ક્ષેત્રમાં અગ્રણી કંપની છે અને 2-3 દિવસથી લઈ 5 મહિના સુધીની વિવિધ તાલીમો પૂરી પાડે છે. તમે વધુ માહિતી માટે તેમની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો (https://www.niiconsulting.com/)

રિસ્ક પ્રોફેશનલ તરીકે કારકિર્દી બનાવવા માંગતી કોઈ પણ વ્યક્તિ ગ્રેજ્યુએટ/સ્નાતક પછી ઉપર બતાવેલા અભ્યાસક્રમોથી શરૂઆત કરી શકે છે અને પછી પોતાના રસના આધારે વિશેષતા તરફ આગળ વધી શકે છે. આ ક્ષેત્રમાં મોટા ભાગનું શીખવાનું કામ પર અને અનુભવ થી થાય છે કારણ કે ટેક્નોલોજી દરરોજ બદલાતી રહે છે અને કોઈ પ્રશ્ન ઉકેલવાની આજ ની રીત આવતી કાલે નકામી થઈ શકે છે. આવી માહિતીની ઔપચારિક તાલીમ આવતા ખુબ મોડું થઈ જાય છે તેથી સંબંધિત અનૌપચારિક જૂથોનો (ફોકસ ગ્રૂપ્સ) ભાગ બનવું બહુ જરૂરી બની જાય છે.

મારું નામ હાર્દિક અનિલ દીક્ષિત છે અને હું મુંબઈમાં રહું છું. રિસ્ક મેનેજમેન્ટ અને પેમેન્ટ પ્રોડક્ટ્સના ક્ષેત્રમાં મારો 20+ વર્ષનો અનુભવ છે. આપના માંથી કોઈને આ ક્ષેત્રમાં રસ હોય તો જરૂરી માર્ગદર્શન આપવામાં મને આનંદ થશે અને તમે મને મોબાઇલ (+91 99206 22860) અથવા ઈ-મેઈલ દ્વારા hadixit@gmail.com પર સંપર્ક કરી શકો છો.