You are currently viewing પ્રાથમિક શિક્ષક:  એક વ્યવસાય

પ્રાથમિક શિક્ષક: એક વ્યવસાય

દીપેન દિક્ષિત

શું તમે કહી શકશો કે શિક્ષક એટલે શું? માત્ર શિક્ષણ આપે તે નહીં પણ બાળક ની આંતરિક શક્તિ ને ઉજાગર કરી તેને ખીલવવાનું કામ કરનાર એટલે શિક્ષક!

શિક્ષક બનવા માટે એક વ્યક્તિ માં શું હોવું જોઈએ ?

સૌ પ્રથમ તો આ એવો વ્યવસાય છે જેમાં તેવા જ વ્યક્તિઓ એ આવવું જોઈએ જેને શિક્ષણ વ્યવસ્થા માં રસ અને વિશ્વાસ હોય. શિક્ષક સમાજ ની આધારશીલા છે. શિક્ષક જે તે વિષય પર ની પકડ વાળો હોવો જોઈએ, આ ઉપરાંત બાળક ની જરૂરિયાત સમજીને તે અનુસાર શિક્ષણ ની પધ્ધતિ અમલ માં મૂકી શકે તેવો અને શિક્ષક માત્ર ભણાવે તેવો જ નહીં પણ બાળકો જાતે પોતાની રીતે ભણી શકે તેવા વાતાવરણ નું નિર્માણ કરનારો હોવો જોઈએ. આ ઉપરાંત પણ ઘણી વિશેષતા શિક્ષક માં હોવી જોઈએ. આ વાત થઈ શિક્ષક ના મૂલ્યો ની પણ આ ઉપરાંત શેક્ષણિક લાયકાત પણ જરૂરી છે.

શા માટે પ્રાથમિક શિક્ષક ની કારકિર્દી માં તક છે?

ગુજરાત રાજ્યનો સાક્ષરતા દર અંદાજે 82% છે, જેનો અર્થ છે કે હજી પણ આપણી વસ્તી નો અમુક વર્ગ નિરક્ષર રહી જાય છે. રાજ્યમાં આશરે 20,000 જેટલા ગામડાઓ છે અને ગુજરાત રાજ્યની લગભગ 57% વસ્તી ગ્રામ્યવિસ્તાર માં રહે છે. હજુ બધા ગામોમાં પ્રાથમિક શાળા પણ નથી હોતી, શાળા હોય તો પૂરતા વર્ગો કે ક્લાસરૂમ નથી હોતા અને વર્ગો હોય તો પુરા શિક્ષકો નથી હોતા.

પ્રાથમિક શાળા માં શિક્ષક બનવા માટે ખૂબ મોટી તક છે, કેમકે દરેક ગામ માં એક પ્રાથમિક શાળા હોય છે અને જો ગામ મોટું હોય તો બે પ્રાથમિક શાળા પણ હોય છે એટલે સરકાર ને ભરતી કરવી પડે છે. તાજેતરના દિવ્ય ભાસ્કર અખબારના એક અહેવાલ મુજબ, ગુજરાત રાજ્ય માં અંદાજે 14,000 પ્રાથમિક શિક્ષકો ની ખોટ છે, માટે આ ક્ષેત્ર માં કારકિર્દી બનાવવાની ઉતમ તક છે (બહેનો માટે તો ખાસ) એવું મારૂ માનવું છે.

તો ચાલો આપણે પ્રાથમિક શાળા ના શિક્ષણ ક્ષેત્ર માં રહેલી તકો તરફ એક નજર નાખીયે:

  1. શૈક્ષણિક લાયકાત: પ્રાથમિક શાળા માં બે વિભાગ હોય છે. ધોરણ 1 થી 5 ને પ્રાથમિક વિભાગ અને ધોરણ 6 થી 8 ને ઉચ્ચ પ્રાથમિક વિભાગ તરીકે ઓળખવામાં આવે છે.

  2. પ્રાથમિક વિભાગ: પ્રાથમિક વિભાગ માં શિક્ષક થવાં માટે ધોરણ 12 પછી P.T.C. (Primary Teacher Course) જેને હવે D.El.Ed. (Diploma in Elementary Education અથવા પ્રાથમિક શિક્ષણ માં ડિપ્લોમા) એવું નામ આપવામાં આવ્યું છે. આ બે વર્ષ નો કોર્સ હોય છે. આ કોર્સ કર્યા બાદ પ્રાથમિક વિભાગ ની T.E.T. (Teacher Eligibility Test) નામ ની પરીક્ષા આવે તે આપવાની હોય છે. આ પરીક્ષા પાસ કર્યા બાદ T.E.T. ના માર્ક અને D.El.Ed. ના માર્ક ની ગણતરી કરી મેરીટ લિસ્ટ બનાવવામાં આવે છે. જ્યારે પ્રાથમિક વિભાગ માં વિદ્યાસહાયક ની ભરતી આવે ત્યારે તે અરજી કરી પ્રાથમિક વિભાગ માં શિક્ષક બની શકે છે.

  3. ઉચ્ચ પ્રાથમિક વિભાગ: ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં શિક્ષકો ની ભરતી વિષય મુજબ કરવામાં આવે છે જેમાં ભાષા શિક્ષક, સામાજિકવિજ્ઞાન શિક્ષક અને ગણિતવિજ્ઞાન શિક્ષક ની ભરતી કરવામાં આવે છે.

  • ભાષા શિક્ષક માટે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી ભાષા માં B.A., B.Ed. (Bachelor in Education) કરેલું હોવું ફરજિયાત હોય છે અથવા ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી ભાષા માં B.A. અને P.T.C. કરેલું હોવું ફરજિયાત હોય છે. આ ઉપરાંત ભાષા માટે T.E.T. ની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. T.E.T. પાસ કર્યા બાદ જ્યારે ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં ભાષા ની ભરતી આવે ત્યારે ભાષા ની જે જગ્યા હોય તેનાં પર અરજી કરી શકે છે. જેમાં B.A., B.Ed. ના ગુણ અને T.E.T. ની પરીક્ષા ના ગુણ તેમજ જો માસ્ટર ડિગ્રી હોય તો તેનાં પણ 5% ગુણ ગણવામાં આવે છે અને આ આધારે મેરીટ લિસ્ટ બને છે.

  • સામાજિક વિજ્ઞાન શિક્ષક માટે ઇતિહાસ, ભૂગોળ, સમાજ શાસ્ત્ર, રાજ્ય શાસ્ત્ર કે અર્થ શાસ્ત્ર વિષય પર B.A., B.Ed. કરેલું હોવું ફરજિયાત હોય છે અથવા ઇતિહાસ, ભૂગોળ, સમાજ શાસ્ત્ર, રાજ્ય શાસ્ત્ર અને અર્થ શાસ્ત્ર વિષય પર B.A. અને P.T.C. કરેલું હોવું ફરજિયાત હોય છે આ ઉપરાંત સામાજિક વિજ્ઞાન માટે T.E.T. ની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. T.E.T. પાસ કર્યા બાદ જ્યારે ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં સામાજિક વિજ્ઞાન ની ભરતી આવે ત્યારે સામાજિક વિજ્ઞાન ની જે જગ્યા હોય તેનાં પર અરજી કરી શકે છે. જેમાં B.A., B.Ed. ના ગુણ અને T.E.T. ની પરીક્ષા ના ગુણ તેમજ જો માસ્ટર ડિગ્રી હોય તો તેનાં પણ 5% ગુણ ગણવામાં આવે છે અને આ આધારે મેરીટ લિસ્ટ બને છે.

  • ગણિત–વિજ્ઞાન શિક્ષક માટે B.Sc., B.Ed. કરેલું હોવું ફરજિયાત હોય છે અથવા ગણિત–વિજ્ઞાન વિષય સાથે B.Sc. અને P.T.C. કરેલું હોવું ફરજિયાત હોય છે. આ ઉપરાંત ગણિત–વિજ્ઞાન શિક્ષક માટે T.E.T. ની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. T.E.T પાસ કર્યા બાદ જ્યારે ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં ગણિત–વિજ્ઞાન શિક્ષક ની ભરતી આવે ત્યારે ગણિત–વિજ્ઞાન શિક્ષક ની જે જગ્યા હોય તેનાં પર અરજી કરી શકે છે. જેમાં B.Sc., B.Ed. ના ગુણ અને T.E.T. ની પરીક્ષા ના ગુણ તેમજ જો માસ્ટર ડિગ્રી હોય તો તેનાં પણ 5% ગુણ ગણવામાં આવે છે અને આ આધારે મેરીટ લિસ્ટ બને છે.

  1. આચાર્ય (HTAT) બનવાની લાયકાત: આચરે તે આચાર્ય” મુજબ આચાર્ય બનવા માટે આપણાં માં શાળા વ્યવસ્થાપન, વહીવટી કુશળતા, બધાં ને સાથે લઈ ચાલવાની આવડત તેમજ જે શિક્ષક પાસે જેની આવડત હોય તેને ઓળખી તે મુજબ શાળા ના હિત માં ઉપયોગ કરવાની આવડત ખૂબ જ મહત્વ ની છે. શાળા નો આચાર્ય દીર્ઘદ્રષ્ટા હોવો જોઈએ.

  • H.T.A.T. (Head Teacher Aptitude Test) ની પરીક્ષા માં બે ભાગ હોય છે, જેમાં જ્ઞાન, તર્ક, ઈતિહાસ અને ભૂગોળને લગતા પ્રશ્નો અને વહીવટી પ્રશ્નો પૂછવામાં આવે છે જ્યારે બીજા ભાગ માં ધોરણ 1 થી 10ના પાઠ્યપુસ્તકોમાંથી પૂછવામાં આવતા સામાન્ય પ્રશ્નો પૂછવામાં આવે છે.

  • આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત માં શિક્ષક તરીકે જેને 5 વર્ષનો અનુભવ હોય અને જે આચાર્ય થવાં માટે લેવામાં આવતી H.T.A.T. (Head Teacher Aptitude Test) ની પરીક્ષા પાસ કરે તે આચાર્ય (H.T.A.T.) બની શકે છે. જેમાં 2 રીતે ભરતી થાય છે: સીધી ભરતી અને બઢતી થી ભરતી થાય છે. સીધી ભરતી માં સ્નાતક, અનુસ્નાતક અને H.T.A.T. ની પરીક્ષા ના ગુણ આધારે મેરીટ લિસ્ટ બને છે જ્યારે બઢતી માટે માટે H.T.A.T. ની પરીક્ષા પાસ અને નોકરી ની લંબાઈ ગણવામાં આવે છે.

આમ આમાં મે મારી માહિતી મુજબ પ્રાથમિક શાળા ના શિક્ષણ ક્ષેત્ર માં રહેલી તકો અને શિક્ષક કે આચાર્ય (H.T.A.T.) બનવા માટે શું કરવું પડે તેની માહિતી આપેલ છે. આ ઉપરાંત આપને કોઈ વધારે માહિતી ની જરૂર હોય તો આપ નીચે આપેલ નંબર અને મેઈલ એડ્રેસ પર મારો સંપર્ક કરી શકો છો.

મારો પરિચય: મારુ નામ દિપેનકુમાર બી. દીક્ષિત છે અને હું ભવાનીશંકર જે.દીક્ષિત અને આશા બેન દીક્ષિત નો પુત્ર છું. હું ભાવનગર રહું છું અને હું છેલ્લાં 17 વર્ષ થી પ્રાથમિક શાળા ના ક્ષેત્ર માં કામ કરું છુ. 10 વર્ષ પ્રાથમિક શાળા ના શિક્ષક તરીકે કામ કરી, હવે 7 વર્ષથી શ્રી કંટાળા પ્રાથમિક શાળા, તા: ઘોઘા, જી: ભાવનગર માં આચાર્ય (H.T.A.T.) તરીકે કાર્યરત છું.

મો.નં.: 75677 66258 / 76007 53800,

મેઈલ એડ્રેસ: dipen.dixit1984@gmail.com