મોઢ શક્તિનાં સૌ વાંચકો સમક્ષ આ દિપોત્સવી અંકમાં લાંબા સમય પછી મળવાનુ થયુ ત્યારે ચોકકસ વિચારોની આંધી મારા માનસપટ ઉપર કેન્દ્રીત થઇ. એ વિચારોની પ્રેરણા હતી ‘પ્રેરણાધામ–કન્યા છાત્રાલય’. થોડા દિવસો પહેલા મારે પ્રેરણાધામ કન્યા છાત્રાલયની મુલાકાત લેવાનું શકય બન્યું. પ્રેરણાધામ કન્યા છાત્રાલયમાં ચાલતી પ્રવૃત્તિઓ, શૈક્ષણિક ક્ષેત્રે સંસ્થાનું આગવું પ્રદાન, કાર્યકરોના ખંતપૂર્વકના પ્રયત્નો અને યશસ્વી કાર્ય પધ્ધતિ, કન્યાઓનો છાત્રાલયમાં ઘસારો, વિગેરે અનેક બાબતો જાણવાની તક સાંપડી. ભાવનગરમાં ચાલતી આપણી ‘પ્રેરણાધામ કન્યા છાત્રાલય’ એ સાચેજ પ્રેરણાનું ધામ છે. અનેક વ્યકિત વિશેષોનું તેમાં ગૌરવ રૂપ પ્રદાન છે. આપણા ઘણાં સન્માનનીય વડીલેાનાં પુરુષાર્થનું ફળ છે. અનેક બંધુઓએ આપેલા સહકારનું તે પ્રતિક છે. આપણી સમસ્ત જ્ઞાતિમાં રહેલી સેવાકિય ભાવનાનું પ્રતિબિંબ છે. જ્યારે સંગઠનનું આદર્શ ઉદાહરણ છે.
પેાતાની શૈક્ષણીક કારકિર્દી યથાર્થ કરવા દર વર્ષે સારી સંખ્યામાં બહેનો આ કન્યા છાત્રાલયનો સદ્દઉપયોગ કરે છે. તેમજ આજ સુધીમાં અનેક વિદ્યાર્થીઓએ તેમાં પોતાની સફળ કારકિર્દીમાં સહભાગી થવા બદલ વિદ્યાર્થી ભુવન પ્રત્યે અહોભાવ વ્યકત કરેલ છે. ખરેખર ધન્ય છે આપણી આ બંને સંસ્થાઓને કે જેની અપૂર્વ સેવા ત્થા સહકાર મેળવીને આપણાં ઘણાં ભાઇ બહેનોએ પેાતાની આશાસ્પદ કારકિર્દી કંડારી છે અને તેથી જ સંસ્થાનુ ઋણ આપણી સૌની ઉપર વર્ષોવર્ષ વધતું જાય છે.
મને એક સવાલ મનમાં ઉપસ્થિત થાય છે કે આ સંસ્થામાં થઇ રહેલી પ્રવૃત્તિઓને આપણે બીરદાવીએ છીએ. તે માટે તેમાં સક્રિય કાર્યકરોને પણ બિરદાવીએ છીએ તથા જરૂર પડયે બે શબ્દ પ્રશંસાના પણ બોલી નાંખીએ છીએ કારણ ? કારણ કે આપણને લાગે છે કે આ સારા કાર્યો કહેવાય અને આવુ કહી એ તો સારા કાર્યો ચાલતા રહે અને આપણે મનોમન પ્રોત્સાહન આપ્યાનો અનુભવ કરીને આત્મસંતોષ મેળવીએ છીએ. સવાલ એ છે કે આમાં ઔચિત્ય કેટલું ?
શું આવા ખોખલા શબ્દ અથવા માત્ર આભારની લાગણીઓ ક્યાં સુધી આવા સત્કાર્યોને ટકાવશે? કયાં સુધી સંસ્થાકીય પ્રવૃતિઓ માત્ર પ્રશંસાનાં પુષ્પો વડે મહેકાવી શકાશે? સાચે જ આ અણીનો સવાલ આત્મ ચિંતન માટેનો છે. જે સેવાભાવી પ્રવૃતિઓ મારા તમારા ભાઇ–બહેનોને કુટુંબ ભાવનામાં પરોવી રાખીને જ્ઞાતિને ઉમદા પ્રદાન કરી રહી છે, તે આદર્શ સેવા યજ્ઞમાં આપણે કયાં છીએ? શું આપણી સામાજીક ફરજો “વાહ વાહ” કહેવા સુધીની જ છે? આપણું સાચુ કર્તવ્ય શું છે? આપણે તે અંગે જાગૃત છીએ કે કેમ? આવા અનેક સવાલો આત્મ ચિંતન માંગી લે છે.
ભાઇઓ ! આપણે જે જોઈ રહ્યા છીએ તે પ્રેરણાધામ કન્યા છાત્રાલય કે વિદ્યાર્થીભુવનની એક એક ઈંટ આપણાં આદરણીય વડીલેાનાં અથાગ પરિશ્રમની બનેલી છે. તો આપણી ફરજ હવે તે ઈમારતને બુલંદીનાં શિખરે લઇ જવાની છે. આપણાં વડીલેાનાં મહાન અભિયાન માટે આપણે ધન્યતા અનુભવીએ છીએ, તો આવનારી પેઢી તે જ પ્રમાણે આપણાં માટે ધન્યતા અનુભવે એવા આદર્શોને કાર્યાન્વિત કરવાની આપણી ફરજ છે. યુવાન પેઢીનાં દરેક ભાઈઓ તથા બહેનોમાં અખૂટ શક્તિ છે. ઊંચા વિચારો છે, પ્રેરક વાણી છે, ખંતપૂર્વક કાર્ય કરવાની નિષ્ઠા છે. આમ કઠિન કાર્યને પાર પાડવા માટે અત્યંત અનિવાર્ય એવા તમામ સદ્દગુણો હોવા છતાં આપણાંમાં જો કંઇ ખૂટતુ હોય તો તે છે આપણી–આપણા માટેની ‘જાગૃતિ’. આપણાં ઉત્કર્ષ માટે આપણે જ્યારે જાગૃત થઈશું, ત્યારે આપણો જ અદમ્ય ઉત્સાહ અને સંકલ્પ બળ આપણને ગમે તેવા કપરા લક્ષ સુધી આસાનીથી પહેાંચાડી દેશે. આપણી જ શકિતઓને આપણે ઓળખતાં નથી તેથી ઘણાં કાર્યો આપણને મુશ્કેલ લાગે છે. આજે જે સુવિધાઓ જ્ઞાતિજનો માટે, વિદ્યાર્થી–વિદ્યાર્થીનીઓ માટે ઉભી કરાઈ રહી છે તે ન પણ હોય તો કોણ ફરિયાદ કરવાનું હતું? આવી કોઈ પ્રવૃતિઓ જ ન ચાલતી હોત તો કયા આંદોલનો ફાટી નીકળવાના હતા? પરંતુ ના, આપણી જ જ્ઞાતિમાં આર્થિક રીતે નબળો વર્ગ પણ છે. નાના ગામડાઓમાં શિક્ષણની સવલતો ન હોવાથી શહેરોમાં અભ્યાસ કરવા આવવું પડે છે, તદ્દઉપરાંત દરેક વર્ગમાંથી આવનાર સર્વેને જીવનમાં કોઇને કોઈ ક્ષેત્રે જરૂરિયાતો ઉભી થયા કરે છે. આવાં ખ્યાલોના વિચાર કરીને આપણે, સૌનાં હિતમાં કે જે નિઃસ્વાર્થ ભાવે થાય છે તેવા સત્કાર્યો ને સાકાર કરીએ તે આપણી સામાજીક ફરજ છે.
આ સંસ્થામાં થઈ રહેલા આવા સેવાકીય સત્કાર્યોંમાં સર્વે જ્ઞાતિજનો પોતપોતાની શકિત મુજબ કાર્યરત થાય તો જ જ્ઞાતિની સાચી સેવા કર્યાનો આત્મસંતોષ લઈ શકાય. ઘણીવાર પ્રશ્ન થાય કે જ્ઞાતિ કે સંસ્થાની સેવા કઇ રીતે કરવી? તો કહેવાનું એ છે કે સેવા માત્ર ધનથી જ નથી થતી. કોઇક દોડાદોડી કરીને તનથી, કોઈ સુંદર પ્રોત્સાહક વિચારોની સતત પ્રેરણા આપીને મનથી, તો કોઇ શુભ–અશુભ પ્રસંગોએ દાનનો મહિમા સમજીને ધનથી સેવા કરી શકે છે. ધનનો સવાલ આવે ત્યારે આપણે વિચારીએ છીએ કે આપણે કયાં ધનવાન થઈ ગયા છીએ કે દાન કરીએ? અરે ૧૧–૨૧ કે ૫૧/- રૂપિયા રકમ તો આપણે પાન મસાલામાં કે વટ જમાવવા મિત્ર વર્તુળમાં વગર વિચાર્યે ખર્ચી નાંખતા હોઈએ છીએ, પરંતુ દાનમાં તે જ રકમ આપતાં ખચકાટ અનુભવીએ છીએ. આવા કડવા સત્યો આપણને કેટલાં વામણાં ઠરાવે છે. કહેવાનું તાત્પર્ય એ નથી કે મોજશેાખ બંધ કરીને દાનનો મહિમા જ વધારવો. પરંતુ આપણી ફરજ પાલન અંગેની જાગૃતિ આપણને સાચા અર્થમાં મહાન બનાવશે, અને ત્યારે જ આપણને સાચો આત્મસંતોષ અનુભવાશે. સર્વ કાર્યો ભલે પછી તે સ્વાર્થનાં હોય કે પરમાર્થનાં હોય, તેમાં સાધન રૂપે ધનની જરૂરિયાત રહેવાની જ. આપણી જ્ઞાતિમાં હવે ઘણાં કુટુંબો તથા યુવાનો પહેલા કરતાં ઘણી સારી આર્થિક સ્થિતિ ધરાવતાં થયા છે, તેઓ દુર રહીને પણ પેાતાનાંથી બનતી તમામ મદદ કરીને પોતાનો સિંહફાળો આપી શકે છે. વડીલેા માર્ગદર્શન આપીને કે યુવાનોને વધારે ને વધારે સક્રિય કરતાં રહીને ફાળો આપી શકે છે. કાર્યકરો એકત્રિત નાણાંનાં સુંદર આયેાજન દ્વારા વહીવટી સેવાઓ બજાવીને પેાતાના ફાળો આપી શકે છે. થોડો ગંભીરતાપૂર્વક વિચાર કરીશુ તો આ વાતોમાં તથ્ય જણાશે. જ્યારે આપણને લાભો લેવા ગમે, પરંતુ લાભો આપનારની ભૂમિકા સમજવામાં નિષ્ફળ જઇએ ત્યારે આપણે સામાજીક અન્યાય કર્યાંનાં ગુન્હામાં ગુન્હેગાર બનીએ છીએ. જાણતાં–અજાણતાં પણ આપણે તેવા ગુનેગાર નથી બનવું. આપણને અન્યોમાં જે સદ્દગુણોની અપેક્ષા છે, તે આપણામાં ખીલવવાની આવશ્યકતા સમજવી છે. નિખાલસતા પૂર્વક જરૂરી ફેરફાર કરવો છે. તો આપેાઆપ આપણે જ અન્યો માટે પ્રેરણા બનીશું.
આપણી જ્ઞાતિમાં અનેક સ્થળે સેવાકીય કાર્યો થાય છે તેને પ્રેરકબળ પુરૂ પાડવાની વિશેષ જવાબદારી સૌ જ્ઞાતિજનોમાં સવિશેષ યુવાન પેઢીની છે, દરેક જ્ઞાતિજનની છે.
તો આવો! આપણાંમાં રહેલી સુષુપ્ત શકિતઓને જગાડીએ, કાર્યરત કરીએ અને “પ્રેરણાધામ–કન્યા છાત્રાલય” નાં વર્તમાન અભિયાન તરફ સર્વ શકિતઓને કેન્દ્રીત કરી, “પ્રેરણાધામ” નાં ઈતિહાસને નવાં જ સોનેરી અક્ષરોથી અંકિત કરીને યશસ્વી સિદ્ધિ સાથે આત્મસંતોષ અનુભવીએ.
સુધીર એસ. રાવળ, (તત્કાલીન) સહતંત્રી – મોઢ શક્તિ, સુરત.
(સુરતથી પ્રકાશિત જ્ઞાતિ પત્ર ‘મોઢ શક્તિ’, ઓક્ટોબર–ડિસેમ્બર ૧૯૯૧ દિપોત્સવી અંકમાંથી સાભાર)